દુનિયામાં ક્યો દેશ ક્યારે નવાં વર્ષને આવકારે છે? જાણો અહિં

દુનિયામાં ક્યો દેશ ક્યારે નવાં વર્ષને આવકારે છે? જાણો અહિં

વિશ્વવ્યાપી : નમન મુનશી

આજથી, પહેલી જાન્યુઆરીથી ૨૦૨૦ના નવા વર્ષનો પ્રારંભ. ૧ જાન્યુઆરીનો દિવસ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો દિવસ છે. આ દિવસ ખ્રિસ્તી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ૧ જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. ઈસુના જન્મ પછીનો ૮મો દિવસ, કે જે દિવસે એમનું નામ રાખવામાં આવ્યું હતું. વિશ્વએ કોમન વ્યવસ્થા તરીકે ખ્રિસ્તી નવ વર્ષને સ્વીકારી લીધું છે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એવા બે દેશ છે જ્યાં નવા વર્ષની પૂર્વસંધ્યાની સૌથી પહેલાં ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પેસિફ્કિ મહાસાગરનો ટાપુ રાષ્ટ્ર ટોન્ગા દુનિયામાં સૌથી પહેલાં નવા વર્ષને આવકારે છે એ વખતે ભારતમાં ૩૧ ડિસેમ્બરે લંડન ટાઈમ્સ પ્રમાણે સાંજે ૬.૩૦ વાગ્યા હશે જ્યારે અમેરિકાના બાકર આયર્લેન્ડ અને હોવલેન્ડ આયર્લેન્ડના લોકો દુનિયામાં સૌથી છેલ્લે છેક ૨૪ કલાક બાદ નવા વર્ષને વધાવે છે. સૌથી વિસ્મયકારક વાત એ છે કે ટોન્ગા અને (છેલ્લેથી ત્રીજું) અમેરિકન સમોઆ ટાપુ વચ્ચેનું અંતર માત્ર ૯૦૦ કિલોમીટર છે. સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં નવા વર્ષનું સ્વાગત બે દિવસ પહેલાં ૩૦ ડિસેમ્બરના રોજ શરૂ થાય છે.

આ તો થઇ વાત ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ નવા વર્ષની, પરંતુ વિશ્વમાં ૧૯૨ દેશો છે. દરેક દેશનું નવું વર્ષ પહેલી જાન્યુઆરી નથી. ઇવન, ઈંગ્લેન્ડનું નવું વર્ષ પણ ૧૭૫૨ સુધી ૨૫ માર્ચ (લેડી ડે)થી શરૂ થતું હતું. ભારતમાં અને વિશ્વમાં પણ દરેક ધર્મો, પંથો, રાજ્યો, સમાજ અને વ્યક્તિ (જન્મતારીખ)ના પણ નવા વરસ અલગ અલગ દિવસે જ હોય છે.

ચીનનું નવું વર્ષ લૂનર કેલેન્ડર મુજબ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે. ચંદ્રની સ્થિતિના કારણે લૂનર ન્યૂ યર લગભગ જાન્યુઆરીના અંતિમ ભાગથી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધીમાં શરૂ થાય છે. લૂનરનું સમગ્ર ચક્ર પૂરું થવામાં લગભગ ૬૦ વર્ષનો સમય લાગે છે જેમાં દરેક ચક્ર ૧૨ વર્ષના પાંચ ભાગમાં વહેંચાયેલું હોય છે. લૂનર ન્યૂ યર મનાવવાની શરૂઆત ચાઇનીઝ રાજા હુઆંગ લીએ ઇ.સ પૂર્વે ૨૬૦૦ની સાલમાં કરી હતી. ત્યાર બાદથી દરેક વર્ષે લૂનર ન્યૂ યર ઊજવાય છે. આગામી ચાઇનીઝ ન્યૂ યર ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શરૂ થશે. વળી ચીનમાં દરેક વર્ષને એક નામ આપવાની પણ પરંપરા છે જે મુજબ આગામી વર્ષને યર ઓફ ધ રેટ (ઉંદર) કહેવાશે.

ફ્ક્ત ચાઇનીઝ સમાજના લોકો જ લૂનર ન્યૂ યર ઊજવે છે તેમ નથી. થાઇ, કોરિયન, વિયેતનામીસ, જાપાનીઝ, મલેશિયન, સિંગાપોરિયન તથા ઇન્ડોનેશિયન મૂળ ધરાવતા લોકો પણ પણ લૂનર ન્યૂ યરની શાનદાર રીતે ઉજવણી કરે છે.

