અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયો પરત ધકેલાયા

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયો પરત ધકેલાયા

ગત મહીને મેક્સિકોએ 300 ભારતીયોને સ્વદેશ મોકલેલા

વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા ભારતીયોએ બચત પણ ગુમાવી

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2019, બુધવાર

અમેરિકાએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા આશરે 150 જેટલા ભારતીય નાગરિકોને વિશેષ વિમાન મારફતે ભારત પરત મોકલી આપ્યા છે.

અમેરિકામાં વધુ સારી જિંદગી વિતાવવાના તૂટેલા સ્વપ્ન સાથે આશરે 150 જેટલા ભારતીયો 20 નવેમ્બરના રોજ સ્વદેશ પરત ફર્યા છે અને તેમણે પોતાની બચતની રકમમાંથી ઘણાં બધા રૂપિયા પણ ગુમાવી દીધા છે. વિઝાના નિયમોના ઉલ્લંઘન બદલ અથવા તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાના આરોપસર તે તમામ ભારતીયોને સ્વદેશ પરત મોકલી આપવામાં આવ્યા હતા. વિમાની મથકમાંથી બહાર નીકળતી વખતે તેમના મોઢા પર ઉદાસી દેખાતી હતી અને કેટલાક લોકોએ અનેક પ્રયત્ન છતા અમેરિકામાં જીવન વિતાવવાનું સ્વપ્ન પૂર્ણ ન થવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

તે પૈકીના એક વ્યક્તિને સતત ચોથી વખત સ્વદેશ પરત મોકલી આપવામાં આવી છે. ગત 15મી મેના રોજ તેમણે મુસાફરીની શરૂઆત કરી હતી તથા મોસ્કો અને પેરિસ થઈને તેઓ મેક્સિકો પહોંચ્યા હતા. ત્યાંથી 16મી મેના રોજ તેઓ કેલિફોર્નિયા જવા પ્રયત્ન કરી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને પકડી લીધા હતા અને એરિઝોના ખાતેથી સ્વદેશ મોકલી આપ્યા છે. ચાર વખત અમેરિકા જવા માટેના પ્રયત્ન માટે તેમણે 24 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે અને કાયદાકીય સલાહ માટે અલગથી 40 લાખ રૂપિયા ખર્ચ્યા છે. અન્ય એક વ્યક્તિએ અમેરિકામાં પ્રવેશ મેળવવામાં મદદ મળે તે માટે અમૃતસરના એક એજન્ટને 25 લાખ રૂપિયા આપ્યા હતા.

આશરે 150 જેટલા ભારતીયોને લઈને આવી રહેલું વિમાન બાંગ્લાદેશ થઈને બુધવારે સવારે છ કલાકે દિલ્હી એરપોર્ટના ત્રણ નંબરના ટર્મિનલ ખાતે લેન્ડ થયું હતું. ત્યાર બાદ એરપોર્ટ પર જરૂરી કાગળ કામ પતાવીને તે તમામ લોકો બહાર આવ્યા હતા. નોંધનીય છે કે, ગત મહીને પણ એક મહિલા સહિત 300 જેટલા ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા. તે તમામ લોકો અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે ગેરકાયદેસર રીતે મેક્સિકો પહોંચ્યા હતા અને 18 ઓક્ટોબરના રોજ મેક્સિકન ઈમિગ્રેશન વિભાગે તેમને સ્વદેશ પરત મોકલી આપ્યા હતા.