H-૪ વિઝાધારકોની વર્ક પરમિટ રદ કરવા અમેરિકી ફેડરલ કોર્ટનો ઇનકાર

H-૪ વિઝાધારકોની વર્ક પરમિટ રદ કરવા અમેરિકી ફેડરલ કોર્ટનો ઇનકાર

। વોશિંગ્ટન ।

અમેરિકામાં એચવન બી વિઝા પર વસવાટ કરતા હજારો ભારતીયો અને તેમના જીવનસાથીઓ માટે હંગામી છતાં રાહતના સમાચાર છે. અમેરિકાની અદાલતે અમેરિકામાં એચવન બી વિઝા ધરાવતા ભારતીયોના જીવનસાથીઓને કામ કરવાની પરવાનગી આપતા ઓબામા સરકાર સમયના નિયમને હાલ પૂરતો રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.

૨૦૧૫માં તત્કાલીન બરાક ઓબામા સરકારે અમલી બનાવેલા નિયમ અંતર્ગત એચવન બી વિઝાધારકના એચફોર વિઝાની ચોક્કસ કેટેગરીમાં આવતા જીવનસાથીઓને અમેરિકામાં કામ કરવા માટે વર્ક પરમિટ આપવાની પરવાનગી આપી હતી. તેમાં પણ એચવન બી વિઝા પર રહેતા અને ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં સામેલ ભારતીયોના જીવનસાથીઓને પ્રાથમિકતા અપાતી હતી. આ નિયમના કારણે ભારતીય મહિલાઓને મોટો લાભ થતો હતો.

ઓબામા સરકારના આ નિયમ સામે અમેરિકી કામદારો વિરોધ નોંધાવી રહ્યાં છે. હાલની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર પણ તેમની આ માગને સમર્થન આપી રહી છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તે આ નિયમને રદ કરી નાખવા માગે છે.

અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા સર્કિટની અમેરિકી કોર્ટ ઓફ અપીલે આ કેસને વિચારણા માટે નીચલી અદાલતને મોકલી આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલામાં સૌથી પહેલાં તમામ પાસાની ચકાસણી અને સમીક્ષા કરવા જિલ્લા અદાલતને તક આપવી જોઇએ.

ગ્રીન કાર્ડ મેળવવામાં થતા વિલંબને કારણે H-૧B વિઝાધારક પરિવારોને આર્થિક ભીંસ

કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ કરી હતી કે એચવનબી વિઝાધારકોને પરમેનન્ટ રેસિડેન્સી માટે ગ્રીન કાર્ડ મેળવવામાં લાંબા વિલંબ અને તેમના જીવનસાથીને વર્ક પરમિટ રદ કરવાથી વ્યક્તિગત અને આર્થિક ભીંસનો સામનો કરવો પડે છે. જેમ સમય લંબાતો જાય છે તેમ આ સમસ્યાઓ વિકરાળ બને છે. તેના પગલે તેઓ અન્યત્ર સ્થાયી થવાની વિચારણા કરતા હોવાથી અમેરિકી કંપનીઓને કુશળ વિદેશી કર્મચારીઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિક અમેરિકી કામદારો દ્વારા એચ-૪ વિઝાધારકોને અપાતી વર્ક પરમિટનો ઉગ્ર વિરોધ

સેવસ્ઝ જોબ્સ યુએસએ નામની સંસ્થા સ્થાનિક અમેરિકી કામદારો દ્વારા સ્થપાઈ છે. તેઓ એચ-૪ વિઝાધારકોને અપાતી વર્ક પરમિટનો ઉગ્ર વિરોધ કરતાં આવ્યાં છે. તેમનો આરોપ છે કે, એચ-૪ વર્ક પરમિટના કારણે અમેરિકનોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.