અમેરિકા-ઈરાન તંગદીલીની ભીતરમાઃ મધ્ય-પૂર્વની ખાનાખરાબી ભારતને પણ દઝાડી શકે છે

અમેરિકા-ઈરાન તંગદીલીની ભીતરમાઃ મધ્ય-પૂર્વની ખાનાખરાબી ભારતને પણ દઝાડી શકે છે

  1. જમીન માર્ગે કે અમેરિકાના ખનીજતેલ ઠેકાણા પર હુમલા કરવા માટે ઈરાન સક્ષમ નથી
  2. હોર્મુઝની ખાડીમાં ઈરાન સાઉદી અરેબિયાના જહાજોને રોકે તો દુનિયાભરમાં ખનીજતેલની કટોકટી સર્જાઈ શકે

નેશનલ ડેસ્કઃ ઈરાનની કુખ્યાત કુદ્સ સેનાના સુપ્રીમ કમાન્ડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ બગદાદ ખાતે એર સ્ટ્રાઈકમાં ઠાર માર્યો એ સાથે અમેરિકા અને ઈરાન વચ્ચેના તંગ સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો ગણાશે. બંને દેશ વચ્ચે સાડા ચાર દાયકાથી પ્રવર્તતી દુશ્મનાવટમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છે. બરાક ઓબામાના શાસનમાં ઈરાન ડીલ નામે સમજુતી થયા પછી શાંતિના અણસાર વર્તાયા હતા, પરંતુ ટ્રમ્પના ઉગ્ર તેવરને લીધે હવે ફરીથી મધ્ય-એશિયાની સમરભૂમિ સમગ્ર જગત માટે જોખમી બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

રઝા પહેલવીના શાસનમાં મહાસત્તાઓની મનમાની
સદીઓથી ઉથલપાથલથી ભરેલા ઈરાનના ઈતિહાસમાં છેલ્લે કજાર વંશના અહમદશાહનું શાસન હતું. તેને ઉથલાવીને શાહ રઝા પહેલવી સત્તા પર આવ્યા. તેમણે ઈરાનનું આધુનિકિકરણ કર્યું અને એ માટે વિદેશી મદદ લીધી. બદલામાં ઈંગ્લેન્ડ, રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓએ ઈરાનના છલોછલ ભરેલા તેલકૂવાઓના દોહન માટેના કોન્ટ્રાક્ટ મનચાહ્યા ભાવ પાડીને મેળવી લીધા. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે પ્રકારે બ્રિટને ભારતને ચૂસી લીધું હતું એ જ પધ્ધતિ ઈરાનમાં ચાલી. સાવ સસ્તા ભાવે કાચું ખનીજતેલ મેળવીને બ્રિટન, અમેરિકા તેનું નિસ્યંદન (રિફાઈનિંગ) કરે અને પછી એમાંથી મેળવેલ પેટ્રોલ, ડિઝલ સહિતની પ્રોડક્ટ ઈરાન સહિતની દુનિયાને મોંઘા ભાવે વેચે. આશરે ત્રણ દાયકાની આ શોષણખોરી પછી ઈરાની પ્રજાના અસંતોષને એક નેતૃત્વ મળ્યું અને એમણે મહાસત્તાઓની મનમાની સામે બંડ પોકાર્યું. એમનું નામ હતું આયાતોલ્લાહ ખેમૌની.

આયાતોલ્લાહના જમાનાથી દુશ્મનાવટ
ઉત્તર ભારતના સહારનપુર પાસે મૂળિયા ધરાવતા આયાતોલ્લાહ શિયાપંથીઓના ધર્મગુરુ હતા. તેમના નેતૃત્વ હેઠળ ઈરાને ક્રાંતિ સર્જી દીધી અને વિદેશી સત્તાઓને દેશ બહાર હાંકી કાઢી. અમેરિકી અને બ્રિટિશ ઓઈલ કંપનીઓને ઉચાળા ભરવાની ફરજ પડી. એ વખતે બંને દેશો વચ્ચે એટલી તીવ્ર તંગદીલી ઊભી થઈ ગઈ હતી કે વિખ્યાત અમેરિકન હોસ્ટેજ ક્રાઈસિસ (જેનાં પરથી હોલિવૂડમાં આર્ગો નામે લાજવાબ ફિલ્મ પણ બની હતી)ના પગલે બંને દેશો વચ્ચે યુદ્ધની નોબત ગગડવા લાગી હતી. ત્યારથી શરૂ થયેલી શત્રુતા આજ સુધી યથાવત રહી છે. બંને દેશોમાં સત્તાધીશો બદલાવા છતાં દુશ્મનાવટમાં કોઈ ફરક પડ્યો નથી.

