ઈરાક / અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલા બાદ ઈરાને કહ્યું- શાંતિ માટે ભારત પહેલ કરે તો તેનું સ્વાગત છે

ઈરાક / અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલા બાદ ઈરાને કહ્યું- શાંતિ માટે ભારત પહેલ કરે તો તેનું સ્વાગત છે

  • ઈરાને જનરલ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ઈરાકમાં આવેલા અમેરિકાના બે એરબેઝ પર હુમલો કર્યો ઈરાને બુધવારે સવારે એન અલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન પર 22 મિસાઈલથી હુમલો કર્યો હતો, 80 લોકોના મોતનો દાવો 
  • ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સની ચેતવણી- જે પણ અમેરિકન આતંકી સેનાને બેઝ આપશે તેમને ટાર્ગેટ કરવામાં આવશે
  • ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું- અમે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ કોઈ પણ આક્રમણ સામે અમારી રક્ષા કરીશું

વોશિંગ્ટન/ તહેરાન/બગદાદઃ ઈરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાક ખાતે આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. મળતી માહિતી પ્રમાણે, ઈરાને ઈરાકના અનબર પ્રાંતમાં આવેલા એન અલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન(અમેરિકન સૈન્ય ઠેકાણા)પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં 80 ‘અમેરિકન આતંકી’ઠાર મરાયા છે. આ બધાની વચ્ચે ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે દરેક માટે શાંતિ અને સમુદ્ધિ ઈચ્છીએ છીએ. એવામાં ભારત જો ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિની પહેલ કરી શકે છે, તો અમે તેનું સ્વાગત કરીએ છીએ.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈએ બુધવારે કહ્યું છે કે, ઈરાકમાં અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો તેમના માટે એખ મોટી થપાટ છે. અમેરિકન સેનાએ પશ્ચિમ એશિયા વિસ્તારને છોડવો પડશે. ઈરાન સ્ટેટ ટીવીએ રિવોલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી દાવો કર્યો છે કે, હુમલામાં અમેરિકન હથિયારો અને હેલિકોપ્ટર્સને નુકસાન થયું છે. ઈરાને હજી 100 અમેરિકન્સ ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. જો અમેરિકા વળતો હુમલો કરશે તો તેઓ આ ટાર્ગેટ્સ પર હુમલો કરશે.

વિદેશ મંત્રી જયશંકરે કરી હતી ઈરાન-અમેરિકા સાથે વાત
તાજેતરમાં જ વિદેશ મંત્રી જયશંકરે ઈરાનના વિદેશી મંત્રી જાવેદ જરીફ અને અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે ફોન પર વાત કરી હતી. જયશંકરે બંને દેશોને થોડી ધીરજ જાળવવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશોના વિવાદના કારણે અમે પણ ચિંતામાં છીએ. બંને નેતાઓએ અમારી સાથે સંપર્ક રાખવાની વાત કરી છે.

ડેનમાર્ક, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને ઈરાકે જવાનોની મોતનો ઈન્કાર કર્યો
ઈરાકની સેનાએ કહ્યું કે, બન્ને એરબેઝ પર કુલ 22 મિસાઈલથી હુમલો કર્યો હતો. એવામાં એન અલ-અસદ બેઝ પર પડેલી બે મિસાઈલમાં બ્લાસ્ટ નહોતો થયો. નોર્વેએ કહ્યું કે, અલ-અસદ બેઝ પર તહેનાત તેમના 70 સૈનિકોમાંથી કોઈને નુકસાન થયું નછી. ડેનમાર્કે પણ કહ્યું કે, તેમના 130 જવાનોમાંથી કોઈનું મોત થયું હોવાના અથવા ઘાયલ થયાના સમાચાર નથી.

ટ્રમ્પે કહ્યું હતું- ઓલ ઈઝ વેલ

હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, અત્યારે બધુ ઠીક છે. ઈરાને ઈરાકમાં આવેલી બે મિલેટ્રી બેઝ પર મિસાઈલ છોડી છે. નુકસાન અને મોતની માહિતી લેવામાં આવી રહી છે. અત્યાર સુધી બધુ ઠીક છે. અમારી પાસે દુનિયાની સૌથી તાકાતવર સેના છે. હું કાલે સવારે આ મુદ્દે નિવેદન આપીશ.

ઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાને ઈરાકના અનબરમાં આવેલા એન અલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર 15 વધારે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી છે. ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં 20 અમેરિકન જવાન સહિત 80 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, ત્યારપછી ઈરાકના આકાશમાં મિલેટ્રી જેટ્સની હલચલ જોવા મળી હતી.

ઈરાનના વિદેશી મંત્રીએ કહ્યું- આત્મરક્ષા માટે હુમલો કર્યો
ઈરાનના વિદેશ મંત્રી જાવેદ જરીફે હુમલા પછી ટ્વિટમાં કહ્યું કે, ઈરાનમાં આત્મરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના આર્ટિકલ 51 અંતર્ગત પગલાં લીધા હતા. અમે તે બેઝને ટાર્ગેટ કર્યા છે જેનો ઉપયોગ અમારા નાગરિકો અને સીનિયર ઓફિસર્સને ટાર્ગેટ બનાવવા માટે કરવામાં આવે છે. અમે યુદ્ધ વધારવા નથી માંગતા. પરંતુ કોઈ પણ આક્રમણ સામે અમારી રક્ષા કરીશું.

અમેરિકાએ ઈરાન-ઈરાક તરફની પેસેન્જર ફ્લાઈટ રદ કરી
અમેરિકાના ફેડરલ એવિયેશન કમીશને ઈરાન, ઈરાક અને ઓમાનની ખાડી તરફ જતી પેસેન્જર ફ્લાઈટ માટે નોટામ (નોટિસ ટુ એરમેન) જાહેર કરી દીધું છે. તેના પ્રમાણે અમેરિકા પશ્ચિમી એશિયા પર નજર રાખીને બેઠું છે.

ઈરાને અમેરિકાના સહયોગીઓને પણ ધમકી આપી
ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ હુમલો જનરલ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ્સે નિવેદન આપ્યું છે કે, અમે અમેરિકાના દરેક સહયોગીઓને ચેતવણી આપીએ છીએ કે તેઓ આતંકી સેનાને તેમના બેઝનો ઉપયોગ ન કરવા દે. જો તેમના કોઈ પણ વિસ્તારનો ઈરાન વિરુદ્ધ હુમલો કરવામા ઉપયોગ કરવામાં આવશે તો તેમને પણ ટાર્ગેટ કરવામાં આવશે. ઈરાને ધમકી આપી છે કે, જો અમેરિકા આ હુમલાનો જવાબ આપશે તો તેમની ઈઝરાઈલમાં આવેલી હિજ્બુલ્લા સેના પર રોકેટ છોડવામાં આવશે.

ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, રિવોલ્યૂશનરી ગાર્ડ્સે અમેરિકન બેઝ પર હુમલો કરવા માટે ફતેહ-313 મિસાઈલનો ઉપયોગ કર્યો છે. આ જમીનથી જમીન પર ટાર્ગેટ કરી શકે એ પ્રમાણેની મિસાઈલ છે. તેની રેન્જ 300 કિમી સુધીની છે.

શુ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરશે?
ઈરાનના હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વમાં સિક્યોરિટી એજન્સીઓની બેઠક બોલાવી હતી. અમેરિકન બંધારણ પ્રમાણે કોઈ પણ પ્રકારની સીધી સૈન્ય કાર્યનાહીની તાકાત રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ (સંસદ) વચ્ચે વહેચાયેલી હોય છે. જ્યાં સાંસદ કોઈ પણ દેશ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી શકે છે ત્યાં રાષ્ટ્રપતિ દેશની સુરક્ષા માટે સેનાનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે છે.

ભારતે ઈરાક જનારા માટે ટ્રાવેલ વોર્નિંગ જાહેર કરી
ભારતે ઈરાક જનારા નાગરિકો માટે ટ્રાવેલ વોર્નિંગ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો જરૂરી ન હોય તો ભારતીયો ઈરાક ન જાય. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાકમાં રહેતા ભારતીયો સતર્ક રહે. તેઓ ઈરાકમાં પણ મુસાફરી કરવાનું ટાળે.