રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું The End? દોષિત ઠરતા અમેરિકામાં થઈ શકે છે મોટી ઉથલપાથલ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું The End? દોષિત ઠરતા અમેરિકામાં થઈ શકે છે મોટી ઉથલપાથલ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સામે ચાલી રહેલી મહાભિયોગ તપાસનો પ્રાથમિક રિપોર્ટ બુધવારે ગૃહમાં રજૂ કરાયો હતો. ડેમોક્રેકિટ પાર્ટીની બહુમતીવાળી અમેરિકી ગૃહની ન્યાયિક સમિતિના રિપોર્ટમાં ટ્રમ્પને પોતાના અંગત અને રાજકીય ઉદ્દેશો માટે દેશહિત સાથે બાંધછોડ કરવા તથા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના પક્ષની તરફેણમાં વિદેશી મદદ માંગવાના દોષી ઠેરવાયા છે.

300 પાનાના તપાસ રિપોર્ટમાં કહેવાયું કે પ્રમુખ ટ્રમ્પે યુક્રેનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડન અને તેમના પુત્ર સાથે જોડાયેલી કંપનીઓની સામે તપાસ કરવાના ઘણા પ્રસ્તાવ આપ્યા હતા. ટ્રમ્પને ફરી વાર રાષ્ટ્રપતિ બનાવવાના અભિયાનમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ મદદની ખાતરી આપી હતી. ટ્રમ્પને બાદ કરતાં એક પણ રાષ્ટ્રપતિએ એક્ઝિક્યુટિવી અધિકારીઓને સંસદની સામે સાક્ષી આપવાનો સીધો આદેશ આપ્યો નહોતો. ટ્રમ્પે સંસદીય સાક્ષીઓને જાહેરમાં ધમકી આપી હતી જે એક સંઘીય અપરાધ છે.

રિપોર્ટમાં તપાસને હજુ પણ આગળ વધારવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન આદમ શીફે કહ્યું કે અમને જે પુરાવાઓ મળ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. પ્રમુખે રાજકીય લાભ મેળવવા માટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને અમે અમેરિકન લોકોએ તેમનામાં જે વિશ્વાસ મૂક્યો હતો તેનો ભંગ કર્યો છે, તેનાથી દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

તપાસ સમિતિને ટ્રમ્પની વિરુદ્ધ કોઈ પુરાવો હાથ લાગ્યો નથી : વ્હાઇટ હાઉસે મહાભિયોગ રિપોર્ટ ફગાવ્યો

વ્હાઈટ હાઉસે યુએસ ઇન્ટેલિજન્સ કમિટીનો રિપોર્ટ ફગાવી દીધો છે. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પડાયેલ નિવેદનમાં કહેવાયું કે તપાસ સમિતિ ગુનાના પુરાવા રજૂ કરી શકી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સ્ટેફીની ગ્રિસમે કહ્યું કે તપાસ સમિતિને તેની તપાસમાં ટ્રમ્પની વિરુદ્ધ કોઈ પુરાવો મળ્યો નથી, અમે આ રિપોર્ટને ફગાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમની સામે ચાલી રહેલી મહાભિયોગ સુનાવણીમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. ટ્રમ્પના વકીલ એવું જણાવ્યું કે વ્હાઇટ હાઉસ બુધવાર માટેની કોંગ્રેસની સુનાવણીમાં ભાગ લેવાનું નથી. બુધવારે કોર્ટે મહાભિયોગની સુનાવણી પર ચુકાદો આપવાની હતી. વ્હાઇટ હાઉસના વકીલ પેટ સિપોલોને કહ્યું કે સુનાવણીમાં અમે સક્રિયપણે ભાગ લઈશું તેવી આશા રાખવી ઠગારી છે. સાક્ષીનું હજુ સુધી નામ જાહેર કરાયું નથી અને હજુ તે સ્પષ્ટ થયું નથી કે શું જ્યુડિશિયલ કમિટી વધારાની સુનાવણી દ્વારા યોગ્ય પ્રોસેસ પરવડી શકશે.