તિરુપતિ બાલાજી મંદિરની રોકડ 12 હજાર કરોડથી વધુ અને સુવર્ણ ભંડાર પણ 9000 કિલોની ઉપર

તિરુપતિ બાલાજી મંદિરની રોકડ 12 હજાર કરોડથી વધુ અને સુવર્ણ ભંડાર પણ 9000 કિલોની ઉપર

  • તિરુપતિમાં 1400 વર્ષથી સાેનું ચઢાવવાની પરંપરા, આભૂષણ જ 550 કિલોનાં છે
  • મંદિર અગમ શાસ્ત્રથી ચાલે છે, તે મુજબ ગર્ભગૃહની પાસે ચઢાવાની મૂળ હૂંડી લક્ષ્મીનું સ્થાન છે, તેથી તેનું સ્થાન ક્યારેય બદલાયું નહીં
  • સોનું અને રોકડ બેન્કોમાં જમા, તેના વ્યાજથી જ દર વર્ષે આશરે 850 કરોડ રૂપિયા આવે છે
  • બાલાજીની આંખોમાં એવું તેજ કે બધા જોઇ શકતા નથી, ઢંકાયેલાં રહે છે, હૃદયમાં લક્ષ્મી દેખાય છે

અનિરુદ્દ શર્મા, તિરુપતિથીઃ આંધ્રપ્રદેશના તિરુપતિ તાલુકાથી 9 કિલોમીટરે તિરુમલા પર્વત પર તિરુપતિ વેંકટેશ્વર મંદિર આવેલું છે. શ્રદ્ધાળુ અહીં પહોંચવા માટે પગપાળા જવાનું વધુ પસંદ કરે છે. તેના બે સોપાનમાર્ગ (પગથિયાનો માર્ગ), જે 6થી 11 કિમી લાંબા છે. તિરુમલા પહોંચી બધા 50 ફૂટ ઊંચા શ્રીવેંકટેશ્વર સ્વામી મહાદ્વ્રાર પર પહોંચે છે. જ્યાંથી આગળના મુખ્ય મંદિરના ઓપન આંગણામાં પ્રવેશ કરે છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 8 દ્વાર થઈ પસાર થવું પડે છે. પહેલાં દ્વ્રારથી જેમ જેમ તમે આગળ વધો છો, પછીના દ્વાર નાના અને સાંકડા થતા જાય છે. આ આત્માથી પરમાત્માને મળવાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓના લાઇનમાં રહેવા માટે વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્ષ છે, જેમાં કુલ 56 હોલ છે.

6 કલાકે બાલાજીના દર્શન થાય છે
દર્શન માટે દરેક ભક્તે આ તમામ હોલમાંથી પસાર થવું પડે છે. એક હોલમાં આશરે 450 વ્યક્તિને લાઇનમાં રાખવાની ક્ષમતા છે. આવી જ રીતે આશરે 25 હજાર લોકોને લાઇનમાં રખાય છે. દર્શન સવારે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 21 કલાક ખુલ્લુ હોય છે. ઓછામાં ઓછા 6 કલાક લાઇનમાં રહ્યા પછી દર્શન થઇ શકે છે. દર કલાકે આશરે 4000 દર્શનાર્થી દેવ પ્રતિમાની સામેથી પસાર થાય છે અને તેમને બહુ મુશ્કેલીથી પ્રતિમાની એક ઝલક જોવા મળે છે. આ વખતે મંદિરની મુખ્ય પુજારી આચાર્ય શેષાદ્રિ કહે છે કે અમે મંદિરના વાસ્તુમાં ફેરફાર કરી શકતા નથી. પ્રાચીન ધર્મગ્રંથ અગમ શાસ્ત્ર મંદિરના મુખ્ય ભાગ અને ગર્ભગૃહની સામેના દ્વ્રારને મોટું કરવાની પરવાનગી આપતું નથી. ગર્ભગૃહમાં મુખ્ય પુજારી જ પ્રવેશ કરી શકે છે.

47 હજાર લોકોના રોકાણની વ્યવસ્થા
આ પુજારી સંત રામાનુજાચાર્યના વંશજ છે, જેઓ 11મી સદીથી પૂજા કરી રહ્યા છે. રામાનુજાચાર્યે જ બાલાજીના માથા પર નીચેથી ઉપર સીધું તિલક લગાવવાનું નિયમ બનાવ્યું હતું. મંદિરમાં સોનું ચઢાવવાની પરંપરા 7મી સદીમાં પલ્લવ વંશની રાની સમાવઇએ શરૂ કરી હતી. હાલના સમયમાં બેન્કોમાં જમા મંદિરની રોકડ રિઝર્વ પહેલી વખત આ વર્ષે 12 હજાર કરોડથી વધુ થઇ ગઇ છે. સોનાનું રિઝર્વ પણ 9000 કિલોથી ઉપર થઇ ગયું છે. તેમાં 550 કિલોના અભૂષણો છે. મંદિરની ધર્મશાળાઓમાં 47 હજાર લોકોના રોકાણની વ્યવસ્થા છે. રૂમમાં રહેવાનું એક દિવસનું ભાડું 50 રૂપિયા છે.

