ક્રિપ્ટો કરન્સી પર થશે કરામત:લોટરીની જેમ ક્રિપ્ટોમાં આવક પર 30% ટેક્સની સરકારની વિચારણા

ક્રિપ્ટો કરન્સી પર થશે કરામત:લોટરીની જેમ ક્રિપ્ટોમાં આવક પર 30% ટેક્સની સરકારની વિચારણા

 
  • બજેટમાં ક્રિપ્ટો ટ્રેડિંગ પર ટીડીએસ/ટીસીએસ લાગુ થવાની શક્યતા
  • આગામી સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર ટીડીએસ (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કે ટીસીએસ (ટેસ્ક કલેક્ટેડ એટ સોર્સ) લાગુ કરવામાં આવે એવી સંભાવના છે. ક્રિપ્ટો ટ્રેડિંગમાં ચોક્કસ મર્યાદા બાદ આ ટીડીએસ કે ટીસીએસ લાગુ થાય એવી શક્યતા છે.

    અગ્રણી ફાઈનાન્સિયલ એડવાઇઝર ફર્મ નાંગીયા એન્ડરસન એલએલપી ટેક્સના અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ક્રિપ્ટો માટે થતા ટ્રાન્ઝેક્શનનું રિપોટિંંગ ઇન્કમટેક્સ વિભાગને પણ કરવામાં આવે એવી શક્યતા છે. સાથે જ સરકાર ક્રિપ્ટોકરન્સીના વેચાણ દ્વારા આવક પર 30 ટકા સુધીનો ઊંચો ટેક્સ વસૂલવામાં આવે સંભાવના છે.

    પત્રકારો સાથે વાત કરતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી 1લી ફેબ્રુઆરીએ વર્ષ 2022-23 માટેનું બજેટ રજુ કરશે. આ બજેટમાં ક્રિપ્ટો મુદ્દે મહત્ત્વની જાહેરાતો થવાની શક્યતા છે. હાલ દુનિયાભરના દેશોમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓમાં ભારતીયો મોખરે છે. ભારતમાં 10.7 કરોડ લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરે છે. અહેવાલો મુજબ 2030 સુધીમાં ક્રિપ્ટોકરન્સીમાં ભારતીયોનું રોકાણ 241 મિલિયન ડૉલર થઈ જશે.

    શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગેનું બિલ રજૂ કરવાની સરકારની યોજના હતી. પણ બાદમાં સરકારે શિયાળુ સત્રમાં બિલ રજૂ મોકૂફ રાખ્યું હતું. હવે આગામી બજેટ સત્રમાં બિલ રજુ કરાય એવી શક્યતા છે. જો સરકાર ક્રિપ્ટોમાં રોકાણ પર પ્રતિબંધ નહીં મુકે તો એવી શક્યતા છે કે ક્રિપ્ટોકરન્સીઝ પર ઊંચો ટેક્સ લાગુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ક્રિપ્ટોકરન્સીના માર્કેટ અને રોકાણના કદ તથા તેમાં સામે જોખમોને ધ્યાનમાં લેતા તેના પર ટીડીએસ અને ટીસીએસ લાગુ થવાની શક્યતા છે.

    હાલ નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ તથા શેર બજાર સાથે સંકળાયેલી સંસ્થાઓને એસએફટીમાં રિપોર્ટીંગ કરવું પડે છે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોટરી, ગેમ શૉઝમાં વિજેતા બનવા બદલ મળતી રકમ પર જે રીતે ટેક્સ વસુલાય છે એ રીતે ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ વસુલવામાં આવે એવી શક્યતા છે.

    ક્રિપ્ટોમાં ખરીદ-વેચાણને એસએફટી હેઠળ આવરી લેવાશે
    ક્રિપ્ટોકરન્સીમાં ખરીદ અને વેચાણની જાણકારી એસએફટી (સ્ટેટમેન્ટ ઑફ ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શન)ને કરવામાં આવશે. હાલ મ્યુચ્યુઅલ ફંડમાં ખરીદ-વેચાણની તમામ જાણકારી એસટીએફ સાથે શૅર કરવામાં આવે છે. આ જોગવાઈની મદદથી કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા મોટાપાયે રોકાણ કરાય તો એ વિશે જાણકારી મેળવવાનો છે.

    ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સંખ્યા જાણી શકાશે
    ​​​​​​​હાલ ક્રિપ્ટોકરન્સીમાં ખરીદ-વેચાણ પર દેશમાં કોઈપણ પ્રકારના નિયંત્રણો નથી. સરકારનું ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ હવે સંસદના બજેટ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. ક્રિપ્ટો દ્વારા થતી આવક પર ટીડીએસ અને ટીસીએસ લાગુ કરવાથી સરકારને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓની સંખ્યા પણ જાણવા મળશે. હાલ આ અંગે સરકાર પાસે કોઈ જ ચોક્કસ જાણકારી નથી.