સીતારમણે કહ્યુ- જો મેં આંકડા જણાવ્યા હોત તો 15 મહિના પછી રાહુલ ગાંધી મને પૂછત કે એક કરોડ નોકરીઓનું શું થયું?

સીતારમણે કહ્યુ- જો મેં આંકડા જણાવ્યા હોત તો 15 મહિના પછી રાહુલ ગાંધી મને પૂછત કે એક કરોડ નોકરીઓનું શું થયું?

  • રોજગારી અંગે ત્રણ-ચાર મહિના પછી સ્થિતિનું આકલન કરીને જ કોઈ આંકડો જાહેર કરવા ઈચ્છીશ: નિર્મલા સીતારમણ
  • અમે પણ કરદાતાઓના અધિકારો સુરક્ષિત રાખવાની દિશામાં કામ કરી રહ્યા છે: નિર્મલા સીતારમણ
  • પહેલાની સરકારમાં કરવેરામાં છૂટ પર છૂટ આપતી ગઈ, પરંતુ તે છૂટછાટના વૈજ્ઞાનિક આધાર ન હતા-નિર્મલા સીતારમણ  

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે બજેટની નવી જોગવાઈઓ-જાહેરાતો લઈને સર્જાયેલી અનેક આશંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. રવિવારે તેમણે ફરી એકવાર આ બજેટને રોજગારી વધારનારું કહ્યું, પરંતુ રોજગારીનો આંકડો જાહેર કરવાથી દૂર રહ્યાં. વાંચો નિર્મલા સીતારમણ સાથે ભાસ્કર સંવાદદાતા અનિરુદ્ધ શર્માની વાતચીતના મુખ્ય અંશ.
સવાલ: તમે બજેટમાં અનેક નિર્ણયોનો ઉલ્લેખ કર્યો, જેનાથી રોજગારી વધશે એવો દાવો છે. શું તમે કહેશો કે, કુલ કેટલી અને કેવી રીતે રોજગારી સર્જાશે?
જવાબ: હા, એ સાચું કે, રોજગારીનો કોઈ આંકડો ના આપ્યો. તમે આંકડા માંગી રહ્યા છો, જે હાલ આપવો મુશ્કેલ છે. માની લો કે, આજે હું એક આંકડો બોલી દઉં, એક કરોડ. તો 15 મહિના પછી રાહુલ ગાંધી પૂછશે કે, તમે એક કરોડ રોજગારી સર્જવાની વાત કરી હતી, તેનું શું થયું? જોકે, આજે હું એક આંકડો આપી શકું છું. આમ છતાં, ત્રણ-ચાર મહિના પછી સ્થિતિનું આકલન કરીને જ કોઈ આંકડો જાહેર કરવા ઈચ્છીશ. એ પછીના બે-ત્રણ મહિનામાં બીજો એક આંકડો કહેવાની સ્થિતિમાં આવીશ. આ મામલો એક આખી પ્રક્રિયાનો છે.
સવાલ: કરદાતાઓને બે વિકલ્પ આપ્યા હોવાથી દુવિધામાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, નવા સ્લેબથી બચત નહીં થાય. તમે શું કહેશો?
જવાબ: અત્યાર સુધી જેટલી સરકારો આવી, તેમણે કરવેરામાં છૂટ પર છૂટ આપ્યા કરી, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર ન હતો. દુનિયાના કોઈ પણ પ્રગતિશીલ દેશમાં આવી સિસ્ટમ નથી. આપણે આ દિશામાં આગળ વધવાનું જ હતું અને લોકો પર દબાણ પણ નહોતું નાંખવાનું, એટલે કરદાતાઓ સામે બે વિકલ્પ મૂક્યા. તેઓ ઈચ્છે તો છૂટ વિના ઓછો ટેક્સ આપે અને બચેલી આવકનો ઈચ્છે ત્યાં ખર્ચ કરે અથવા બચત કરે. તેઓ ઈચ્છે તો છૂટનો ફાયદો ઉઠાવવા જૂના સ્લેબમાં વધુ કર ભરવાનો વિકલ્પ ચાલુ રાખી શકે છે. સિસ્ટમમાં સુધારો કરવા આ દિશામાં પગલું ભરવું જરૂરી છે.
સવાલ: તમે જીડીપીમાં 10% સાંકેતિક ગ્રોથનું અનુમાન કર્યું છે. શું હવે સાંકેતિક ગ્રોથ નવો માપદંડ હશે?
જવાબ:
 બિલકુલ નહીં. અર્થશાસ્ત્રીઓ હંમેશા અર્થતંત્રને બંને રીતે જુએ છે.
સવાલ: ટેક્સપેયર ચાર્ટરમાં શું હશે?
જવાબ: 
હાલ ફક્ત ત્રણ દેશ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા કરદાતાઓને પરેશાનીથી બચવાનો અધિકાર આપે છે. અમે પણ કરદાતાઓના અધિકારો સુરક્ષિત રાખવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ ચાર્ટર ઝડપથી આવશે.