ગુજરાતમાં 75 ટકા ગુનેગારો શિક્ષિત, NCRBનાં લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારુ તારણ

ગુજરાતમાં 75 ટકા ગુનેગારો શિક્ષિત, NCRBનાં લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારુ તારણ

ગુનાખોરી કહો કે અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને તેમના સામાજિક બેકગ્રાઉન્ડ અને શિક્ષણ સાથે સીધી રીતે જોડીને જોવામાં આવે છે. અભણ માણસ ગુનાખોરીમાં વધુ પ્રવૃત્ત હોય એવી સામાન્ય સમજણને ધક્કો પહોંચાડતાં આંકડાઓ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન જેલોની સ્થિતિ અંગે કરાયેલા સરવે અંગેનો રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે, જેના આંકડાઓ સુજ્ઞ અને સુશિક્ષિત સમાજને ચોંકાવી દે એવા છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં અંગૂઠા છાપ કહો કે અભણ કરતાં શિક્ષિત-ભણેલા વ્યક્તિઓ ગુનાખોરીમાં સંડોવાયા, સપડાયા હોય એવા કિસ્સા વધુ છે. ૩૧મી ડિસેમ્બર સુધીના વર્ષ ૨૦૧૭ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૧૦૮૨ વ્યક્તિને કોઈને કોઈ ગુનામાં સજા થઈ છે, જેની સામે શિક્ષિત હોય તેવા ૩,૨૧૭ વ્યક્તિને સજા થઈ છે.

આ આંકડાઓનું તારણ જણાવે છે કે, ગુજરાતમાં જુદાજુદા ગુનાઓના આરોપ કોર્ટમાં સાબિત થયા હોય અને આરોપીઓને સજા ફટકારાઇ હોય એવા ૨૫ ટકા કિસ્સામાં ગુનેગાર અભણ અને ૭૫ ટકા શિક્ષિત ગુનેગાર શિક્ષિત હોવાનું જણાય છે. જ્યારે દેશમાં ૨૮ ટકા અભણ સામે ૭૨ ટકા શિક્ષિત આરોપીને એક યા બીજા ગુનમાં સજા થઈ છે. એનસીઆરબીના આ રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ૪,૨૯૯ વ્યક્તિને સજા થઈ છે, જેમાંથી ૧૦૮૨ અશિક્ષિત છે. શિક્ષિત આરોપીઓની વાત કરીએ તો સૌથી વધુ ધોરણ ૧૦થી નીચે ભણેલા ૨,૧૫૯ આરોપીઓને સજા થઈ છે તો ધોરણ ૧૦થી ગ્રેજ્યુએટની અંદરના ૬૮૫, ગ્રેજ્યુએટ ૨૫૪ તો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ૯૯ આરોપીઓને સજા થઈ છે. ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા ધરાવતાં ૨૦ને સજા થઈ છે.

એનસીબીઆરના આ આંકડાઓ સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદોને વિચારતાં કરી મૂકે એવા છે. શિક્ષિત યુવકો કેવી રીતે અને કયા સંજોગોમાં ગુનાખોરીના રવાડે ચઢે છે, એ મુદ્દો તપાસનો વિષય જરૂર બની રહ્યો છે.

૩૦ મહિલા કેદી ૩૨ બાળકો સાથે જેલમાં

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટમાં કહેવાયું છે કે, છ મહિલા કેદીને સજા થઈ હતી, જેઓ છ બાળકો સાથે જેલમાં છે, જ્યારે અન્ડર ટ્રાયલ ૨૪ મહિલા સાથે ૨૬ બાળકો જેલમાં છે. આમ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં કુલ ૩૦ મહિલા કેદી સાથે ૩૨ બાળકો સામેલ છે. ગુનાઓમાં મહિલાઓની સંડોવણીની સરખમાણીમાં સજાનું પ્રમાણ પુરુષો કરતાં ઓછુ જોવા મળે છે. સ્ત્રી હોવા સાથે બાળકોના ભવિષ્ય વિગેરે બાબતોને માનવીય રીતે મૂલવી સામોપક્ષ અને કાનૂન વિદો મહિલાઓ પ્રત્યે કુણુ વલણ દાખવતાં જોવા મળે છે.