અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ખભા પર સ્પાય કેમેરા સાથે દેખાશે, ટ્રાફિકના નિયમો તોડી ભાગનારાના ફોટા પાડી લેશે

અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ખભા પર સ્પાય કેમેરા સાથે દેખાશે, ટ્રાફિકના નિયમો તોડી ભાગનારાના ફોટા પાડી લેશે

રાજ્યમાં ટ્રાફિક પોલીસ માટે 1 હજાર સ્પાય કેમેરા ઉપરાંત 25 ઈન્ટરસેપ્ટર વાન ખરીદાશે

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ચાલુ વર્ષે રાજય સરકારે ટ્રાફિક પોલીસને રૂ.260 કરોડ ફાળવ્યા છે. જેમાંથી રાજ્ય ભરમાં ટ્રાફિક પોલીસ માટે 1000 સ્પાય કેમેરા, 200 સ્પીડ ગન, 25 ઈન્ટરસેપ્ટર વાન અને અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે 250 સ્વાઈપ મશીન ખરીદાશે. ટ્રાફિક પોલીસના ખભે આ સ્પાય કેમેરા લાગશે. આ સ્પાય કેમેરા રોડ ઉપર ટ્રાફિક પોલીસ સાથે થતાં ઘર્ષણની ઘટનાઓમાં મહત્વના પુરાવા સાબિત થશે. ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરીને જઇ રહેલા વાહન ચાલકોના ફોટા પણ પાડી શકાશે.

1000 સ્વાઇપ મશીન ફાળવવામાં આવશે
રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ માટે સ્પાય કેમેરા, ઈન્ટરસેપ્ટર વાન, સ્પીડ ગન અને સ્થળ ઉપર ક્રેડિટ – ડેબિટ કાર્ડથી દંડ વસૂલ કરવા માટે સ્વાઈપ મશીનો ખરીદવા 6 મહિનાથી પ્રક્રિયા ચાલી રહી હતી. જો કે તાજેતરમાં રાજ્ય સરકારે ટ્રાફિક પોલીસ માટે રૂ.250 કરોડ ફાળવ્યા છે. સ્ટેટ ટ્રાફિક પોલીસનો વધારાનો ચાર્જ ધરાવતા આર્મ યુનિટના આઈજીપી પીયૂષ પટેલે જણાવ્યું હતુ કે ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલા આ બજેટમાંથી 1000 સ્પાય કેમેરા, 25 ઈન્ટરસેપ્ટર વાન, 200 સ્પીડ ગન અને 250 કાર્ડ સ્વાઈપ મશીન ખરીદાશે. સ્વાઈપ મશીનથી વાહનચાલકો સ્થળ પર જ ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડથી દંડ ભરી શકશે. આ 1000 સ્પાઈપ મશીન દરેક શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસને ફાળવાશે. જેમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં સૌથી વધારે સ્વાઈપ મશીન આપવામાં આવશે.

1 જાન્યુઆરીથી પોલીસ સ્વાઈપ મશીનથી દંડ વસૂલશે
રાજ્ય સરકારે ટ્રાફિકના દંડની રકમ વધારીને રૂ.500 થી લઇને રૂ.5000 સુધી કરી દીધી છે. જો કે દરેક વાહન ચાલક આટલા બધા પૈસા સાથે રાખતો હોય તેવું શકય નથી, પરંતુ મોટા ભાગના લોકો પાસે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય છે. જેથી ટ્રાફિક પોલીસ માટે દંડ વસૂલ કરવા સ્વાઈપ મશીન વસાવવામાં આવ્યા છે. પ્રાયોગિક ધોરણે આ 250 સ્વાઈપ મશીન અમદાવાદ ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવશે. જેથી ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડથી દંડ વસૂલ કરનાર અમદાવાદ ટ્રાફિક પોલીસ રાજ્યની સૌથી પહેલી પોલીસ બનશે. જો કે સ્વાઈપ મશીનથી દંડ વસૂલ કરવાનું 1 જાન્યુઆરી 2020 થી જ શરૂ કરી દેવાશે.

200 સ્પીડ ગનથી ઓવર સ્પીડના કેસ કરાશે
હાલમાં ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન છે. પરંતુ તેમાંથી મોટા ભાગની બંધ છે, ચાલુ છે તે ઓપરેટ થતી નથી. જેથી આ બજેટમાં 200 સ્પીડ ગન ખરીદવાનું નક્કી કરાયું છે. આ સ્પીડ ગનથી ઓવર સ્પીડના કેસ કરાશે.