નાગરિકતા સુધારા બિલ રાજ્યસભામાં પસાર, હવે કાયદો બનશે

નાગરિકતા સુધારા બિલ રાજ્યસભામાં પસાર, હવે કાયદો બનશે

। નવી દિલ્હી ।

રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ લાંબી ચર્ચાને અંતે ૧૧૭ વિરુદ્ધ ૯૨ મતથી પસાર થયું હતું. આમ બંને ગૃહમાં બિલ પસાર થતા હવે તેનો અમલ કરવાનું સરકાર માટે આસાન બન્યું છે. શિવસેનાએ વોટિંગ વખતે ગૃહનો બહિષ્કાર કર્યો હતો. બિલને સિલેક્ટ કમિટીને મોકલવું કે નહીં તે અંગે મતદાન યોજાયું હતું જેમાં બિલ કમિટીને મોકલવાની તરફેણમાં ૯૯ મત પડયા હતા, જ્યારે વિરોધમાં ૧૨૪ મત પડયા હતા અને બિલ સિલેક્ટ કમિટીને મોકલવાની દરખાસ્ત ફગાવાઈ હતી. બિલમાં સુધારા કરવાની ૧૪ દરખાસ્ત કરાઈ હતી. ડેરેક ઓ બ્રાયનનો પ્રસ્તાવ ૧૧૬ વિરુદ્ધ ૯૬ મતથી અને ટીએમસીના સુધારાનો પ્રસ્તાવ ૧૨૪ વિરુદ્ધ ૯૮ મતથી ફગાવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ બિલનો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સોમવારે મોડી રાત્રે લોકસભામાં આ બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતે પસાર થયા બાદ છેલ્લાં બે દિવસથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ સંજોગોમાં બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થતાં હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળતાં જ તે કાયદો બનશે.

કોંગ્રેસે દેશના ભાગલા ન પાડયા હોત તો આ બિલ ક્યારેય લાવવું પડયું ન હોત : શાહ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા બિલ પર ચાલેલી લાંબી અને વિસ્તૃત ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે, અમે દેશની સમસ્યાઓ ઉકેલવા માટે સત્તા પર આવ્યા છીએ. બિલ લાવવા પાછળ સરકારનો કોઈ રાજકીય ઈરાદો નથી. મને આઇડિયા ઓફ ઇન્ડિયાનું જ્ઞા।ન આપો નહીં, હું ભારતમાં જ જન્મ્યો છું, વિદેશથી આવ્યો નથી. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ કહ્યું હતું કે પાક.માં રહેતા હિન્દુ કે શીખ ત્યાં રહેવા માગતા ન હોય તો ભારત આવી શકે છે. તેમને સ્વીકારવાની ભારતની જવાબદારી છે. બંગાળ સહિત તમામ રાજ્યોમાં બિલનો અમલ કરાશે. અમે ઇતિહાસ સુધારવા કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે દેશના ભાગલા ન પાડયા હોત તો આ બિલ ક્યારેય લાવવું પડયું ન હોત. અમે ધ્યાન ભટકાવવા નહીં પણ લોકોને ન્યાય અપાવવા બિલ લાવ્યા છીએ. નહેરુ-લિયાકત સમજૂતી મુજબ અલ્પસંખ્યકોને બહુમતી લોકોની જેમ સમાન અધિકારો આપવાનો અમારો ઉદ્દેશ છે. અમારી ધર્મ નિરપેક્ષતા ફક્ત મુસ્લિમો આધારિત નથી તમામ ધર્મના લોકોને સમાન ન્યાય અપાય છે. અમારે હેરાન થયેલા લોકોને પ્રાધાન્ય આપવાનું છે. વિપક્ષોને તેમાં રસ નથી. આ બિલથી કોઈની નાગરિકતા છીનવી લેવાની નથી. આ કાયદો કોર્ટમાં પણ સાચો ઠરશે. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં બાંગ્લાદેશી શરણાર્થીઓને સ્વીકાર્યા તો શ્રીલંકાના શરણાર્થીઓને કેમ નહીં? કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે તેના જુદાજુદા સિદ્ધાંતો અને જુદીજુદી ભૂમિકા હોય છે. લોકો સત્તા માટે રંગ બદલે છે તેમ કહી શાહે શિવસેના પર પ્રહારો કર્યા હતા. લોકસભામાં તેણે બિલને ટેકો આપ્યો પણ આજે બિલનો વિરોધ કરવા તત્પર છે. મોદી સરકારને બંધારણ પર ભરોસો છે અને આ દેશ ક્યારેય મુસ્લિમોથી મુક્ત થશે નહીં. કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો અને પાક. પીએમ ઇમરાન ખાનનાં નિવેદનો એકસરખા જ છે. તેઓ પાકિસ્તાનની ભાષામાં વાત કરે છે. પાક.માં હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરવામાં આવે છે. અફધાનિસ્તાનમાં પણ આવો ત્રાસ ગુજારાય છે. શાહે આવું કહ્યું ત્યારે કોંગ્રેસે હંગામો મચાવી નિવેદન પાછું ખેંચવા માગણી કરી હતી.

બિલમાં મુસ્લિમોનો સમાવેશ કેમ નહીં? તેનો શાહે જવાબ આપ્યો

શાહે કહ્યું કે બિલમાં મુસ્લિમોને કેમ સમાવાયા નથી તેનો જવાબ એ છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ ધર્મ મુખ્ય છે. અહીં મુસ્લિમ બહુસંખ્યકો છે તેથી તેમના પર અત્યાચારની સંભાવના ઓછી છે. વિપક્ષો ૬ ધર્મના લોકોને આપવામાં આવનારા લાભ ધ્યાનમાં લેવાને બદલે મુસ્લિમોની ચિંતા કરે છે. રોહિંગ્યાઓ બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસે છે તેથી તેમને સમાવાયા નથી.

વિરોધીઓ જણાવે કે પ્રતાડિત લોકો ક્યાં જશે?

વિપક્ષોને ઝાટકતા શાહે કહ્યું કે, આ બિલનો વિરોધ કરનારાઓ અમને બતાવે કે લાખો અને કરોડો લોકો કે જેમને હેરાન કરવામાં આવ્યા છે તેઓ ક્યાં જશે? શું તેમને જીવન જીવવાનો અધિકાર નથી? આ બિલ અંગે ભ્રામક વાતો ફેલાવાઈ રહી છે બિલ મુસ્લિમો વિરુદ્ધ છે તેવી દલીલો કરાય છે પણ દેશનાં મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની વસ્તીમાં મોટો ઘટાડો થયો છે. તેમની ક્યાં તો હત્યા કરાઈ છે અથવા તેઓ ભાગીને શરણ લેવા ભારત આવ્યા છે. એક સમયે પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતી ૨૦ ટકા હતી. હાલમાં આ આંકડો ઘટીને માત્ર ૩ ટકા થઈ ગયો છે. આ બિલ દ્વારા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી શરણાર્થીઓને રાહત મળશે.