ટ્રમ્પે વડા પ્રધાન મોદીનાં નિમંત્રણને પગલે ભારત મુલાકાતના સંકેત આપ્યા

ટ્રમ્પે વડા પ્રધાન મોદીનાં નિમંત્રણને પગલે ભારત મુલાકાતના સંકેત આપ્યા

। વોશિંગ્ટન ।

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિમંત્રણને પગલે એક સમયે ભારતની મુલાકાત લેશે. પત્રકારોએ વડા પ્રધાન મોદીએ ભારત આવવા આપેલા નિમંત્રણ વિષે પૂછતાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદી ઇચ્છે છે કે હું ભારત પહોંચું. મોદી મારા ખૂબ સારા મિત્ર છે. કોઇ એક તબક્કે હું ભારતની મુલાકાત લઈશ.’

ટ્રમ્પની ભારત મુલાકાતની કોઈ તારીખ નક્કી નથી થઈ અને તે દિશામાં કોઈ આયોજન પણ નથી. પરંતુ એવી ધારણા થઈ રહી છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો મતભેદો નિવારીને કોઈ મુકામ સુધી પહોંચે તો ટ્રમ્પ સધાનારી સમજૂતી પર હસ્તાક્ષર કરવા ભારત આવી શકે છે.

સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની બેઠક વખતે ટ્રમ્પ અને મોદી એમ બંનેએ કહ્યું હતું કે બંને પક્ષો વેપાર સમજૂતી માટે આશાવાન છે, અને વાટાઘાટો ચાલી રહી છે. ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વિષે પુછાતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘અમેરિકા ભારત સાથે ખૂબ સારા સંબંધ ધરાવે છે અને બંને વચ્ચે ઘણાબધા કામ થઈ રહ્યા છે.’

મોદી મારા સારા મિત્ર છે । અમેરિકી પ્રમુખે ભારત આવવાના સંકેત આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી હ્યુસ્ટન ઇવેન્ટના સંદર્ભમાં કરી હતી. ટ્રમ્પે તે ઇવેન્ટને યાદ કરતાં જણાવ્યું હતું કે તે ઇવેન્ટમાં વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. ટ્રમ્પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ‘મોદી મારા સારા મિત્ર છે. બંને સારા મિત્ર હોવાના પ્રમાણ તમે હ્યુસ્ટન ઇવેન્ટ વખતે જોયા હતા.’ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભાગ લીધો હતો.