નમસ્તે ટ્રમ્પ! અઢી કલાકમાં સો એન્ટ્રી પોઈન્ટથી સવા લાખને પ્રવેશ એ જ પડકાર

નમસ્તે ટ્રમ્પ! અઢી કલાકમાં સો એન્ટ્રી પોઈન્ટથી સવા લાખને પ્રવેશ એ જ પડકાર

નમસ્તે ટ્રમ્પ શીર્ષક હેઠળ મોટેરા સ્ટેડિયમ ખાતે ૨૪મી ફેબ્રુઆરીએ યોજાનારા મેગા ઇવેન્ટ માટે સવા લાખ પ્રેક્ષકોને તેમના વતનમાંથી લાવવા રાત્રે કેટલા વાગ્યે બસ ઉપાડવી, કયા રૂટ ઉપરથી બસ લાવવી, કેટલા વાગ્યા સુધીમાં બધી બસો પાર્કિંગ પ્લોટમાં લાવવી, કેટલા વાગ્યે સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ કરાવવી કે જેથી દરેકનું સિક્યોરિટી ચેક સુગમતાથી પાર પડે એ તમામ પ્લાનિંગ આયોજકો-ગુજરાત સરકાર માટે માથાના દુખાવારૂપ બની રહ્યું છે. અત્યારે સ્ટેડિયમમાં બપોરે એક વાગે કાર્યક્રમ શરૂ થશે એમ માનીને ચાલવામાં આવે છે, એટલે એના દોઢ કલાક પહેલાં યાને સવારે ૧૧:૩૦ વાગ્યા સુધી પ્રેક્ષકોને એમની સીટ ઉપર બેસાડી દેવાશે, પરિણામે સ્ટેડિયમમાં લગભગ સવારે ૯ વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવાશે. કામચલાઉ રીતે આ પ્રમાણે આયોજન ગોઠવાઈ રહ્યું છે. આ બધી કામગીરીમાં પોલીસ સહિત વિવિધ સિક્યોરિટી એજન્સીઓના જવાનોની અગ્નિપરીક્ષા થવાની છે. સૂત્રો ઉદાહરણરૂપે એવું કહે છે કે, દક્ષિણ ગુજરાતના સુરતથી કે બનાસકાંઠાથી બસ દ્વારા લોકોને લાવવા હોય તો ઓછામાં ઓછા પાંચ-છ કલાક પહેલાં એટલે કે અડધી રાત્રે બસ ઉપાડવી પડે, જેથી સવારના ૭ વાગ્યા સુધીમાં પાર્કિંગમાં બસ પાર્ક થઈ શકે અને એકાદ કલાક ચાલીને લોકો સ્ટેડિયમ સુધી આવી શકે. આ સંદર્ભમાં જે તે કલેક્ટરો દ્વારા સંકલન થઈ રહ્યું છે.  સનદી અધિકારીઓ કહે છે કે, સવા લાખ લોકોને એન્ટ્રીનું ટાસ્ક ભગીરથ છે અને એના માટે ઇવેન્ટ શરૂ થયાના ૩-૪ કલાક પહેલાં એન્ટ્રી કોઈપણ હિસાબે શરૂ કરવી જ પડે અને આ સમગ્ર આયોજન કઈ રીતે પાર પડશે એની અધિકારીઓમાં ઉત્સુકતાથી ચર્ચા થઈ રહી છે. સોમવારે સાંજે મુખ્યમંત્રીએ પહેલીવાર સ્ટેડિયમની પોણો કલાક વિસ્તૃત વિઝિટ કરી હતી.

સ્ટેડિયમમાં જનરલ પબ્લિક માટે ૧૦૦થી વધુ અને પ્લેટિનમ-ગોલ્ડ પાસ માટે ડઝન-ડઝન પ્રવેશદ્વાર

