એર ઈન્ડિયાનું ટેક ઓફ:રતન ટાટાએ કહ્યું- વેલકમ બેક એર ઈન્ડિયા, ટાટા ગ્રુપની પાસે 68 વર્ષ પછી ફરી પરત ફરી કંપની; 18,000 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ ડીલ

એર ઈન્ડિયાનું ટેક ઓફ:રતન ટાટાએ કહ્યું- વેલકમ બેક એર ઈન્ડિયા, ટાટા ગ્રુપની પાસે 68 વર્ષ પછી ફરી પરત ફરી કંપની; 18,000 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ ડીલ

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. તેની જાહેરાત ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે કરી છે. ટાટાના હાથમાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની કમાન આવશે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટેના સેક્રેટરી તુહીન કાંત પાંડે કહ્યું કે જ્યારે એર ઈન્ડિયા વિનિંગ બિડરના હાથમાં જતી રહેશે ત્યારે તેની બેલેન્સશીટ પરનું હાલનું 46,262 કરોડ રૂપિયાનું ઋણ સરકારી કંપની AIAHLની પાસે જશે. તેમણે કહ્યું કે સરકારને આ ડીલમાં 2,700 કરોડ રૂપિયાની કેશ મળશે.

 

નવેસરથી ઉભી કરવામાં મહેનત લાગશે
ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ પોતાના ટ્વિટમાં એર ઈન્ડિયાની બીડમાં ટાટા ગ્રુપને વિનર થવાને મોટા સમાચાર ગણાવ્યા. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાને નવેસરથી ઉભી કરવામાં ખૂબ જ મહેનત લાગશે. જોકે તેનાથી એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ટાટા ગ્રુપને મોટા કારોબારી થવાની તક મળશે. રતન ટાટાએ કેટલાક ઉદ્યોગોને પ્રાઈવેટ સેકટર માટે ખોલવાની નીતિ માટે સરકારની પ્રશંસા કરી. એર ઈન્ડિયા માટે જે કમિટી બની છે એમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને એવિએશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે.

સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે અભિનંદન આપ્યા
એર ઈન્ડિયા માટે બીજી સૌથી ઉંચી બોલી લગાવનાર કન્સોર્ટિયમના લીડર અને સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે ડીલ માટે ટાટા ગ્રુપ અને સરકાર બંનેને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાનું બિડિંગ માટે શોર્ટલિસ્ટ થવું તે ગૌરવની વાત હતી. તેમણે જણાવ્યું કે ટાટા ગ્રુપ કંપનીનું માન-સન્માન પરત લાવવામાં સફળ રહેશે અને ભારતને ગૌરવ અપાવશે.

કોઈ પણ નોન એસેટને વેચવામાં આવશે નહિ
ડીલમાં એર ઈન્ડિયાની જમીન અને ઈમારતો સહિત કોઈ પણ નોન એસટને વેચવામાં આવશે નહિ. કુલ 14718 કરોડ રૂપિયાની કિંમતની આ એસેટ સરકારી કંપની AIAHLને હવાલે કરવામાં આવશે. કાર્ગો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSનો અડધો હિસ્સો પણ મળશે. સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહના કન્સોર્ટિયમે 15,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધી ડીલ ક્લોઝ કરી લેવામાં આવશે. એટલે કે લેવડ-દેલડ પુરી થઈ જશે.

કર્મચારીઓને એક વર્ષ સુધી રાખવા પડશે
એર ઈન્ડિયા માટે પાંચ બિડર્સના ટેન્ડરને ફગાવી નાંખવામાં આવ્યા હતા. તે સરકારી તમામ શરતો પર ખરા ઉતરી શક્યા નહોતા. ડીલ અંતર્ગત નવા બિડરને એક વર્ષ માટે એર ઈન્ડિયાના કર્મચારીઓને પણ રાખવા પડશે. તે પછી બિડર ઈચ્છે તો બીજા વર્ષથી તેમને વીઆરએસ આપી શકે છે. સરકાર નવા બિડર એટલે કે ટાટાને સંપૂર્ણ એરલાઈન્સની જવાબદારી 4 મહિનામાં આપશે. આજથી 15 દિવસ પછી તેની ટ્રાન્સફરની પ્રોસેસ શરૂ થશે.

