લાચાર ખેડૂતો / કરોડોની સંખ્યામાં તીડ પડતાં વાવેતર બચાવવા ખેતરોમાં ટ્રેક્ટર દોડાવે, થાળી ખખડાવે, બૂમબરાડા પાડે છે

લાચાર ખેડૂતો / કરોડોની સંખ્યામાં તીડ પડતાં વાવેતર બચાવવા ખેતરોમાં ટ્રેક્ટર દોડાવે, થાળી ખખડાવે, બૂમબરાડા પાડે છે

પાલનપુરઃ વાવના દૈયપમાં રાજસ્થાનથી આવેલા 10 કિલોમીટર લાંબા નવા ઝુંડથી રણમાં જ્યાં જુવો ત્યાં માત્ર તીડ જોવા મળ્યા. દૈયપ ગામના ખેડૂતોએ અચાનક તીડના આક્રમણથી ખેતરોમાં ટ્રેક્ટર દોડાવવા લાગ્યા હતા અને તીડ ભગાડવાની કોશિશ કરી હતી.પાલનપુર તાલુકાના કાણોદર માં સેધાભાઈ વાલ્મીકિ નામના ઢોલીએ 24 કલાક ઢોલ વગાડતા હાથ સુઝી ગયો હતો.
રાજસ્થાનથી 10 કિમી લાંબુ તીડનું નવું ઝુંડ ત્રાટક્યું
છેલ્લા 11 દિવસથી તીડે ઉત્તર ગુજરાતમાં ઉત્પાત મચાવ્યો છે, જેમાં સૌથી મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લામાં છે. મંગળવારે રાજસ્થાનથી તીડનું 10 કિલોમીટર લાંબુ વધુ એક ઝુંડ વાવ થરાદના ગામોમાં ત્રાટકતાં હડકંપ મચી ગયો છે. ત્યાં પહેલેથી આવેલું ઝુંડ પણ ઉપદ્રવ મચાવી રહ્યું છે. મંગળવારે બનાસકાંઠાના 47 ગામોમાં તીડોએ ધામા નાખ્યા હતા. જેમાં તીડ નિયંત્રણ વિભાગે વહેલી સવારે 100 હેકટરથી વધુ જગ્યા પર દવા છંટકાવ કામગીરી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, ખેતરોમાં જવા યોગ્ય રસ્તા ન હોવાથી અનેક સ્થળે દવા છાંટવામાં તકલીફો પડી હતી. તો સતલાસણા અને દાંતા પંથકમાંથી ફંટાયેલા તીડ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં પહોંચ્યા હતા. મંગળવારે મહેસાણા અને પાટણ જિલ્લામાં તીડના કોઇ વાવડ ન હોઇ ખેડૂતોને રાહત થઇ છે.
રાતા તીડનું ભયંકર આક્રમણ
રાજસ્થાનના રણમાંથી વાવના દૈયપમાં ફરી રાતા તીડનું ભયંકર આક્રમણ થયું છે. જેને લઈ ખેડૂતોનો વધ્યો ઘટ્યો પાક પણ ખાઈ જશે, જેને લઈ ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાટકી રણમાં કરોડોની સંખ્યામાં તીડો પસાર થઈ રહ્યા હતા, ત્યારે રણમાં તંત્રના કોઈ અધિકારીઓ જોવા મળ્યા ન હતા. મંગળવારે નવું ઝુંડ વાવના દૈયપ, કુંભારડી, મીઠાવીરાણા, મીઠાવી ચારણ, પાનેસડા, જોરડીયાળી, શણવાલ, તેજપુરા, અરજણપુરા, થરાદ તાલુકાના કાસવી, શેરાઉ, ભરડાસર, તાખુવા, રાજસ્થાનના ભાટકી, ધેમપુરા, ભુયાત્રા, આકોડા, જોડાદર ગામમાં ત્રાટકી ખેતરોમાં સોથ વાળી નાખ્યો હતો. ખેડૂતો દોડાદોડી કરી અવાજ કરી, ધુમાડો કરી હટાવવા મથામણ કરી રહ્યા છે.
પાકો જોતજોતામાં સફાચટ કરી નાખતાં ખેડૂતોની હાલત દયનિય
સોમવારના સાંજના સમયે દાંતીવાડા તાલુકાના જેગોલ- કોટડા ગામની સીમમાં બાવળોની ઝાડીમાં તીડે પડાવ નાખતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. બીજા દિવસે મંગળવારે વહેલી સવારે સ્થાનિક તંત્ર અને કેન્દ્ર સરકારની બે ટીમો પડાવ નાખેલા તીડ પ્રયાણ કરે એ પહેલાં મેલાજીયોન 98% દવાનો છંટકાવ કરી નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તીડના ઝુંડની સંખ્યા કરોડોમાં હોવાથી આ તીડ બાદમાં સાંતરવાડા, ઝાત, ભાડલી, રાજકોટ, ભિલાચલ, હરિયાવાડા, વાવધરા, ગાંગુવાડા સહિતના ગામોમાં ઉતરાણ કરતાં ઘઉં, રાયડો, રાજગરો, એરંડા, જીરું સહિતના ખેતી પાકો જોતજોતામાં સફાચટ કરી નાખતાં ખેડૂતોની હાલત દયનિય બની હતી. તો અમીરગઢ તાલુકાના વિરમપુર, પેડચોળી અને આજુબાજુના પહાડી વિસ્તારોમાં ઉભા પાકને તીડે વ્યાપક નુકસાન પહોંચાડયું હતું.