પંચ-કપૂરથી નેત્ર ઢંકાયેલાં રહે છે
અગમ શાસ્ત્ર મુજબ તિરુપતિ બાલાજીના નેત્ર હંમેશા ખુલ્લા રહ્યા છે. તેમાં બહુ તેજ છે, તેથી પંચ-કપૂરથી આંખોને કાયમ ઢાંકીને રાખવામાં આવે છે. માત્ર દર ગરુવારે નેત્રના દર્શન કરાવવામાં આવે છે.

દર ગુરુવારે ચંદનથી સ્નાન
પુજારીઓનો દાવો છે કે પ્રતિમાના હૃદય પર સાક્ષાત મા લક્ષ્મી વિરાજ્યાં છે. દર ગુરુવારે પ્રભુનો શ્રૃંગાર ઉતારી ચંદનના લેપથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારે હૃદય પર લાગેલા ચંદનમાં મા લક્ષ્મીની છબી ઉપસી આવે છે.

હડપચી પર ઇજા, કપૂરનો લેપ લગાવાય છે
મંદિરના મહાદ્વ્રાર પર જમણી બાજુ એક છડી છે. કહેવાય છે કે આ છડીથી જ બાળપણમાં ભગવાનની પિટાઇ થઇ હતી. તેથી પ્રતિમામાં હડપચી પર કપૂરનો લેપ લગાવવામાં આવે છે. જેથી ભગવાનનો ઘા રુઝાઇ જાય.

વિષ્ણુના શૃંગારમાં લક્ષ્મીનું રૂપ
આ એકમાત્ર પ્રતિમા છે, જેમાં વિશેષ હસ્તમુદ્રામાં લક્ષ્મીની જેમ સમૃદ્ધિનો વર આપી રહ્યા છે. તેમાં લક્ષ્મી સમાહિત છે. તેથી દરરોજના શ્રૃંગારમાં પ્રતિમાની ઉપરના ભાગમાં સાડી અને નીચેના ભાગમાં ધોતી પહેરાવવામાં આવે છે.

ચાર ખાસ વાતો: વર્ષમાં 10 કરોડ લાડુ વેચાય છે, રોજ તેમનો લેબ ટેસ્ટ થાય છે
1.300 વર્ષથી લાડુ બને છે, તેનાથી વર્ષે 175 કરોડ રૂપિયાની કમાણી

અહીં ભગવાનને ધરાવાતા ખાસ લાડુને જીઆઇ ટેગ મળેલું છે. 300 વર્ષથી વિશેષ કુળના પૂજારી જ આ લાડુ બનાવે છે. લાડુ માટે 60 કાઉન્ટર છે અને રોજ સરેરાશ 3 લાખ લાડુ વેચાય છે. 2018-19માં 10 કરોડ લાડુના વેચાણથી 175 કરોડની આવક થઇ. બેસન, ઘી, કાજુ-કિશમિશથી બનતા આ લાડુનો રોજ લેબ ટેસ્ટ પણ થાય છે.

2. રોજ આવતા તમામ ભક્તો માટે અહીં ભંડારો યોજાય છે
ટીટીડીનું પોતાનું રસોડું છે. ત્યાં બનતા ભોજનથી જ ભોગ ધરાવાય છે. પછી 65 હજાર શ્રદ્ધાળુઓને ભોજન પીરસાય છે. ભોગ દક્ષિણ ભારતીય હોય છે. રોજ શ્રદ્ધાળુઓ 60 હજારથી 1 લાખ નાળીયેર હુંડીમાં ચઢાવે છે. તે નાળીયેર રસોડા સુધી પહોંચે છે. ભોગ અને ભંડારા માટે ચટણી તેમાંથી જ બને છે. 1-1 હજાર લોકોની ક્ષમતાવાળા 4 હૉલ છે, જ્યાં આખો દિવસ ભંડારો ચાલે છે.

3. માળામાં 27 જાતના ફૂલ, 6 પ્રકારના સુગંધિત પાન ઉપયોગમાં લેવાય છે
ભગવાનના ગળામાં જે 100 ફૂટ લાંબી માળા હોય છે તે 27 જાતના ફૂલ અને 6 પ્રકારના સુગંધિત પાનથી બનાવાય છે. આ ફૂલો માટે વિશેષ વાટિકાઓ છે. રોજ 200 મહિલા ભગવાન બાલાજી, તેમના મંદિર, પરિસર, ગેસ્ટ હાઉસ માટે 2 હજાર માળા બનાવે છે. બ્રહ્મોત્સવ અને વૈકુંઠોત્સવ જેવા પર્વ પ્રસંગે વિદેશોમાંથી પણ ફૂલો મંગાવાય છે.

4. 137 વર્ષ પ્રાચીન વેદ પીઠમાં તૈયાર થાય છે અહીંના વિશેષ પૂજારી
અહીં ધર્માગીરીમાં વેદ વિજ્ઞાન પીઠ છે, જ્યાંનો માહોલ વૈદિક કાળની યાદ અપાવે છે. તે 137 વર્ષ પૂર્વે સ્થાપિત થઇ હતી. અહીં મંદિર માટે પૂજારી તૈયાર કરાય છે. 10 વર્ષથી ઓછી વયના બાળકો અહીં પીઠમાં રહીને ભણવા આવે છે. વેદ-પુરાણોનો અભ્યાસ કરે છે. સ્નાતક થયા બાત તેઓ અહીંના 200 ખાસ પૂજારીઓમાં સ્થાન મેળવી શકે છે.