2027ની પૂર્વ તૈયારી:રાજ્યના ધારાસભ્યો માટે 4 બેડરૂમ સાથે 9 રૂમના ભવ્ય ફ્લેટ બનશે; ફર્નિચર, ફ્રિઝ, ટીવી પણ સરકાર આપશે

2027ની પૂર્વ તૈયારી:રાજ્યના ધારાસભ્યો માટે 4 બેડરૂમ સાથે 9 રૂમના ભવ્ય ફ્લેટ બનશે; ફર્નિચર, ફ્રિઝ, ટીવી પણ સરકાર આપશે

ચાર બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધા સાથે ક્વાટર બનશે

રૂ.140 કરોડના ખર્ચે 9 માળના 12 ટાવર તૈયાર કરાશે

28 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરીયા વધારવાની માંગણીને મંજૂરી

ગાંધીનગરના સેક્ટર 17માં 216 આવાસ બનશે

હાલ 97 ચો.મીટરના ક્વાર્ટર, હવે 210 ચોરસ મીટરના ફ્લેટ મળશે

 

ગાંધીનગર શહેરના સેક્ટર-17 ખાતે તૈયાર થઇ રહેલા અદ્યતન નવા MLA ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ આજે સ્થળ મુલાકાત કરી એક બેઠકનું આયોજન કર્યુ હતું. 28 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરીયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 182 ધારાસભ્યો માટે સંપૂર્ણ સુવિધાવાળા 216 આવાસ બનશે. જે આગામી સમયમાં ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યામાં વધારો થવાના સંકેત આપે છે.

ગુજરાતમાં નવા સીમાંકન બાદ વધશે ધારાસભ્યોની સંખ્યા
ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 બેઠક વધીને 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થવાનો અંદાજ છે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં અને લોકસભા 2029ની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે. આ પહેલાં ગુજરાતમાં છેલ્લે 1975માં 182 સીટ નક્કી કરવામાં આવી હતી, જ્યારે 1980ની લોકસભા ચૂંટણીમાં 24 બેઠક હતી. આમ, 52 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઈ શકે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 44 થઈ જશે. ગુજરાતમાં હાલ 2001ની વસતિના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું છે.

140 કરોડના ખર્ચે MLA ક્વાટર્સ બનશે
અંદાજીત રૂ.140 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા MLA ક્વાટર્સમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ 9 માળના કુલ 12 ટાવર બનશે. 210 ચો.મી બિલ્ટઅપ એરિયા મુજબ 168*10.76 પ્રમાણે 1860 ચો.ફુટની સમિતિની માંગણી મંજૂર કરવામાં આવી છે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત 9 રૂમ બનાવવાનું આયોજન છે. જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે.

દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટ
નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં સુંદર એમિનિટિઝ પણ ઉભી કરવામાં આવશે. જેમા બે લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેટ હશે. આ બેઠકમાં સદસ્ય નિવાસ સમિતિના સભ્યો, ધારાસભ્યો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નિવાસ સંકુલમાં ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ સહિતની સુવિધા
28 હજાર ચોરસમીટર વિસ્તારમાં બનનારા નવા સદસ્ય નિવાસ સંકુલમાં ધારાસભ્યો માટે બે લેન્ડ સ્ક્રેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધા અપાશે. દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટ રખાશે અને એન્ટ્રી એક્ઝીટ માટે ચાર ગેટ રખાશે.

ધારાસભ્યોનો બેઝિક પગાર પણ ડેપ્યુટી સેક્રેટરીને સમકક્ષ, 7000 રૂપિયાનું ટેલિફોન ભથ્થું મળે છે

વિગત હાલનો પગાર જૂનો પગાર
બેઝિક પગાર 78,800 56100
મોંઘવારી ભથ્થું 5,516 4,627
ટેલિફોન ચાર્જ 7,000 4,000
પોસ્ટલ-સ્ટેશનરી ચાર્જ 5,000 3,000
અંગત સહાયક માટે 20,000 3,000
દૈનિક ભથ્થું 1000 પ્રતિ દિવસ 200
કુલ પ્રતિ મહિને 1,16,316 70,727

સાથે ધારાસભ્યોને આ સવલતો પણ ખરી

  • વર્ષમાં ત્રણ વખત પરિવાર સાથે હવાઇ પ્રવાસ
  • પરિવાર સાથે એસ.ટી. બસમાં મફત મુસાફરી
  • ટ્રેન દ્વારા રાજ્યમાં પરિવાર સાથે મફત મુસાફરી
  • ટ્રેન દ્વારા વર્ષમાં એકલા હોય 10 હજાર કિમી પ્રવાસ
  • જ્યારે પરિવાર સાથે હોય તો 20 હજાર કિમી મુસાફરી

રીડિંગ રૂમ સાથે ડ્રાઇવર માટે પણ અલાયદો રૂમ
ધારાસભ્યોને કુલ 1860 ચોરસફૂટના બિલ્ટઅપ એરિયાના ક્વાર્ટર મળશે જેમાં ત્રણ રેગ્યુલર બેડરૂમ, એક ઓફિસ કમ બેડરૂમ, એક રીડિંગરૂમ, હોલ, કિચન, ડાઇનીંગ રૂમ ઉપરાંત ડ્રાઇવર માટે પણ અલાયદો રૂમ મળીને કુલ 9 રૂમનો વિશાળ ફ્લેટ મળશે. જેમાં બેડ, વોર્ડરોબ, સોફા, ડાઇનિંંગ ટેબલ જેવા ફર્નિચર ઉપરાંત ટીવી, ફ્રીજ, એસી સહિતના ઉપકરણો પણ અપાશે.