ડુંગળીએ આ ખેડૂતને દેવાદારમાંથી બનાવી દીધો રાતોરાત કરોડપતિ

ડુંગળીએ આ ખેડૂતને દેવાદારમાંથી બનાવી દીધો રાતોરાત કરોડપતિ

ડુંગળીના વધતા જતા ભાવથી ગ્રાહકો રડી રહ્યા છે પણ કર્ણાટકનો એક દેવાદાર ખેડૂત રાતોરાત કરોડપતિ થઈ ગયો છે. ડુંગળીના વધતા જતા ભાવે ચિત્રદુર્ગ જિલ્લામાં આવેલા ડોડાસિદ્ધવાવનહલ્લી ગામના 42 વર્ષના ખેડૂત મલ્લિકાર્જુનનું કિસ્મત બદલી નાખ્યું છે. તેણે 20 એકર જમીનમાં 240 ટન ડુંગળીનો પાક લીધો હતો અને નવેમ્બર મહિના બાદ ડુંગળીના વધતા જતા ભાવના કારણે તેની ડુંગળીઓ મોંઘા ભાવે વેચાઈ હતી. તેણે આશરે બે લાખ કિલો ડુંગળી 100થી 150 રૂપિયે કિલોના ભાવે વેચતાં રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

જોખમનું કામ હતું

મલ્લિકાર્જુન પાસે 10 એકર જમીન છે અને તેણે બીજી 10 એકર જમીન લીઝ પર લઈને એમાં ડુંગળી વાવી હતી અને એના માટે આશરે 10 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. તેણે કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે આ પાક મળતાં આશરે પાંચથી 10 લાખ રૂપિયાનો ફાયદો થશે એવું મેં વિચાર્યું હતું. આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી લોકો ડુંગળી વાવતા નથી. મેં જોખમ લીધું હતું. જો ડુંગળીના ભાવ ઘટયા હોત તો મને નુકસાન થયું હોત. પણ ભાવ વધ્યા અને બમ્પર પાક થયો એથી મારું કિસ્મત બદલાઈ ગયું હતું.

ડુંગળીના ભાવ વધવા લાગ્યા એટલે તેણે ખેતરો પર સુરક્ષા માટે 50 મજૂરોને કામ લગાવી દીધા હતા. કોઈ ડુંગળીની ચોરી કરે નહીં એ માટે આખો પરિવાર પણ ખેતરો ઉપર રહેવા લાગ્યો હતો.

મલ્લિકાર્જુન હવે સ્થાનિક ખેડૂતોમાં આદર્શ બની ગયો છે. તેણે તમામ દેવું ચૂકતે કરી દીધું છે અને હવે એ જમીન ખરીદવા માગે છે અને ઘર બાંધવા માગે છે. જોકે કરોડપતિ થયેલા મલ્લિકાર્જુનની સફર આસાન નથી. ગયા વર્ષે તેને માત્ર પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. એક વાર તેણે લીઝ પર જમીન લઈને ખેતી કરી, 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પણ ભારે નુકસાન થયું હતું.