અલવિદા 2019 : વેલકમ 2020 : યુવાધન ઝૂમી ઊઠયું, અ’વાદમાં 105 પીધેલાં પકડાયા

અલવિદા 2019 : વેલકમ 2020 : યુવાધન ઝૂમી ઊઠયું, અ’વાદમાં 105 પીધેલાં પકડાયા

ગુડબાય… ૨૦૧૯ ર વેલકમ ૨૦૨૦ના ગગનભેદી અવાજો, ડાન્સ-ડિનર પાર્ટીઓ, ગીતસંગીતની મહેફિલો, નાના નાના ટેણિયાઓના પીપૂડાના પોં… પોં…ના નાદ અને માત્ર સી.જી. રોડ પર હૈયેહૈયું દબાય એવી ભીડ જ શહેરના પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ સુધીના વિસ્તારોમાં રસ્તા પર આવીને ખુશિયા મનાવી રહેલા શહેરીઓએ મધરાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૨૦ના વર્ષનાં વધામણાં કર્યા હતાં અને એટલા જ હર્ષભેર- આનંદભેર ઇસુના ૨૦૧૯ના વર્ષને વિદાય પણ આપી… ત્યારે શહેર પણ આખું ગાજી ઊઠયું હતું. એ સાથે કોઈકે એકમેકને ગળે લગાડીને કે, હસ્તધૂનન કરીને હેપ્પી ન્યૂ યર… હેપ્પી ન્યૂ યરની આપ-લે કરી હતી.

સરદાર પટેલ સ્ટેડિયમથી છેક પંચવટી ચાર રસ્તા સુધીના વિશાળ પટ્ટા પર લોકોએ રાતના નવ વાગ્યા બાદ આવવાનો દોર શરૂ કર્યો હતો અને અડધા કલાકમાં તો આખાયે માર્ગ પર એવો જમાવડો થયો હતો કે, પોલીસે સી.જી. રોડ પર ચારેય ભાગમાંથી આવતા આંતરિક રસ્તાઓ બંધ કરી દીધા હતા. એટલું જ નહીં આખાયે ઊભા માર્ગ પર ચાલવાનો પણ પ્રતિબંધ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વાહનો તો રાતના આઠ વાગ્યાથી બંધ કરી દેવામાં આવતા સી.જી. રોડનો નજારો આઝાદ માર્ગ જેવો બની ગયો હતો.   દેખીતી રીતે જ ૩૧મી ડિસેમ્બરની આ રાત્રી જેમ જેમ ઘડિયાળના ટકોરા સાથે આગળ વધતી હતી તેમ તેમ લોકોની ઇંતેજારી ખૂટતી હતી, પરંતુ જેવો ઘડિયાળનો કાંટો બરાબર રાત્રીના બાર અને એક મિનિટના ટકોરે આવી પહોંચ્યો ત્યારે આનંદની ખુશીયોની મસ્તીભરી ચિચિયારીઓ સાથે આખોયે સી.જી. રોડ એકી અવાજે ગાજી ઊઠયો હતો… હેપ્પી ન્યૂ યર… ર….. સિર્ફ અમદાવાદ કા સી.જી. રોડ હી ક્યૂં ? પૂરું શહેર જાણે જાગતું ન હોય એમ એક તરફ કાંકરિયા કાર્નિવલમાં પાંચ લાખની મેદની રાતના ૧૨ અને એક મિનિટના પહેલા ટકોરે એવા ભરપૂર આનંદથી એવું થનગની ઊઠયું હતું કે, કાર્નિવલમાં નવો જાન આવી ગયો હતો. તો બીજી તરફ શહેરના પરાના મણિનગરથી વસ્ત્રાલ, રામોલથી હાથીજણ, સરસપુરથી શાહીબાગથી નરોડા, સાબરમતીથી નવરંગપુરા, બોપલ, શીલજ અને ત્રીજી તરફ વાસણાથી સાણંદ અને સરખેજ તથા નારોલથી લાંભા- અસલાલી અને ગાંધીનગરના માર્ગે કોબા, રાયસણ અને ગાંધીનગર પછીના સીમાડાઓમાંના ગામો- હોટેલ, રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસોમાં પણ આ વખતે થર્ટી ફર્સ્ટનો જશ્ન મનાવવામાં હોડ લાગી હતી. કહો કે વર્ષનો આખરી દિવસ થર્ટી ફર્સ્ટ ડે ખાસ બની ગયો છે અને ઇસુના નવા વર્ષનો પહેલો દિવસ નહીં પણ પહેલી મિનિટ જિંદગીના ઉત્સવ અને ઉજવણી માટે ખાસ બની ગઈ છે.

