રોકાણની તક:ભારતના નાના રોકાણકારો 3 માર્ચથી ગૂગલ, એમેઝોન અને ટેસ્લા જેવી 8 US કંપનીના શેરોમાં ગિફ્ટ સિટીના NSE IFSC પ્લેટફોર્મથી મૂડીરોકાણ કરી શકાશે

રોકાણની તક:ભારતના નાના રોકાણકારો 3 માર્ચથી ગૂગલ, એમેઝોન અને ટેસ્લા જેવી 8 US કંપનીના શેરોમાં ગિફ્ટ સિટીના NSE IFSC પ્લેટફોર્મથી મૂડીરોકાણ કરી શકાશે

હવે ભારતીય રોકાણકારો ગૂગલ, એમેઝોન અને ટેસ્લા જેવી અમેરિકાની અગ્રણી કંપનીઓમાં NSE IFSC(NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ) પરથી સીધું જ મૂડીરોકાણ કરી શકે છે. NSE IFSCએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે અમેરિકાસ્થિત 8 જેટલી કંપનીઓમાં આગામી 3, માર્ચથી ટ્રેડિંગની કામગીરીની શરૂઆત થશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય રોકાણકારો અમેરિકાની કંપનીઓમાં તેમનું રોકાણ સતત વધારી રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી NSE IFSC દ્વારા પોતાના પ્લેટફોર્મ પર અમેરિકાની 8 જેટલી દિગ્ગજ કંપનીઓમાં પ્રત્યક્ષ રીતે રોકાણની સુવિધાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

અલબત્ત, અત્યારસુધીમાં 50 જેટલી અમેરિકી કંપનીઓના શેરોમાં કામકાજ માટે મંજૂરી મળી છે, પણ અત્યારે ગુરુવારથી 8 કંપનીના શેરો ટ્રેડિંગ કામકાજ માટે ઉપલબ્ધ બનશે. જે આઠ કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થવા જઈ રહ્યું છે એમાં ગૂગલ, એમેઝોન, ટેસ્લા, ફેસબુક, માઈક્રોસોફ્ટ, નેટફ્લિક્સ, એપલ તથા વોલમાર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બર્કશાયર હાથવે, માસ્ટરકાર્ડ, જેપી મોર્ગન ચેઝ, મોર્ગન સ્ટેન્લી, નાઈક, એપલ, ફાઈઝર, ઈનટેલ સહિતની અન્ય કંપનીઓના શેરોમાં પણ ટૂંક સમયમાં કામકાજનો પ્રારંભ થશે, જોકે આ અંગે સત્તાવાર રીતે નિશ્ચિત સમયની જાહેરાત કરવામાં આવી નથી.

અમેરિકામાં લિસ્ટેડ આ સ્ક્રિપ સામે ઈસ્યુ કરવામાં આવે છે તે રિસીપ્ટ્સ રોકાણકારો દ્વારા ખરીદવામાં આવતાં શેર સામે અનસ્પોન્સર્ડ ડિપોઝિટરી રિસીપ્ટ્સમાં ટ્રેડિંગ કરવામાં આવે છે. રોકાણકારો દ્વારા કરવામાં આવતા US કંપનીના શેરોમાં સંપૂર્ણ ટ્રે઼ડિંગ, ક્લિયરિંગ, સેટલમેન્ટ તથા હોલ્ડિંગની પ્રક્રિયા IFSC સત્તાવાળાના નિયમનકારી માળખા હેઠળ જ કરવામાં આવશે.

ભારતીય રોકાણકારો કેવી રીતે રોકાણ કરી શકે છે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલી લિબરલાઈઝ રેમિટન્સ સ્કીમ (LRS)ની મર્યાદા હેઠળ NSE IFSCના પ્લેટફોર્મ પર ભારતના નાના રોકાણકારો જે-તે કંપનીના શેરો માટે સોદા કરી શકે છે. વર્તમાન સમયમાં LRS નિયમો હેઠળ પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે રોકાણકાર માટે 2.5 લાખ ડોલર સુધીની છૂટ આપવામાં આવે છે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પર ટ્રેડિંગ થશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની પેટાકંપની NSE IFSCની વર્ષ 2016માં સ્થાપના કરવામાં આવી હતી અને ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (GIFT)માં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSC)સ્થાપવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)તરફથી મંજૂરી મળી હતી.