કડી / 25 વર્ષથી નીચેના યુવક-યુવતીના પ્રેમલગ્નમાં મા-બાપની સહી ફરજિયાતની માંગણી ઉઠાવાશે

કડી / 25 વર્ષથી નીચેના યુવક-યુવતીના પ્રેમલગ્નમાં મા-બાપની સહી ફરજિયાતની માંગણી ઉઠાવાશે

  • કડીમાં સોમવારે પ્રેમલગ્ન સામે નારી એક્તા ગ્રુપ દ્વારા વિશાળ રેલી અને સંમેલન
  • લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગણી સાથે જનજાગૃતિ અભિયાનની તૈયારીઓ

કડી, મહેસાણાઃ અનામત આંદોલન બાદ પાટીદાર સમાજ દ્વારા માતા-પિતાની વિરુદ્ધ ભાગીને કરાતાં પ્રેમલગ્ન સામે કાયદામાં ફેરફારની માંગણી સાથે મોટાપાયે જનજાગૃતિ અભિયાન હાથ ધરવા તૈયારી કરાઇ છે. જેમાં 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજીયાત સહિતની પાંચ માંગણીઓ ઉઠાવવામાં આવશે.
દરેક સમાજમાં નારીની સુરક્ષાને લઇ ચિંતા જોવા મળે છે. સમાજ અને માતા-પિતા દ્વારા મળતી વધારે પડતી છૂટના કારણે દીકરા-દીકરીઓ દ્વારા મોબાઈલનો દૂરુપયોગ કરવો, શાળા, કોલેજ કે ટ્યુશન ક્લાસના બહાને ચહેરા પર દુપટ્ટો બાંધી અથવા વેશપલટો કરીને બહાર રખડવા જવું, ખોટા વ્યસન અને ફેશનમાં બરબાદ થતું યુવાધન ખોટા રસ્તે ભટકી રહ્યું છે. પરિવારને અંધારામાં રાખી ઘરેથી ભાગી ભગાડી જઈ પ્રેમલગ્ન કરનાર આજના આધુનિક સમાજના સંતાનો સમય જતાં યોગ્ય પાત્રના અભાવે ભયંકર અને ગંભીર ભૂલો કરી પોતાના ઉજળા ભવિષ્યને ઓશિયાળું અને અંધકારમય બનાવી રહ્યા છે. જેને અટકાવવું દરેક સમાજની ફરજ છે. ત્યારે સૂતેલા સમાજના લોકોને જગાડવાનું ભગીરથ કાર્ય લઈને કડી નારી એક્તા ગ્રુપની મહિલાઓ જનજાગૃતિ માટે નીકળી છે. મહિલાઓ સોમવારે સર્વ વિધાલય કેમ્પસની પાછળ આવેલા 27ના મેદાન ખાતે વિશાળ જનજાગૃતિ સભા અને રેલીનું આયોજન કરાયું છે.
પ્રેમલગ્નને લઇ કાયદામાં આ ફેરફાર કરો
1.)25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજીયાત હોવી જોઈએ.
2.)સાક્ષીમાં સહી કરનારની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ.
3.)છોકરી જે વિસ્તારની હોય તે કોર્ટમાં જ પ્રેમલગ્નની નોંધણી થવી જોઈએ.
4.)તલાટીની હાજરીમાં કરાતાં પ્રેમલગ્ન બંધ થવા જોઈએ.
5.)25 વર્ષ પછી પ્રેમલગ્નમાં યુવક સરકારમાં એક લાખ રૂપિયા જમા કરાવે.