વીવીઆઈપીઓ માટે પ્લેટિનમ દીર્ધા, વીઆઈપીઓ માટે ગોલ્ડ દીર્ધા અને જનરલ પબ્લિક માટે સિલ્વર દીર્ધા યાને સ્ટેડિયમમાં લાગેલી સ્થાયી સીટિંગ એરેન્જમેન્ટ આ જ ઢબે વિવિધ પાર્કિંગ્સને પણ વહેંચી નખાયા છે. જનરલ પબ્લિક જે સવા લાખ જેટલી લાવવાની છે તેમની એન્ટ્રી માટે ૧૦૦થી વધુ પ્રવેશદ્વાર રખાયા છે, જ્યારે પ્લેટિનમ તથા ગોલ્ડ કાર્ડધારક વીવીઆઈપીઓ અને વીઆઈપીઓની એન્ટ્રી માટે અલગ અલગ ડઝન જેટલા પ્રવેશદ્વાર રહેશે. આ સૂત્રો એમ પણ કહે છે કે, પ્રેક્ષકો કંટાળી દેકારો ના મચાવે તે ધ્યાને રાખી સવારે ૧૧ વાગ્યાથી જ સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરી દેવાશે.

ટ્રમ્પ વિઝિટના આયોજનની કમાન સંભાળતા કૈલાસનાથન્

વડા પ્રધાન મોદીના અત્યંત વિશ્વાસુ એવા ગુજરાતના વહીવટીતંત્ર ઉપર પક્કડ ધરાવતા મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કેલાસનાથન્ આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ-મેગા ઇવેન્ટના અતથી ઇતિ સુધીના આયોજનમાં ગળાડૂબ છે. સોમવારે એમણે મુખ્યમંત્રી રૂપાણી સાથે પહેલીવાર સ્ટેડિયમની મુલાકાત લીધા બાદ મંગળવારે બપોરે ફરી તેઓએ સ્ટેડિયમની વિઝિટ કરી ત્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તથા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના કર્તાહર્તાઓ સાથે લંબાણપૂર્વક વિસ્તૃત બેઠકોનો દોર ચલાવ્યો હતો. મુખ્ય સચિવ અનિલ મુકિમ પણ શ્રેણીબંધ બેઠકોમાં જોડાયા હતા.

ટ્રમ્પનું ગાંધીઆશ્રમમાં પરંપરાગત સ્વાગત કરાશે

ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. આ તબક્કે ગાંધીઆશ્રમમાં જગત જમાદારનું સ્વાગત વિશેષ રીતે તો નહીં પરંતુ પરંપરાગત રીતે અન્ય મહાનુભાવોની માફક જ ગાંધીઆશ્રમ દ્વારા કરાશે, ગાંધી આશ્રમના સૂત્રો કહે છે કે, ટ્રમ્પને ભેટમાં ચરખાની પ્રતિકૃતિ, ગાંધીજીના જીવન-કવન ઉપરના પુસ્તકો અને એક ગાંધીજીનું પોટ્રેટ આપવામાં આવશે. સૂતરની માળા પહેરાવીને મહાનુભાવોનું ગાંધી આશ્રમમાં સ્વાગત કરવામાં આવશે. અગાઉ ચીન, જાપાન સહિતના દેશના પ્રમુખોને પણ આ જ વસ્તુઓ ભેટમાં અપાઈ હતી.

રોડ શો-સ્ટેડિયમમાં ૩૬૦ ડિગ્રી નજર રાખે તેવા ૪૦ સીસીટીવી

અમેરિકાના પ્રમુખ ગુજરાતમાં આવતા હોવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. તેમાં ૪૦ ચોક્કસ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યા હાઇટેક ૪૦ કેમેરા ભાડે લગાવવામાં આવશે. આ કેમેરા ૩૬૦ ડિગ્રી મૂવમેન્ટ કરશે. ઝૂમ કરી નાનામા નાની વસ્તુ જોઈ શકશે. તમામ કેમેરાની ફીડ અમદાવાદ સિટી પોલીસ કન્ટ્રોલરૂમ અને ગાંધીનગર પોલીસ કન્ટ્રોલરૂમમાં મળશે. આ કેમેરા સાથે ક્રાઇમ બ્રાંચ પાસે રહેલા ક્રિમિનલોની યાદી પણ જોડવામાં આવશે. તેના કરાણે ટ્રમ્પના રોડ શો કે અગત્યની જગ્યાએ કોણ પણ ક્રિમિનલ દેખાશે તો ફેસ રેકેગ્નાઇજેશન સિસ્ટમમાં ઓળખાઈ જશે અને તેને પકડી લેવામાં આવશે. આ તમામ વીડિયો રેર્કોિંડગ પણ ચોક્કસ દિવસો માટે રખાશે અને તે અધિકારીઓના મોબાઇલ પર પણ જોઈ શકાશે.