હવે ઈરાનનો જવાબ કેવો હશે?
કાસિમ સુલેમાનીના મોતથી ઈરાનની રાજનીતિને અને ખાસ તો ઈસ્લામીકરણના ખ્વાબને ભયંકર મોટો ફટકો પડ્યો છે એ તો નિઃશંક છે. હવે ઈરાન યોગ્ય સમય અને યોગ્ય મોકો જોઈને તેનો ઉગ્ર પ્રત્યાઘાત પણ આપશે એ પણ એટલું જ નિશ્ચિત છે ત્યારે સમગ્ર વિશ્વ સંભવિત કટોકટીનો તાગ મેળવવા પ્રયત્નશીલ છે. સ્વાભાવિક રીતે જ ભારત પણ તેમાંથી બાકાત નથી. અમેરિકાની ક્ષમતા, સૈન્યબળ અને ખાસ તો ભૌગોલિક અંતર જોતાં ઈરાન સશસ્ત્ર હુમલો કરે તેવી શક્યતા બહુ પાંખી છે. 9/11ના અનુભવ પછી અમેરિકાએ પોતાનું આકાશ લગભગ અભેદ બનાવી દીધું છે એ જોતાં ડ્રોન હુમલો પણ ઈરાન માટે ગજા બહારની વાત બની જાય છે. આમ છતાં ડંખીલા ઈરાન પાસે બદલો લેવાના અન્ય રસ્તાઓ પણ છે, જે કમનસીબે ભારત માટે જોખમી બની શકે તેમ છે.

હોર્મુઝની ખાડી એટલે ખનીજતેલનો સુપર હાઈવે
ઈરાન અમેરિકાની ભૂમિ પર હુમલો કરી શકે તેમ નથી. અમેરિકાના ખનીજતેલના કુવાઓ પણ ઈરાનની પહોંચની બહાર છે. એ સંજોગોમાં અમેરિકાના મિત્રો પર હુમલા કરીને ઈરાન અમેરિકાને છંછેડવાનો પ્રયાસ કરે એ શક્યતા બળવત્તર છે. સમગ્ર દુનિયાની આવશ્યકતાનું 30 ટકા ખનીજતેલ મધ્ય-પૂર્વના દેશો સપ્લાય કરે છે અને એ પૈકી મોટાભાગનો જથ્થો હોર્મુઝની ખાડીમાંથી નીકળીને જે-તે આયાતી દેશ સુધી દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવે છે. સાઉદી અરેબિયાનો તેમાં બહુ મોટો હિસ્સો છે અને સાઉદી અરેબિયાને ઈરાન અમેરિકા જેટલું જ કટ્ટર શત્રુ ગણે છે. હોર્મુઝની ખાડી પર ઈરાનનું વર્ચસ્વ છે એ જોતાં તે સાઉદી જહાજો માટે પ્રતિબંધ લાદે અથવા દરિયાઈ સુરંગ પાથરીને ખાનાખરાબી સર્જે એ શક્યતા બળકટ છે. ઈરાન પોતે ચીનનું સૌથી મોટું સપ્લાયર છે. એટલે ઈરાન જો સાઉદીનો રસ્તો રોકે તો જવાબી કાર્યવાહી તરીકે અમેરિકા ઈરાનના ચીન જતાં જહાજો માટે નાકાબંધી સર્જી દે. આ સમગ્ર સ્થિતિમાં ખનીજતેલના ભાવ ભડકે બળે.

ભારત માટે પડતાં પર પાટું જેવો ઘાટ થઈ શકે
આ ઘટનાક્રમમાં મુખ્ય પાત્રો એવા ઈરાન, અમેરિકા,સાઉદી અરેબિયા આર્થિક રીતે સમૃદ્ધ અને ખનીજતેલના ઉત્પાદક દેશો છે. ચીન પોતાની જરૂરિયાતનું 50 ટકા ખનીજતેલ આયાત કરે છે. તેની સામે ચીનની આર્થિક તાકાત એટલી બધી છે કે તેણે સસ્તા ભાવે ખરીદી કરીને દુનિયાભરના વિવિધ ઓઈલ ડેપોમાં ખનીજતેલ સંગ્રહી રાખ્યું છે, જે ભાવવધારા વખતે સંતુલન જાળવવામાં કામ આવે છે. ભારત પાસે ન તો એવી તેલસંગ્રહની આર્થિક ક્ષમતા છે. ન તો ભારત પાસે એટલું અનામત વિદેશી હુંડિયામણ છે, જે ફક્ત ખનીજતેલનો સ્ટોક ઊભો કરવા માટે વાપરી શકાય. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા ખનીજતેલ આયાત કરે છે અને એ દર સતત વધતો જાય છે. ઈરાક ભારતનું સૌથી મોટું સપ્લાયર છે. પછીના ક્રમે સાઉદી અરેબિયા આવે છે. હવે જો મધ્ય-પૂર્વના તેલ ઉત્પાદક દેશોમાં તકરાર ઊભી થાય તો ખનીજતેલના ભાવ પર અસર પડે અને તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડે. એક તરફ મંદીના કારણે ભારતીય અર્થતંત્રનું ગાડું અમસ્તું ય ધીમું પડેલું છે. હવે જો તેમાં ખનીજતેલની કટોકટી ઉમેરાય તો એ ભારત માટે દાઝ્યા પર ડામ જેવું થઈ શકે છે.