12906 કરોડ રૂપિયા હતી રિઝર્વ પ્રાઈસ
એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઈસ 12906 કરોડ રૂપિયા હતી. એર ઈન્ડિયાની કિંમત તેની એન્ટરપ્રાઈઝની વેલ્યુ પર નક્કી કરવામાં આવી હતી. એન્ટરપ્રાઈઝ વેલ્યનો અર્થ કંપનીની વેલ્યુએશન. એર ઈન્ડિયા શેરબજારમાં લિસ્ટ નથી. આ કારણે તેની એક્ટિવિટીની કોઈ વેલ્યુએશન કરવામાં આવી નથી. બની શકે છે કે ટાટા આગળ જતા તેને શેરબજારમાં લિસ્ટ કરાવી દે. ટાટા ગ્રુપની 28 કંપનીઓ લિસ્ટેડ છે.

1932માં ટાટાએ શરૂ કરી હતી એર ઈન્ડિયા
ટાટા ગ્રુપે 1932માં એર ઈન્ડિયાને શરૂ કરી હતી. ટાટા ગ્રુપના જે.આર.ડી.ટાટા તેના ફાઉન્ડર હતા. તેઓ પોતે પાયલોટ હતા. ત્યારે એનું નામ ટાટા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું. 1938 સુધીમાં કંપનીએ એની ઘરેલુ ઉડાનો શરૂ કરી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી એને સરકારી કંપની બનાવવામાં આવી. આઝાદી પછી સરકારે એમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

મુંબઈની ઓફિસ પણ ડીલમાં સામેલ
આ ડીલ અંતર્ગત એર ઈન્ડિયાની મુંબઈ સ્થિત હેડ ઓફિસ અને દિલ્હીનું એરલાઈન્સ હાઉસ પણ સામેલ છે. મુંબઈની ઓફિસની માર્કેટ વેલ્યુ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ એર ઈન્ડિયા દેશમાં 4400 અને વિદેશોમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને કન્ટ્રોલ કરે છે.

ભારેખમ ઋણ હેઠળ દબાયેલી છે કંપની
ભારે ઋણ હેઠળ દબાયેલી એર ઈન્ડિયાને ઘણાં વર્ષોથી વેચવાની યોજનામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારે 2018માં 76 ટકા હિસ્સો વેચવા માટે બોલી મગાવી હતી. જોકે એ સમયે સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલ પોતાની પાસે રાખવાની વાત કહી હતી. જોકે એ સમયે કોઈએ રસ ન દાખવતાં સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલની સાથે એને 100 ટકા વેચવાનો નિર્ણય કર્યો. જોકે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર પછી બોલી લગાવવાની તારીખને વધારવામાં આવશે નહિ.

વર્ષ 2000થી વેચવાની થઈ રહી છે કોશિશ
એર ઈન્ડિયાને સૌથી પહેલા વેચવાનો નિર્ણય 2000માં કરવામાં આવ્યો હતો. આ એ વર્ષ હતું, જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(રાજગ) સરકારે મુંબઈની સેન્ટોર હોટલ સહિતની ઘણી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એ સમયે અરુણ શૌરી ડિસઇન્વેસ્ટમેન્ટમંત્રી હતા. 27 મે 2000ના રોજ સરકારે એર ઈન્ડિયામાં 40 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો.

આ સિવાય સરકારે 10 ટકા હિસ્સો કર્મચારીઓને શેર તરીકે આપવા અને 10 ટકા ઘરેલુ નાણાકીય સંસ્થાઓને આપવાનો નિર્ણય કર્યો હતો. એ પછી સરકારનો હિસ્સો એર ઈન્ડિયામાં ઘટીને 40 ટકા રહ્યો. જોકે ત્યારથી લઈને છેલ્લાં 21 વર્ષથી એર ઈન્ડિયાને વેચવાની ઘણી વખત કોશિશ થઈ. જોકે કોઈ ને કોઈ કારણે આ વાત અટકી જતી હતી.

1953માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો
1953માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો અને ટાટા સન્સ પાસેથી કેરિયરમાં બહુમતી હિસ્સો ખરીદ્યો જોકે તેના સ્થાપક જેઆરડી ટાટા 1977 સુધી ચેરમેન તરીકે ચાલુ રહ્યા. કંપનીનું નામ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ રાખવામાં આવ્યું. અને પુનર્ગઠનના ભાગરૂપે સ્થાનિક સેવાઓને ભારતીય એરલાઇન્સમાં તબદિલ કરવામાં આવી હતી. 1948થી 1950 સુધી, એરલાઇને કેન્યામાં નૈરોબી અને યુરોપનાં મુખ્ય સ્થળો રોમ, પેરિસ અને ડસેલ્ડોર્ફ માટે સેવાઓ શરૂ કરી.