નિર્ભયાની ૪૦ ઇનોવા અને ૬૦ બોલેરો પણ તૈનાત  નિર્ભયા પ્રોજેક્ટ અંતરગત શહેરમાં બુધવારે આવતી ૧૦૦ નવી કાર પણ ટ્રમ્પના બંદોબસ્તમાં વાપરવામાં આવશે. બહારથી આવેલા અધિકારીઓને વાહનો આપવામાં આવશે.

SPGNSGનાં શહેરમાં ધામા  

મંગળવારે સવારે ગ્દજીય્ના વડા એ.કે.સિંઘ કાફલા સાથે મોટેરા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે જીઁય્ના અધિકારીઓ પણ પહાંચ્યા હતા. બંને અધિકારીઓએ સિક્રેટ સર્વિસના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

રિમોર્ટ ઓપરેટિંગ વ્હિકલ, માન વ્હિકલ સાથે તૈનાત રહેશે  

રિમોર્ટ ઓપરેટિંગ વ્હિકલ જે આરઓવી તરીકે ઓળખાય છે તે કોઈ પણ બોમ્બ હોય તેને એક ડબ્બામાં ભરી તે ડબ્બામાં જ બ્લાસ્ટ કરાવી દે છે જેના કારણે આસપાસના લોકો સુરક્ષિત રહે. બોમ્બ પણ રિમોર્ટથી ઓપરેટ રોબોટ ઓપરેટ કરતો હોવાથી કોઈ માણસની જરૂર પડતી નથી. આ વ્હિકલ “માન” નામના વ્હિકલ સાથે હાજર રહેશે. માન વ્હિકલમાં લાઇટ, વોટર રિજેક્ટર, લોકઅપ, બીડીડીએસનો સામાન સહિતની વિશેષ વ્યવસ્થા હોય છે.

US એરફોર્સના બે વિમાન-સ્નાઇપર રાઇફલો આવી  

મંગળવારે વહેલી સવારે અમેરિકાથી બે એરફોર્સ વિમાન આવ્યા હતા. જેમાં ૧૦થી ૧૨ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કાર લવાઈ છે. સાથે લોન્ગ રેન્જની સ્નાઇપર રાઇફલ સહિતના અન્ય સુરક્ષા ઉપકરણો આવ્યા છે. ૨૪મી સુધી દરરોજ અમેરિકન એરફોર્સનું એક વિમાન અમદાવાદ આવશે. જેમાં ટ્રમ્પની સુરક્ષાની સાધન સામગ્રી લાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

રોડ-શોના રૂટ ઉપર ૨૮ રખડતાં ઢોર પકડયાં  અમદાવાદ મ્યુનિ.ના ઢોર અંકુશ નિયંત્રણ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી મોદી-ટ્રમ્પ રોડ-શોના રૂટ ઉપર રખડતાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૨૮ રખડતાં ઢોરને પકડીને ડબ્બામાં પુરાયા છે. આ તમામ ઢોરને છોડવામાં નહીં આવે. રોડ ઉપર રખડતી ગાયો મૂકતાં માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાશે. અમદાવાદ મ્યુનિ.ની ટીમો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી દિવસ-રાત રખડતી ગાયો પકડવા માટે કામે લાગી છે.

૧ કરોડના ખર્ચે રોડ શો રૂટ પર ડેકોરેટિવ લાઇટિંગ  મ્યુનિ.એ મોદી-ટ્રમ્પના રોડ-શોના રૂટ ઉપર ડેકોરેટિવ લાઇટિંગ કરવાનું નક્કી કરાયું છે જેમાં રોડની બંને તરફ ડેકોરેટિવ લાઇટિંગ ફિટ કરાશે સાથે આ રૂટમાં આવતાં તમામ જંકશનોને ડેકોરેટિવ લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.એ ઇન્દિરાબ્રિજથી ભાટ થઇ મોટેરા સુધી આવતાં નવા રોડમાં ૭૦ નવા સ્ટ્રીટ પોલ ફિટ કરી દીધા છે. લાઇટ ડૂલ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે.