તીડ જેસોર વન્ય અભયારણ્યમાં પણ પ્રવેશ કરે તેવા એંધાણ
જ્યારે દાંતીવાડા તાલુકાના લાખણાસર, મોટી મહુડી, નાની મહુડી, રા.મહુડી, રા.પાંસવાળ, પાંસવાળ, ઝાત, ઝાત-ભાડલી, રાજકોટ, હરિયાવાડા, વાવધરા, ગાંગુવાડા, ડેરી, ભંડોત્રા, આરખી, ગુંદરી, સાતસણ, કોટડા, જેગોલ, ભિલાચલ, આકોલી, પાંથાવાડા, વાઘોર, ધનિયાવાડ, સાંતરવાડા, માલપુરીયા ગામોમાં 606 હેકટરમાં નુકસાન કર્યું છે. આવનારા સમયમાં તીડ જેસોર વન્ય અભયારણ્યમાં પણ પ્રવેશ કરે તેવા એંધાણ છે.
તીડ ભગાવવા અવાજ, ધુમાડો કરવો
થરાદ ટીડીઓ દ્વારા આદેશ કરી શિક્ષકોને તીડના પાઠ લેવા જણાવાયું છે, જેથી વિદ્યાર્થીઓ ઘેર જઈ પરિવારને આ માહિતી આપી શકે. તીડ નિયંત્રણ માટે અવાજ કરવો, ધુમાડો કરવો, પક્ષી ઉડી જાય તેવો કોલાહલ કરવો તે તીડને દૂર કરવાના સૌથી સરળ ઉપાય છે. આ ઉપાયો સહિતની વિગતો શિક્ષકો પ્રાથમિક શાળામાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવાઈ હતી.
નવું ઝુંડ રાજસ્થાનનથી દૈયપ પહોંચ્યું
નવું ઝુંડ 22 ડિસેમ્બર રવિવારે રાતે રાજસ્થાનના અરટી, વાઘા સિંહાણીયો, 23 ડિસેમ્બર સોમવારે બપોરે ફાગળીયા, ચિતરડી, વેડિયા, મદાવા થઈ રાતે ખેંજડિયાળી, આકરિયા, સૂતડી, ભોયાતર પહોંચતાં વાવના આકોલી ગામના ખેડૂતો દવાના જથ્થો લઈ તીડ નિયંત્રણ ટીમો સાથે 20 ટ્રેકટર લઈ રાત્રે ભોયાતર પહોંચ્યાં હતા. જે મંગળવારે બપોરે 3 વાગ્યે દૈયપના રણમાંથી પ્રવેશ કર્યો હતો.
હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવો અનુકૂળ નથી : કૃષિ યુનિ.કુલપતિ
એન્ટોમોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેડ પીજી કરતા વિદ્યાર્થીઓની સાથે તીડના સર્વે કરવા જાય છે. તીડ ત્રણ પ્રકારના હોય છે. આ જે તીડ છે તે ડેઝરબ્લોકર છે. તીડ પર જે દવાનો છંટકાવ કરવામાં આવે છે તેનાથી મનુષ્યના આરોગ્યને મોટો ખતરો હોય છે. જેથી હાલમાં હેલિકોપ્ટરથી દવા છંટકાવ કરવો અનુકૂળ નથી. આ દવા જો મનુષ્યના સંપર્કમાં આવે તો કેન્સર એલર્જી સહિતની વિવિધ બીમારીઓ થવાની સંભાવના છે.- આર.કે પટેલ, વીસી દાંતીવાડા સરદાર કૃષિ. યુનિ.
થરાદમાં મોટું ઝૂંડ આવતાં એલર્ટ અપાયું
બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટું ઝૂંડ થરાદ વિસ્તારમાં આવ્યું છે જેની ઉપર કંટ્રોલ કરવા માટે વધુ ટીમોની રચના કરાઇ છે. તીડ નિયંત્રણ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર પણ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા બનાસકાંઠા આવી રહ્યા છે. આગામી સમયમાં માન્ય પેસ્ટીસાઈડ દવા વાપરવાની ખેડૂતોને છૂટ અપાશે, જેનું પ્રોપર માર્ગદર્શન ખેતીવાડી વિભાગ દ્વારા આગામી સમયમાં આપવામાં આવશે. – સંદીપ સાગલે, કલેકટર બનાસકાંઠા
ખેડૂતોને સરકાર એક લાખ રૂપિયા વળતર ચૂકવે, નહીં તો ખેડૂતોએ સામૂહિક આપઘાત કરવા પડશે
દૈયપ ગામમાં તીડના ઝુંડ આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો ગામમાં પહોંચ્યા હતા અને વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં જણાવ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરતા નથી, દવા લઈને આવી શકતી નથી, શિક્ષકો ઉડાવશે તેવો પરિપત્ર કરી મશ્કરી કરી રહી છે. ખેડૂતોને એક લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે, તીડ નિયંત્રણ કરવા માટે હેલિકોપ્ટરથી દવા છંટકાવ કરવામાં આવે. અન્યથા ખેડૂતો સામૂહિક આપઘાત કરશે.