વિમાન ઊડયું ત્યારે 2020નું વર્ષ હતું, પણ ઉતરશે ત્યારે 2019નું વર્ષ હશે!

વિમાન ઊડયું ત્યારે 2020નું વર્ષ હતું, પણ ઉતરશે ત્યારે 2019નું વર્ષ હશે!

અશક્ય લાગતી ટાઈમ ટ્રાવેલ જેવી ઘટના વર્ષના છેલ્લા દિવસે શક્ય છે

ટોકિયો પૃથ્વીના પૂર્વ ભાગમાં છે, જ્યાંથી રવાના થયેલું વિમાન પશ્ચિમે આવેલા લોસ એન્જેલસ પહોંચ્યુ, ત્યાં નવું વર્ષ મોડું શરૂ થશે

અમદાવાદ, તા. 31 ડિસેમ્બર, 2019, મંગળવાર

આખી દુનિયાનો સમય-તારીખ નક્કી કરવા માટે ધરતીના ગોળા પર એક ઈન્ટરનેશનલ ડેટ લાઈન (તારીખ રેખા) તૈયાર કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ આ રેખાની બન્ને તરફ પોતાનો પગ રાખી શકે તો એ એક સાથે બે દિવસ જીવી શકે. ટાઈમ ટ્રાવેલ કરવાનું એટલે કે ભુતકાળમાં પાછુ જવાનું શક્ય નથી. પરંતુ એવી ઘટના નવા વર્ષની શરૂઆત વખતે બની શકે છે અને આજે બની હતી.

જાપાનની અલ નિપ્પોન એરલાઈન્સની ફ્લાઈટ નંબર એનએચ-106 ટોકિયોથી ઉપડી ત્યારે ટોકિયોમાં 1લી જાન્યુઆરી થઈ ચૂકી હતી. કેમ કે જાપાન ધરતીના ગોળામાં પૂર્વ તરફ આવેલો દેશ છે. એ ફ્લાઈટ લૉસ એન્જેલસ જવા રવાના થઈ હતી. અમેરિકાનું શહેર લોસ એન્જેલસ ધરતીના પશ્ચિમ છેડે છે. ત્યાં દિવસ મોડો ઉગે. માટે ત્યાં ફ્લાઈટ પહોંચશે ત્યારે હજુ 31મી ડિસેમ્બર જ હશે.

એટલે કે 1લી જાન્યુઆરી 2020ના દિવસે રવાના થયેલી ફ્લાઈટ 2019ની 31મી ડિસેમ્બરે ઉતરાણ કરશે. આ ફ્લાઈટ ટોકિયોના હાનેડા એરપોર્ટ પરથી 1લી જાન્યુઆરીએ રાતે 12 વાગ્યે અને 24 મિનિટે રવાના થઈ હતી. અહીંથી લોસ એન્જેલસ સુધીનું 9 હજાર કિલોમીટરનું અંતર કાપીને વિમાન અંદાજે સાંજે 5 વાગ્યે ત્યાં પહોંચશે. એ વખતે ત્યાં હજુ 31મી ડિસેમ્બર જ હશે.

આ કમાલ ડેટ લાઈનને કારણે શક્ય બને છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ધુ્રવથી દક્ષિણ ધુ્રવને જોડતી કાલ્પની ડેટ લાઈન તૈયાર કરવામાં આવી છે. એ રેખાથી નવો દિવસ, નવી તારીખ શરૂ થયેલી માનવામાં આવે છે. એટલે કે રેખાની પૂર્વમાં આવેલા દેશોમાં જૂની તારીખ હોય, જ્યારે પશ્ચિમમાં આવેલા દેશોમાં નવો દિવસ ઉગી ગયો હોય.