કાલે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત:કિસાન આંદોલન હજુ ચાલુ રહેશે, MSPને કાયદામાં સમાવાની માગ સાથે UPમાં ભાજપને ઘેરશે ખેડૂતો

કાલે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત:કિસાન આંદોલન હજુ ચાલુ રહેશે, MSPને કાયદામાં સમાવાની માગ સાથે UPમાં ભાજપને ઘેરશે ખેડૂતો

યુનિયનોની માગ- MSPને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે અને વીજળી સુધારા કાયદાને રદ્દ કરવામાં આવે

શનિવારે બપોરે પંજાબના તમામ 32 યુનિયનોએ તેમની અલગ-અલગ બેઠક યોજી

 

ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (SKM)એ સ્પષ્ટ કર્યું છે કે કૃષિ કાયદા પરત લેવામાં આવે તેમ છતાં તેમનું આંદોલન ચાલુ રહેશે. એટલું જ નહીં સંયુક્ત કિસાન મોરચાએ 22 નવેમ્બરના UPના લખનઉમાં મહાપંચાયત પણ બોલાવી છે. તેમા તમામ ખેડૂત નેતાઓ પહોંચશે. શનિવારે સિંધુ બોર્ડર પર બેઠક કરનારા પંજાબના 32 કિસાન યુનિયને સંયુક્ત કિસાન મોરચાના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

સંયુક્ત કિસાન મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ પ્રમાણે 29 નવેમ્બરથી 500-500 ખેડૂતોના જથ્થામાં ટ્રેક્ટરો સાથે સંસદ તરફ કૂચ કરવામાં આવશે. SKM નેતા જગજીત સિંહ રાયે કહ્યું કે ખેડૂત નેતાઓની તૈયારી ચાલી રહી છે અને મોરચાના તમામ અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ યથાવત રહેશે. રાયે કહ્યું કે જો કેન્દ્ર સરકાર ખેડૂતોની અન્ય માગો પૂરી નહીં કરે તો UPમાં ભાજપની ઘેરાબંધી કરવામાં આવશે.

શનિવારે બપોરે સિંધુ બોર્ડર પર પંબાજના 32 ખેડૂત સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તમામ ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાની સાથે છે. લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP)સહિત અન્ય માગો પૂરી કરવા માટે આંદોલનને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની સંપૂર્ણ રણનીતિ રવિવારે યોજાનારી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં ઘડવામાં આવશે અને તેમા પંજાબના 32 કિસાન યુનિયનોના નેતા સામેલ થશે.

પંજાબના 32 યુનિયને ઘડી રણનીતિ
આ અગાઉ શનિવારે બપોરે પંજાબના તમામ 32 યુનિયનોએ તેમની અલગ-અલગ બેઠક યોજી. તેમા MSPની માગને અગ્રિમતા સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે MSPને વિધેયક તરીકે રજૂ કરવા તથા વીજળી સુધારા બિલને સમાપ્ત કરવાની માગ માટે આગામી સમયમાં આંદોલન કેવી રીતે ચલાવવું તે અંગે પણ ખેડૂત નેતાઓ વિચારણા કરી રહ્યા છે.

સંઘર્ષ યથાવત રાખવાની જાહેરાત કરી ચુક્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પણ ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ સાથે તેમની બે માગ અન્ય છે. MSPને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે અને વીજળી સુધારા કાયદાને રદ્દ કરવામા આવે. જ્યા સુધી આ બન્ને માગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી પોતાનો સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતાઓએ એમ પણ જણાવ્યું છે કે તેમને વડાપ્રધાન પર વિશ્વાસ નથી. માટે જ્યા સુધી સંસદમાં આ વિધેયક રદ્દ કરવામાં ન આવે ત્યા સુધી દિલ્હી બોર્ડર પરથી હટશે નહીં.