નોનવેજની લારીઓ હટાવવા આદેશ:હવે અમદાવાદમાં મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો વગેરે જગ્યાએથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવાશે, CMએ કહ્યું-જેને જે ખાવું હોય તે ખાય શકે

નોનવેજની લારીઓ હટાવવા આદેશ:હવે અમદાવાદમાં મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો વગેરે જગ્યાએથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવાશે, CMએ કહ્યું-જેને જે ખાવું હોય તે ખાય શકે

આવતીકાલથી ડ્રાઇવ શરૂ કરવામાં આવશે, ફરીથી ઉભી રહેશે તો પણ સામાન જપ્ત કરી લેવામાં આવશે

 

રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેને લઈ અમદાવાદ શહેરમાં આવતીકાલ મંગળવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામા આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી, જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવા જોઈએ. ટ્રાફિકને અડચણરૂપ હોય તે લારી મનપા ખસેડી શકે છે. ​​​​​​​લારીઓમાં વેજ કે નોનવેજનો કોઈ પ્રશ્ન નથી.

ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર જે નોનવેજ અને ઇંડાની લારીઓ ઉભી રહે છે તેને દૂર કરવાના આદેશ આપી દેવાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં અને સાતેય ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરમાં લાયસન્સ વગર નોનવેજ વેચી ન શકાય
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવે છે
અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે. સાંજે મોટાભાગના વિસ્તારોમાં ઇંડાની લારીઓની લાઈનો લાગે છે. જેમાં લારીમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માસ અને મચ્છી તળેલી મુકવામાં આવે છે. સાંજે રોડ પરથી પસાર થતા ઘણા લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવતી હોય છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરતા નથી. જેથી હવે એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાશે.

એસ.પી.રિંગ રોડ પર અનેક ઈંડા અને નોનવેજના સ્ટોલ
શહેરના ચાંદખેડા વાળીનાથ ચોકમાં જાહેરમાં 5થી7 લારીઓ, પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર ઓઢવ-નિકોલથી નરોડા તરફ જતા રોડ પર અનેક ઈંડા અને નોનવેજના ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટ ઉભી થઇ ગઇ છે. બાપુનગર, ગોમતીપુર, જમાલપુર, નરોડા, મેઘાણીનગર, ગોતા, થલતેજ, વસ્ત્રાપુર તળાવ વગેરે જગ્યાએ ઈંડા અને નોનવેજની જાહેરમાં લારીઓ ઉભી રહે છે.

રેવન્યૂ કમિટિના ચેરમેને મ્યુનિ.કમિ.ને પત્ર લખ્યો હતો
અમદાવાદ શહેરમાં જાહેરમાં લાયસન્સ વગર ચાલતી લારીઓને બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને બે દિવસ પહેલા પણ પત્ર લખી જાણ કરી હતી કે, ગુજરાતની અસ્મિતા અને કર્ણાવતી મહાનગરની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખી શહેરના જાહેર માર્ગો,ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અન્ય જગ્યાએ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણ તાત્કાલિક દૂર કરાવવા જરૂરી છે.

હાલમાં જાહેમાં માંસ, મટન, મચ્છી વેચાતા હોવાથી શહેરીજનોને માર્ગ પરથી નીકળી શકાતું નથી. આ ઉપરાંત શહેરીજનોની ધાર્મિક લાગણી પણ દુભાય છે. સ્વચ્છતા,જીવદયા અને સંસ્કૃતિનું પાલન કરવા પણ આ પગલું જરૂરી બન્યું છે. આ ઉપરાંત પશુઓ,મરઘી, મચ્છી વગેરેનું ગેરકાયદેસર રીતે કતલ કરી વેચાણ કરતાં હોવાનું જાણવા મળેલ છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન 2011 મુજબ રસોઈના સાધનો, ઓપરેશન, નિભાવ, સેનિટેશન, હાઈજીન, રેકડીની જાળવણી વગેરે જોગવાઈઓનું પણ પાલન થતું નથી.