ગાડીઓના હોર્ન પેટર્ન બદલવાની તૈયારી:ગડકરીએ કહ્યું- એમ્બ્યુલન્સ અને ગાડીઓમાં તબલા, શંખ, હારમોનિયમ વાળા હોર્ન હશે, 2 વર્ષમાં GPS સાથે કનેક્ટ થશે ટોલનાકા

ગાડીઓના હોર્ન પેટર્ન બદલવાની તૈયારી:ગડકરીએ કહ્યું- એમ્બ્યુલન્સ અને ગાડીઓમાં તબલા, શંખ, હારમોનિયમ વાળા હોર્ન હશે, 2 વર્ષમાં GPS સાથે કનેક્ટ થશે ટોલનાકા

હવે તમને રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સમાં તબલા, હારમોનિયમ અને શંખના અવાજ વાળા હોર્ન સંભળાશે. કેન્દ્રીય રોડ-રસ્તા પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે આ વિશે માહિતી આપી છે. તેઓ 90 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિરિક્ષણ કરવા દૌસાના ધનાવડ ગામ આવ્યા હતા. તેમણે કહ્યું કે, નવી હોર્ન પેટર્ન પર કામ શરૂ થઈ ગયું છે.

ગડકરીએ આગળ કહ્યું કે, રણથંભૌર અને મુકુંદરા હિલ્સ ટાઈગર રિઝર્વથી નીકળનાર એક્સપ્રેસ-વેના હિસ્સાને એક એલિવેટેડ કોરિડોરની જેમ બનાવવામાં આવશે. જેથી સેન્ચ્યુરીમાં રહેતા જીવ-જંતુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય.

GPS સિસ્ટમથી થશે ટોલનાકા પર ચૂકવણી
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ડોલ નીતિમાં પરિવર્તનની વાત કરતાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આગામી 2 વર્ષમાં GPS સિસ્ટમથી ટોલ ટેક્સની ચૂકવણીની વ્યવસ્થા શરૂ થઈ જશે. તેમાં એક સોફ્ટવેર તૈયાર કરી સેટેલાઈટ અને GPS સાથે કનેક્ટ કરી શકાશે. ત્યારપછી જે પણ વાહન હાઈવે પર જેટલા કિલોમીટર ચાલશે તેને તેટલો ટોલ ટેક્સ આપવો પડશે. આ કાર્યક્રમમાં ગડકરી સાથે સાંસદ જસકૌર મીણા, રાજ્યસભા સાંસદ ડૉ. કિરોડીલાલ મીણા, ઉર્જામંત્રી બીડી કલ્લા, બાંદીકુઈ ધારાસભ્ય જીઆર ખટાના સહિત NHAIના અધિકારીઓ હાજર હતા.

ખેડૂતો જમીન ના વેચે, પોતાનો બિઝનેસ શરૂ કરે
નેતાઓ પર પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક્સપ્રેસ-વે બનવાની જાણ થતાં જ નેતાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા આસપાસની જમીન કોડીની કિંમતમાં ખરીદવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ સંજોગોમાં ખેડૂત ભાઈઓને અપીલ કરુ છું તેઓ તેમની જમીન કોઈ બિલ્ડર અથવા અન્ય વ્યક્તિને ના વેચે અને કોઈ ડેવલપર સાથે મળીને પોતાનો બિઝનેસ શરૂ કરે. જેથી યુવકોને રોજગારી મળી શકે.

1350 કિમી છે હાઈવેની લંબાઈ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ભારત માલા પરિયોજના અંતર્ગત બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા આ મોટા બે શહેરોને જોડવામાં આવશે. આ હાઈવે 1350 કિમી લાંબો બનાવવામાં આવશે. તેને બનાવવામાં 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટને જાન્યુઆરી 2023માં પૂરો કરાવાનો લક્ષ્યાંક છે. આ હાઈવે દેશના 5 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.