લક્ષચંડી મહાયજ્ઞ / પહેલા દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખની રોકડ, અઢી કિલો સોનાનું દાન, 4 લાખ લોકોએ દર્શન કર્યાં

લક્ષચંડી મહાયજ્ઞ / પહેલા દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખની રોકડ, અઢી કિલો સોનાનું દાન, 4 લાખ લોકોએ દર્શન કર્યાં

  • ઊંઝામાં લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ, 1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું
  • ઉમિયાનગરમાં 25 વીઘામાં બનેલી યજ્ઞશાળામાં એક લાખ ચંડીપાઠ કરાયા 
  • સાત કેન્સર સ્કેનિંગ મશીન મુકાયાં, 1600થી વધુ મહિલાની તપાસ કરાઈ
  • 2 લાખથી વધુ શ્રદ્ધાળુએ એક જ દિવસમાં શુદ્ધ, સાત્ત્વિક ભોજનનો પ્રસાદ લીધો

અમદાવાદ: ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું. ઉમિયાનગરમાં આવનારી મહિલાઓમાં કેન્સરની તપાસ માટે પણ સાત સ્કેનિંગ મશીન મુકાયાં હતાં. પ્રથમ દિવસે 1600થી વધુ મહિલાઓમાં કેન્સર વિશેની તપાસ કરાઈ હતી.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉમાનગરમાં મંગલ પ્રવેશ
ઉમિયા સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલના અધ્યસ્થાને દીપ પ્રાગટ્ય બાદ જયઘોષ સાથે મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે હાજર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન ઉમિયા સંસ્થાને કર્યું છે. આ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લેશે એ આનંદની વાત છે. સવારે નીતિન પટેલ તથા સંસ્થાના પ્રમુખ મણિભાઈ પટેલ તેમ જ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઉમિયાનગરમાં મંગલ પ્રવેશ કરાયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઊંઝા નહિ આવે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ અને ખાસ તો લક્ષચંડી યજ્ઞ મહોત્સવની મુલાકાત માટે નહીં આવે. અગાઉ તેઓ ગુરુવારે અને શુક્રવારે ગુજરાતમાં રોકાય અને તે દરમિયાન તેઓ મહાયજ્ઞ મહોત્સવમાં હાજરી આપશે તેવી વાત હતી. જોકે સરકારી સૂત્રોના માધ્યમ દ્વારા જાણવા મળ્યું હતું કે, અમિત શાહના પ્રવાસની સત્તાવાર રીતે કોઈ જાણ કરવામાં આવી નથી.
ગૌ માંસની નિકાસના પૈસાથી રામ મંદિર નથી બનાવવું: શંકરાચાર્ય
જ્યોતિર્મય અને શારદા મઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજે ઊંઝામાં ધર્મસભાને સંબોધતા કહ્યું હતું કે, અયોધ્યાનું મંદિર સંતો બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, રામ મંદિર બનતા બનતા ચારથી પાંચ વર્ષ લાગી જશે ત્યાં સુધી રામ લલ્લાને પોલિથિનની છત નીચે રાખી શકાય નહીં. આ માટે ચંદનનાં લાકડાંમાંથી મંદિર બનાવી સોનાથી મઢી ભગવાન રામને તેમાં બિરાજિત કરવા જોઈએ.
તેમણે જણાવ્યું કે, તાજેતરમાં આરએસએસ સંમેલન અલ્હાબાદમાં યોજાયું હતું, જેમાં એક તરફ ભગવાન રામ, બીજી તરફ આંબેડકર અને ત્રીજી તરફ વિવેકાનંદજી ચિત્રો રાખવામાં આવ્યાં હતાં. તેઓ રામને ભગવાન નહીં પણ મહાપુરુષ ગણાવી રહ્યાં છે, જે બરાબર નથી. આ સરકાર ગૌહત્યા અટકાવી શકી નથી અને ગૌમાંસની નિકાસ બંધ કરી નથી. તે પૈસાથી ભગવાન રામનું મંદિર બનાવવા અમે ઈચ્છતા નથી. અમે લોકોએ શ્રદ્ધાપૂર્વક આપેલા પરસેવાના પૈસાથી રામ મંદિર બનાવવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ માતાજીની કૃપાથી અબજોપતિ કરોડપતિ બન્યા પછી પણ માતાજીનો આ યજ્ઞ કરે છે, જે ખૂબ જ પ્રશંસનીય છે.

યજ્ઞના પ્રથમ દિવસે વધુ 8 રેકોર્ડ બન્યા

  • એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધુ એક લાખ ચંડીપાઠ કરાયા.
  • 1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું.
  • 2 લાખ લોકોએ એક જ દિવસમાં સાત્ત્વિક ભોજનનો પ્રસાદ લીધો.
  • 5.46 લાખ કપમાં 21 હજાર લિટર ચાનું વિતરણ કરાયું.
  • 350 એકરમાં લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ નોંધાયો.

ઊંઝા જવા માટે વસ્ત્રાલ, નરોડા, સોલાથી એસટી બસ શરૂ કરાઈ
ઊંઝામાં ઉમિયા માતાના લક્ષચંડી મહાયજ્ઞ માટે અમદાવાદનાં જુદાં જુદાં સ્થળેથી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એસજી હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયાધામથી સવારથી રાત સુધી, વસ્ત્રાલમાં નિરાંત ચાર રસ્તા ખાતે વહેલી સવારથી રાત સુધી તથા કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસે વહેલી સવારથી રાત સુધી એસટી બસનું સંચાલન કરવામાં આવશે. ઉપરાંત એસટી સ્ટેન્ડ પરથી પણ ઊંઝાની બસ જશે.