ઈસબીચ એક ઓર મજે કી ભી વાત… માત્ર સુખી સમૃદ્ધ કે નવા જમાનાને સાથે તાલ મિલાવતા શહેરીઓ જ નહીં પણ હવે તો નાના ગામતળ, ચાલી, મહોલ્લાઓમાં પણ જવાનિયા ભેગા થઈને, પૈસા એકઠા કરીને ૩૧મીની રાત્રે ઉજાણી કરે છે.

સોસાયટી-એપાર્ટમેન્ટમાં ધૂમ  

પાર્ટી પ્લોટ સિવાય નવા વર્ષને વધાવવા માટે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં નાચ-ગાન અને ખાણી-પીણીના આયોજનો થયો હતો. જેમાં લોકોએ બોલીવુડ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. બાદમાં ગરમાગરમ નાસ્તાની જ્યાફત ઉડાવી હતી. આ વર્ષે આ પ્રકારની ખાનગી પાર્ટીના અસંખ્ય આયોજન થયા હતા.

પોલીસે ૧૦૫ પીધેલાને પકડયા

થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે દારૂ પીનારાઓએ છાના-છપના મહેફિલ જમાવીને ‘છાંટો પાણી’ કરી લીધા હતા. પોલીસ બ્રેથ એનેલાઈઝર સાથે શંકાસ્પદને અલગ તારવી ચેક કરતી હતી. પરંતુ બધે પોલીસ પહોંચી શકે નહીં તે જાણતા પીનારાઓએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવી લીધી હતી. સરદારનગર પોલીસ ચોપડે ૧૦૫ લોકોએ દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. જો કે પોલીસ ચોપડે ચડયા ન હોય તેવા લોકોની સંખ્યા મોટી હતી.

શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકજામના દૃશ્યો

મંગળવારે સાંજના ૬ વાગ્યાથી શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સીજી રોડ પર સાંજે ૬ વાગ્યાથી વાહનો પર પ્રતિબંધ હોવાથી આશ્રમ રોડ, આંબાવાડી, ગુજરાત યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલપંપથી લઇને ગ્રામ્ય એસપી કચેરી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઇસનપુર, નરોડા, ઓઢવ, રામોલ સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ સર્જાયો હતો. જ્યારે મોડી રાત્રે પકવાનથી સિંધુભવન ઉપરાંતના રસ્તા  પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

સિંધુ ભવન રોડની બંને તરફ વાહનો ખડકાયા

પકવાન ચાર રસ્તાથી એસ.પી. રિંગ રોડ પર પુરા થતાં આખા સિંધુ ભવન રોડની બંને તરફ ટુ વ્હીલર અને કારના ખડકલા થયા હતા. લોકોએ પોત પોતાની રીતે ગ્રુપ બનાવીને થર્ટી ફર્સ્ટની મજા માણી હતી. સી.જી. રોડ પર પણ પબ્લીક ઓછી જોવા મળી હતી. ચા, કોફી, નાસ્તાના પાર્લર અને નાની-મોટી દુકાનોમાંથી ખાણી-પીણી કરીને, ચીચીયારી પાડીને, આતશબાજી કરીને નવા વર્ષના આગમનને ઉજવ્યું હતું.

વસ્ત્રાપુર તળાવ પાસે હૈયેહૈયું દળાય તેટલી ભીડ ઉમટી

હાર્દ સમા વસ્ત્રાપુર તળાવ પાસે નવા વર્ષને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતા. તળાવની ફરતે લોકોએ અડ્ડો જમાવ્યો હતો. ખાણી-પાણી, નાચ-ગાન, ચીચીયારી સાથે લોકોએ મજા માણી હતી.