નિર્ભયાના દોષિતોની ફાંસીનું કાઉન્ટડાઉન / 35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે

નિર્ભયાના દોષિતોની ફાંસીનું કાઉન્ટડાઉન / 35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે

  • વિનયની દયા અરજી પર રાષ્ટ્રપતિ વિચાર નથી કરી રહ્યા, અક્ષય પર સુપ્રીમમાં 17મીએ સુનાવણી
  • 27 નવેમ્બર 1983એ પૂણેની યરવડા જેલમાં એકસાથે ચારને ફાંસી આપવામાં આવી હતી
  • 4 દોષિતોને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરાશે
  • નિર્ભયાના માતા-પિતાએ ચારેય આરોપીને વહેલી તકે ફાંસી આપવા માંગ કરી છે

મુકેશ કૌશિક, પવનકુમાર, નવી દિલ્હી: નિર્ભયાકાંડના ત્રણ દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ફાંસી નક્કી થઈ ગઈ છે. ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ વિનયની દયાની અરજી પાછી ખેંચવાવાળી અરજી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેની અરજી પર વિચાર કરી રહ્યા નથી. હવે તેની અરજી પેન્ડિંગ નથી. વિનયે તિહાર જેલ વહીવટીતંત્ર પાસેથી 7 દિવસની નોટિસ મળ્યા પછી 7 નવેમ્બરે દયાની અરજી કરી હતી. દિલ્હી સરકાર અને ગૃહમંત્રાલયે તે ફગાવવા ભલામણ કરી હતી. ત્યારપછી વિનયે રાષ્ટ્રપતિને પત્ર લખી કહ્યું કે તેણે અરજી દાખલ કરી નથી. અન્ય ત્રણ દોષિતોએ પણ નોટિસ પછી દયાની અરજી કરી નહોતી. પણ અક્ષયે ફાંસી સામે પુન:વિચાર અરજી કરી છે. આ અંગે સુપ્રીમકોર્ટ 17મી ડિસેમ્બરે સુનાવણી કરશે. ત્યાં સુધી તે ફાંસીથી બચશે. આ ચારેયને 17મી પછી તરત ફાંસી અપાશે તેમ મનાય છે.

અલગ-અલગથી ફાંસી આપવી પણ સંભવ
બચવા માટે ગુનેગારો આવા નુસખા અપનાવે છે

ત્રણ દોષિતોને અલગથી ફાંસી આપવામાં હવે કોઈ અડચણ નથી. જેલ વહીવટીતંત્ર નિશ્ચિત નિયમો હેઠળ ફાંસી આપી શકે છે. રાષ્ટ્રપતિ પાસે કોઈપણ દયાની અરજી પેન્ડિંગ નથી. તમામ શરતો પૂરી થઈ છે. અક્ષયની પુન:વિચાર અરજી ફગાવી દેવાયા પછી તેને ફાંસીની સજા થઈ શકે છે. અરજી પર વચગાળાનો આદેશ કે સ્ટે આવે તેનું મહત્ત્વ નથી. ગુનેગારો કાયદાના માર્ગ પર અડચણ ઊભી કરે છે. તેમના નુસખા માનવા સરકાર માટે અનિવાર્ય નથી.-વિરાગ ગુપ્તા, વકીલ સુપ્રીમકોર્ટ

સરક્યુલરમાં જણાવેલી ફાંસીની શરતો પૂરી થઈ
ફાંસીની સજા સાથે જોડાયેલા મામલા માટે ગૃહમંત્રાલયે 4 ફેબ્રુઆરી 2014ના રોજ સરક્યુલર બહાર પાડી માર્ગરેખા નક્કી કરી હતી. નિર્ભયાના 3 દોષિતો મામલે આ પરિપત્રમાં જણાવાયેલી તમામ શરતો પૂરી થઈ છે. દયાની અરજી ફગાવી દીધાના 14 દિવસ પછી ફાંસી આપી શકાય. દિલ્હીના રાજ્યપાલે વિનયની દયાની અરજી એક ડિસેમ્બરે ફગાવી હતી. ટેકનિકલ રીતે હવે 15 ડિસેમ્બર પછી નિર્ભયાના ત્રણેય દોષિતોને ફાંસી પર લટકાવી શકાય છે.-અભયાનંદ, પૂર્વ ડીજીપી

અફઝલની ફાંસી સમયે હાજર રહેલા અધિકારી તહેનાત, ફાંસીઘરમાં તૈયારી ચોક્કસ રાખવા નિર્દેશ
આતંકી અફઝલ ગુરુની ફાંસી સમયે હાજર રહેલા તિહારના એક ડેપ્યુટી સુપરિટેન્ડન્ટને નિર્ભયાના દોષિતોની ફાંસીની તૈયારી કરવાની જવાબદારી સોંપાઈ છે. ચારેય દોષિતોને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરાશે. નિર્ભયાની માતાએ કોર્ટને તેમની ફાંસીનો જલ્દી અમલ થાય તેવી માંગણી કરી છે. આ અંગે જેલ વહીવટીતંત્ર શુક્રવારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટમાં જણાવાશે કે વિનયે દયાની અને અક્ષયે પુન:વિચારની અરજી કરી હતી. મુકેશ અને પવન સામે કોઈ કેસ પેન્ડિંગ નથી. યુપી સરકાર જરૂર પડ્યે એક દિવસની અંદર જલ્લાદ મોકલી શકે છે. ગૃહ મંત્રાલયે જેલ સત્તાવાળાઓને ચારેય દોષિતોને ફાંસી માટે સંપૂર્ણ તૈયારી રાખવા કહ્યું છે.

જોશી અભ્યાંકર કેસમાં 4ને ફાંસી અપાઈ હતી
1983માં ભારતમાં પ્રથમવાર ચાર દોષિતોને એકસાથે ફાંસી પર લટકાવાયા હતા. હકીકતમાં પૂણેની યરવડા જેલમાં 27 નવેમ્બર 1983ના રોજ 4 લોકોને ફાંસી અપાઈ હતી ત્યારે આ ફાંસી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. આ ચાર દોષિતોએ 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.