ધૂળ ન ઊડે તે માટે રોડ શો રૂટ પર પાણી છંટાશે  

ટ્રમ્પના રોડ શોના દિવસે રોડ ઉપર ધૂળ ન ઉડે તે માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે. હાલ તો સ્વીપર મશીનો દ્વારા ૨૨ કિ.મી.ના રોડ ઉપર ધૂળ સાફ કરાઇ રહી છે પણ રોડ શોના દિવસે પણ ધૂળ ન ઉડે તે માટે તૈયારીઓ ચાલી રહી છે જેમાં ૨૩મીની રાતે ૨૨ કિ.મી.ના રૂટ ઉપર બે ટાઇમ પાણીનો છંટકાવ કરવાનું આયોજન છે.

રોડ શોના રૂટ ઉપર ૫૦થી વધુ બમ્પ ક્યારે તોડવા તે હજુ સુધી નક્કી નહીં  

એરપોર્ટથી મોટેરા થઇને ગાંધીઆશ્રમ સુધીના રૂટના રોડમાં આવતા સ્પીડ બ્રેકર એટલે કે, બમ્બનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ રૂટ ઉપર ૫૦ જેટલા નાના-મોટા બમ્પ આવતાં હોવાનો અંદાજ છે. હાલ તો આ બમ્પ દૂર કરવા કે નહીં તેનો નિર્ણય લેવાયો નથી.

સ્ટેડિયમની બહાર-ગાંધી આશ્રમમાં બે વાર ફોગિંગ  

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા શહેરના મોટેરા સ્ટેડિયમની બહારના ભાગમાં વાહનો પાર્ક થવાના છે તે પાર્કિંગ પ્લોટમાં અને ગાંધીઆશ્રમમાં ફોગિંગની કાર્યવાહી કરાઇ રહી છે. અહીં હાલ તો એકવાર ફોંગિંગ થાય છે પણ ૨૦મી પછી દિવસમાં બે વાર ફોગિંગ કરવાનું આયોજન કરાયું છે જેના માટે ફોગિંગ મશીન ફાળવી દેવાયા છે. આ સાથે મ્યુનિ.એ ૨૨મીથી ખાસ પ્રકારના ફોગિંગ મશીનથી ફોગિંગ કરશે જેમાં ધુમાડો નહીં થાય.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ૨,૦૦૦ ઈનોવેટર્સ વિદ્યાર્થીને સ્થાન અપાશે

અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં મેરિટોરિયસ-ઈનોવેટર્સ વિદ્યાર્થીઓને હાજર રાખવા વિચારણા ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમમાં આશરે ૨,૦૦૦ જેટલાં ઈનોવેટર્સ વિદ્યાર્થીઓને અલગથી બેસાડવામાં આવે તેવી સંભાવના છે. તે સિવાય ચાર કોલેજોને વિદ્યાર્થીઓ લાવવા ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના કાર્યક્રમમાં ચોક્કસ સ્થાન પર આશરે બે હજાર જેટલાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. જે કોલેજોમાં ઈન્ક્યુબેશન સેન્ટર છે તેવી કોલેજોમાંથી ૫૦-૫૦ વિદ્યાર્થીઓને લાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઈનોવેશન કરતા હશે તેને સ્થાન અપાશે.

નમસ્તે ટ્રમ્પની તૈયારીઓની સાથે સાથે

  • હથિયારધારી પોલીસ સિક્રેટ સર્વિસ અને ડેલીગેશન સાથે ન રાખવા સૂચના અપાઈ
  • ટ્રમ્પના બંદોબસ્ત માટે ૨૦ મીટરે પોલીસ તૈનાત
  • પોલીસને જ ચાર પ્રકારના પાસ બનાવવામાં આવશે
  • US એજન્સીની સુચનોથી રોડ શો રૂટના ઝાડ કપાયા
  • મોટેરા યોજાઇ IPS અધીકારીઓની ટી મીટીંગ યોજાઈ
  • બુધવારથી બહારથી પોલીસ અધિકારીઓના ધામા
  • ડેલીગેશન સાથે કેમ વર્તન તેની પોલીસને ટ્રેનિંગ
  • સ્ટેડિયમમાં વાંદરાઓને પકડવા ૩ પાંજરા મુકાયા
  • સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સોસાયટીઓ બહાર ફૂટપાથ પર રોપેલા ફૂલ છોડ હટાવી ખુલ્લી કરાઈ
  • તા. ૨૫મી સુધી મોટેરા વિસ્તારમાં ભાડે મકાન નહીં