વિશ્વની કુલ સંપત્તિ કેટલી?

વિશ્વની કુલ સંપત્તિ કેટલી?

આપણે જ્યારે સંપત્તિની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા બેન્ક અકાઉન્ટમાં પડેલા પૈસા, શેર પોર્ટફોલિયોની કિંમત, ઘર, સોનાના દાગીના અને બીજી નાની નાની ચીજો જેવી કે ર્ફિનચર, મોંઘા ચિત્રો અને કાર વિગેરેનો સમાવેશ થતો હોય છે. પણ જ્યારે દેશની સંપત્તિની વાત થાય ત્યારે એમાં રહેતા લોકોની સંપત્તિ પણ દેશની સંપત્તિ ગણાય છે. દેશમાં સરકારની જાહેર સંપત્તિનો પણ એમાં સરવાળો થતો હોય છે. દેશમાં રહેલા ફ્લાયઓવર્સ, પાવર પ્લાન્ટ, કારખાનાં અને રોડ પણ દેશની સંપત્તિ ગણાય છે. એક વેબસાઇટે દુનિયાની સંપત્તિની ગણતરી કરી છે અને જણાવ્યું છે કે ૨૦૧૯માં દુનિયાની સંપત્તિમાં ૯.૧ ટ્રિલિયન ડોલર્સનો વધારો થયો છે અને એ ૩૬૦.૬ ટ્રિલિયન ડોલર્સ થઈ છે. ૨૦૧૮ની સરખામણીમાં વિશ્વની સંપત્તિમાં ૨.૬ ટકાનો વધારો થયો છે.

GDP પર કેપિટાની દ્રષ્ટિએ દુનિયાના ટોપ ૧૦ શ્રીમંત દેશો

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) પર કેપિયાના આધારે વિશ્વના ટોપ ૧૦ દેશોમાં લક્સમબર્ગ, નોર્વે, સ્વિટઝરલેન્ડ, આયરલેન્ડ, આઈસલેન્ડ, કતાર, યુનાઇટેડ સ્ટેટ્સ, ડેન્માર્ક, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. લક્સમબર્ગની પર કેપિટા GDP ૧,૧૯,૭૧૯ ડોલર છે. નોર્વેમાં એ ૮૬,૩૬૨ ડોલર, સ્વિટઝરલેન્ડમાં ૮૩,૮૩૨ ડોલર, આયરલેન્ડમાં ૮૧,૪૭૭ ડોલર અને આઇસલેન્ડમાં ૭૮,૧૮૧ ડોલર છે.

અમેરિકા અને ચીનની સંપત્તિનો સરવાળો બાકીના ૧૩ દેશોની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે

દુનિયાની સંપત્તિની વાત કરીએ તો સૌથી શ્રીમંત ૧૫ દેશો પાસે ૮૪.૩ ટકા સંપત્તિ છે. અમેરિકા પાસે ૧૦૬ ટ્રિલિયન ડોલરની સંપત્તિ છે અને એનો હિસ્સો ૨૯.૪ ટકા છે. દુનિયાની ઈકોનોમીમાં અમેરિકાનો હિસ્સો ૨૩.૯ ટકા રહ્યો છે. અમેરિકા બાદ ચીન છે અને એની પાસે ૧૭.૭ ટકા સંપત્તિ છે. બાકીના દેશોની સંપત્તિ સિંગલ ડિજિટમાં જ આવે છે. એવો અંદાજ વ્યક્ત કરાયો છે કે આગામી દશકામાં ચીનમાં પ્રાઇવેટ લોકોના હાથમાં રહેલી સંપત્તિમાં ૧૧૯.૫ ટકાનો વધારો થયો છે. નવાઈની વાત એ છે કે ટોપ ૧૫ દેશોની સંપત્તિની વાત કરાય તો અમેરિકા અને ચીનની સંપત્તિનો સરવાળો બાકીના ૧૩ દેશોની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે. દુનિયાની અડધોઅડધ સંપત્તિ અમેરિકા અને ચીનના હાથમાં છે.

દુનિયામાં વિવિધ વિસ્તારોમાં સંપત્તિનો હિસ્સો

વિસ્તાર         કુલ સંપત્તિ       વૈશ્વિક

(અબજ ડોલર્સ, ૨૦૧૯) ટકાવારી

ઉત્તર અમેરિકા             ૧,૧૪,૬૦૭                  ૩૧.૮

યુરોપ                           ૯૦,૭૫૨                        ૨૫.૨

એશિયા-પેસિફિક        ૬૪,૭૭૮                        ૧૮

ચીન                      ૬૩,૮૨૭                       ૧૭.૭

ભારત                            ૧૨,૬૧૪                      ૩.૫

લેટિન અમેરિકા         ૯,૯૦૬                        ૨.૭

આફ્રિકા                            ૪,૧૧૯                        ૧.૧

વિશ્વ                       ૩,૬૦,૬૦૩                  ૧૦૦

દુનિયામાં સૌથી શ્રીમંત દેશ

રેન્ક    દેશ         વિસ્તાર         કુલ સંપત્તિ       વૈશ્વિક

(અબજ ડોલર્સ,૨૦૧૯)  ટકાવારી

૧      અમેરિકા        ઉત્તર અમેરિકા ૧,૦૫,૯૯૦                    ૨૯.૪

૨      ચીન                  ચીન                ૬૩,૮૨૭                       ૧૭.૭

૩      જાપાન          એશિયા પેસિફિક        ૨૪,૯૯૨       ૬.૯

૪      જર્મની             યૂરોપ              ૧૪,૬૬૦                      ૪.૧

૫      યુ. કે.             યૂરોપ              ૧૪,૩૪૧                       ૪.૦

૬      ફ્રાન્સ               યૂરોપ               ૧૩,૭૨૯                     ૩.૮

૭      ભારત             ભારત              ૧૨,૬૧૪                     ૩.૫

૮      ઈટાલી          યૂરોપ               ૧૧,૩૫૮                      ૩.૧

૯      કેનેડા              ઉત્તર અમેરિકા ૮,૫૭૩                        ૨.૪

૧૦     સ્પેન                યૂરોપ                           ૭,૭૭૨         ૨.૨

૧૧     સાઉથ કોરિયા એશિયા-પેસિફિક        ૭,૩૦૨         ૨.૦

૧૨     ઓસ્ટ્રેલિયા      એશિયા-પેસિફિક        ૭,૨૦૨         ૨.૦

૧૩     તાઈવાન       એશિયા-પેસિફિક        ૪,૦૬૨         ૧.૧

૧૪     સ્વિટઝરલેન્ડ   યૂરોપ                              ૩,૮૭૭         ૧.૧

૧૫     નેધરલેન્ડ્સ     યૂરોપ                             ૩,૭૧૯            ૧.૦

૧૬     બાકીના તમામ દેશ વિશ્વ                       ૫૬,૫૮૫       ૧૫.૭

કુલ     –         ૩,૬૦,૬૦૩     ૧૦૦