જોકે જાપાને ૧૮૭૩થી ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ નવું વર્ષ ઓફિસિયલી અપનાવી લીધું છે. નવા વર્ષે જાપાનમાં બૌદ્ધ મંદિરમાં ૧૦૮ વાર ઘંટ વગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આવું ૧૦૮ વાર ઘંટ વગાડવાથી દરેકના જીવનમાં સુખ અને સારી વિચારસરણીનો સંચાર થશે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મુરાડોર આદિજાતિ સમાજ ૩૦ ઓક્ટોબરથી નવું વરસ ગણે છે. આપણો પાડોશી દેશ શ્રીલંકા ૧૩-૧૪ એપ્રિલના રોજ, સિંહાલી જ્યોતિષ અનુસાર, જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગણે છે. આ સમય લણણીની મોસમ અને વસંતનો અંત પણ વ્યક્ત કરે છે. બ્રાઝિલ પહેલી જાન્યુઆરીએ જ નવું વર્ષ પ્રારંભ કરે છે પરંતુ તેમની ઉજવણી અલગ પ્રકાર કરવામાં માને છે. અહીંની પરંપરા અનન્ય છે. જો નવા વર્ષની પૂર્વસંધ્યાએ સમુદ્રનાં સાત મોજાં પર કૂદી શકો છો, તો પછીનું વર્ષ તમારા માટે ઘણું ઉત્કૃષ્ટ હશે. આ સિવાય તમે સફેદ ડ્રેસ પહેરો અને દરિયામાં ગુલદસ્તો મૂકો, તો તે સમુદ્રને ભેટ આપો છો એમ મનાય છે, તેથી જીવનમાં શાંતિ રહે છે. બહામાસમાં નવા વર્ષની શરૂઆત પ્રથમ દિવસે બપોરે બે વાગ્યે શરૂ થાય છે. બોક્સિંગ ડે તરીકે અહીં નવું વર્ષ ઊજવાય છે. આ દિવસે વૃક્ષારોપણ અને પરેડ પણ યોજવામાં આવે છે.

જાણીને નવાઈ લાગશે કે પૂર્વી રૂઢિચુસ્ત ચર્ચ પ્રણાલિકાગત રીતે ૧૪મી જાન્યુઆરીએ ઊજવે છે મેસેડોનિયામાં, ઘરે બનાવેલા પિટા બ્રેડ અંદર સિક્કા સંતાડીને ખાવાની પરંપરા છે. જેને સિક્કો મળે તેનું નવું વર્ષ ખૂબ ભાગ્યશાળી રહેશે એવું માનવામાં આવે છે. એંકુટાટાશ એ ઇથોપિયા અને એરિટ્રિયામાં નવા વર્ષનો પ્રથમ દિવસ છે. તે ઇથોપિયન કેલેન્ડર પ્રમાણે મેસ્ક્રેમ ૧ના રોજ થાય છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ૧૧ સપ્ટેમ્બર (લીપ વર્ષ દરમિયાન ૧૨ સપ્ટેમ્બર) છે. આ સમયગાળામાં, લાંબી વરસાદની મોસમ પૂરી થઇ રહી હોય છે અને ગ્રામ્ય વિસ્તાર પીળા કલરનાં પુષ્પોથી આચ્છાદિત થઇ જાય છે. રશિયન નવું વર્ષ – નોવી ગોડ, તે ગ્રેગોરિયન નવા વર્ષના દિવસે જ આવે છે.

ઇસ્લામિક ન્યૂ યર હિજરીથી પ્રારંભ થાય છે જે ૧૯ કે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ હોવાની શક્યતા છે, જ્યારે હિંદુઓમાં ગુજરાતી, મારવાડી ખાસ કરીને દિવાળી પછીના દિવસ કારતક સુદ એકમને નવું વર્ષ ગણે છે, તો સામાન્ય રીતે હિન્દુઓના નવ વર્ષ વિક્રમ સંવતનો પ્રારંભ ચૈત્ર મહિના (ગુડી પડવા)થી થાય છે. ગ્રેગોરિયન, જુલિયન, ઇસ્લામિક, હિંદુ, ર્પિશયન(ઈરાનિયન), સોમાલિયન, ઇસ્ટર્ન, હિબ્રુ, ઈથિઓપિક, સોલાર, લુનાર, બુદ્ધિસ્ત, રાજનૈતિક કેલેન્ડર આજે ઉપયોગમાં લેવાય છે. જેમાં દરેક પ્રાંત, પ્રદેશ, દેશ મુજબ અલગઅલગ ઢબથી પોતપોતાના નવા વર્ષની ઉજવણીઓની સાથેસાથે ‘૧ જાન્યુઆરી’ ને પણ નવા વર્ષ તરીકે ગણવામાં આવે છે