GSTમાં વધારો : રેડીમેડ કપડાં, જૂતાં મોંઘા થશે, 1લી જાન્યુ.થી GST 5થી વધીને 12 ટકા

GSTમાં વધારો : રેડીમેડ કપડાં, જૂતાં મોંઘા થશે, 1લી જાન્યુ.થી GST 5થી વધીને 12 ટકા

શિયાળા વખતે જ રજાઈ, ટુવાલ પર પણ GSTનો દર વધ્યો

સરકારના નિર્ણયનો કાપડ સંગઠનોએ વિરોધ કર્યો

 

સરકારે રેડિમેડ કપડા તથા પગરખા પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. જેના કારણે આ ચીજવસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે. આગામી 1લી જાન્યુઆરીથી રેડિમેડ વસ્ત્રો અને જૂતા પર જીએસટીનો નવો દર લાગુ થઈ જશે.

સરકાર આ ચીજવસ્તુઓ પર જીએસટી વધારશે એવી શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવતી હતી. સેન્ટ્લ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ 18 નવેમ્બરે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન મુજબ ફેબ્રિક પર જીએસટીનો દર 5 ટકાથી વધીને 12 ટકા થશે. એ જ રીતે તૈયાર કપડા પર પણ 12 ટકા જીએસટી વસુલાશે.

આ પહેલા જે તૈયાર કપડાનો ભાવ 1 હજાર રૂપિયા સુધી હતો તેના પર 5 ટકા જીએસટી લેવામાં આવતો હતો. હવે દરેક પ્રકારના તૈયાર કપડાને 12 ટકા જીએસટી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કાપડ એટલે કે ટેક્સટાઇલનો રેટ પણ 12 ટકા કરવામાં આવ્યો છે. તેમાં સિન્થેટીક યાર્ન, કામળો, ટેબલ ક્લોથ્સ, ટુવાલ, નેપકિન, રૂમાલ, કાર્પેટ, ગાલીચા તથા રજાઈનો સમાવેશ થાય છે.

ક્લોથ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (સીએમએઆઇ)એ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંગઠનનું કહેવું હતું કે મહામારીના કારણે પહેલેથી મુશ્કેલી અનુભવી રહેલા આ સેક્ટર પર જીએસટીનો દર વધતા પડતા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે.