CM ભૂપેન્દ્ર પટેલે હળવી ટકોર કરી કહ્યું -  'સાલડી ગામ મારી સાસરી છે, વિકાસ બરોબર કરજો'

CM ભૂપેન્દ્ર પટેલે હળવી ટકોર કરી કહ્યું - 'સાલડી ગામ મારી સાસરી છે, વિકાસ બરોબર કરજો'

સાલડી ગામમાં સન્માન સમારોહમાં આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી

ગઇકાલે ભરૂચથી કહ્યું હતું કે 'ભૂલ થાય તો અમને લાફો ન મારતા'

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે તેમનો રમૂજી સ્વભાવ પણ સામે આવી રહ્યો છે. ગઇકાલે ભરુચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને શીખવજો. જ્યારે આજે મહેસાણાના સાલડી ગામમાં સન્માન સમારોહમાં આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી કે 'અહીં વિકાસ સારો કરજો, આ ગામ મારું સાસરું છે.'

આપણી ભાષા તો પટેલની -ભૂપેન્દ્ર પટેલ
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાલડી ગામની મુલાકાત કરી હતી. સન્માન સમારોહ બાદ તેમણે મહેસાણા જિલ્લાના અધિકારીઓને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે અહીં વિકાસ બરાબર કરજો. આ ગામ મારું સાસરું છે. ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે તે ખૂબ આગળ જાય છે. આપણી ભાષા તો પટેલની. ઘણીવાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને, કરોડપતિ છે, પણ છૂટતું નથી. પાચિયું પણ છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને શું કરશે?

ભૂલ થાય તો અમને લાફો ન મારતા- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે ભરુચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે. અમારી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતા, પણ શીખવજો, અમે શીખીશું. અમારું મંત્રીમંડળ નવું છે, એટલે થોડો ઉત્સાહ પણ હોય. અમારી શરૂઆત છે. અમારા પહેલાંના મિત્રોએ એક લેવલ સુધી ગુજરાતને પહોંચાડ્યું એની વાહાવાહી છે.