કેન્દ્રની સુપ્રીમ સમક્ષ રજૂઆત:વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી બેન્કોને રૂપિયા 18 હજાર કરોડ પરત મળ્યા

કેન્દ્રની સુપ્રીમ સમક્ષ રજૂઆત:વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી બેન્કોને રૂપિયા 18 હજાર કરોડ પરત મળ્યા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટન સમક્ષ આજે જાણકારી આપી હતી કે વિજય માલ્યા, નિરવ મોદી તથા મેહુલ ચોક્સીને લગતા વિવિધ કેસમાં બેન્કોને રૂપિયા 18,000 કરોડ પરત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માહિતી આપી હતી કે વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીના કેસમાં બેન્કોને રૂપિયા 18,000 કરોડ પરત કરવામાં આવ્યા છે.

ન્યાયમૂર્તિ એએમ ખનવિલકરના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ને લગતા કેસમાં કુલ રૂપિયા 67,000 કરોડ જોડાયેલા છે. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરી અને ન્યાયમૂર્તિ સીટી રવિકુમારનો પણ આ ખંડપીઠમાં સમાવેશ થાય છે.

વર્તમાન સમયમાં ED 4,700 કેસની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ED દ્વારા તપાસના નવા કેસ વર્ષ 2015-16 દરમિયાન 111 કેસથી વર્ષ 2020-21ના 981 કેસ નોંધવામાં આવેલા હતા. સુપ્રીમ કોર્ટ EDના PMLA હેઠળ મળેલી સત્તાને વ્યાપક પ્રમાણમાં પડકારવામાં આવી રહી છે. EDને PMLA હેઠળ તપાસ,જપ્તી, તપાસ તથા સંપત્તિ પર કબ્જો કરવાના અધિકાર છે. મહેતાની ખંડપીઠને જાણકારી આપી કે વર્ષ 2016થી વર્ષ 2021 દરમિયાન EDએ તપાસ માટે PMLAના ફક્ત 2,086 કેસ જ સ્વીકાર્યા હતા જ્યારે આ પ્રકારના 33 લાખ કેસ નોંધાયેલા હતા.

છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, મુકુલ રોહતગી, સિદ્ધાર્થ લુથરા, અમિત દેસાઈ વગેરે વરિષ્ઠ વકીલોએ PMLAમાં સુધારા મારફતે રજૂ કરવામાં આવેલી જોગવાઈના સંભવિત દુરુપયોગના વિવિધ પાસાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.