અમેરિકામાં ફૂડ સ્ટેમ્પ જેવા સરકારી લાભ લેનાર ઇમિગ્રન્ટ્સને ગ્રીનકાર્ડ નહીં અપાય

અમેરિકામાં ફૂડ સ્ટેમ્પ જેવા સરકારી લાભ લેનાર ઇમિગ્રન્ટ્સને ગ્રીનકાર્ડ નહીં અપાય

। વોશિંગ્ટન ।

અમેરિકામાં ફૂડ સ્ટેમ્પ જેવા સરકારી યોજનાના લાભ લેનાર ઈમિગ્રન્ટસને ગ્રીનકાર્ડ આપવામાં આવશે નહીં. આને કારણે અમેરિકામાં પરમેનન્ટ લીગલ રેસિડન્સી માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા હજારો ભારતીય H-1B વિઝા ધારકોને અસર થશે. નવા નિયમનો સોમવારથી અમલ કરવા અમેરિકાના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે. અગાઉ કેટલાક લોકોએ આ નિયમનો અમલ કરવાનો વિરોધ કર્યો હતો પણ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી તેનાં અમલ પરના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. આને કારણે હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સોમવારથી તેનો અમલ કરાશે તેમ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટીફની ગ્રિશમે જણાવ્યું હતું. ઈમિગ્રન્ટસ દ્વારા વર્ષોથી સરકારી યોજનાના લાભ લેવાને કારણે સરકારી તિજોરી પર કરોડો ડોલરનો બોજ પડતો હતો જે હવે બંધ થશે.

ટેક્સપેયર્સના પૈસા બચશે અને અમેરિકનોને જ સરકારી યોજનાના લાભ આપી શકાશે

નવા નિયમમાં અમલથી અમેરિકાના ટેક્સપેયર્સની પરસેવાની કરોડોની કમાણીની બચત થશે. સરકારને ટેક્સમાં મળેલી આવકનો વેડફાટ અટકશે. જેમને સરકારી યોજનાના લાભની જરૂર છે તેવા અમેરિકનોનાં કલ્યાણની યોગ્યતા જળવાશે. સરકારની નાણાકીય ખાધમાં ઘટાડો થશે. વિદેશમાંથી અમેરિકામાં આવનારા લોકો પોતાની કમાણીથી નાણાકીય રીતે સદ્ધર અને સ્વાવલંબી બને તેવા લોકોને જ ગ્રીનકાર્ડ આપવામાં આવશે. અમેરિકાના ટેક્સ પેયર્સના પૈસા પર નભતા અને અવલંબન રાખવાનું બંધ થશે.

૧૧ ટકા નોનસિટિઝન ભારતીયો દ્વારા સરકારી યોજનાના લાભ લેવાતા હતા

વર્ષ ૨૦૧૮ની માઈગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૬૧ ટકા નોનસિટિઝન બાંગ્લાદેશી પરિવારો, ૪૮ ટકા નોનસિટિઝન પાકિસ્તાની પરિવારો અને ૧૧ ટકા નોનસિટિઝન ભારતીય પરિવારો તે વખતે સરકારી યોજનાઓના લાભ લેતા હોવાનું જણાયું હતું. નવા નિયમથી સાઉથ એશિયન અમેરિકન સમુદાયને માઠી અસર થશે કારણ કે ૨૦૧૬માં ગ્રીનકોર્ડ મેળવનાર ૧૦ ટકા લોકો સાઉથ એશિયન દેશોના લોકો હતા.

ગ્રીનકાર્ડ મેળવનારાઓએ સાબિત કરવું પડશે કે તેઓ સરકારી યોજનાના લાભ લેતા નથી

વિદેશથી આવેલા ઈમિગ્રન્ટસ કે જેઓ ગ્રીનકોર્ડ મેળવવા ઇચ્છતા હોય તેમણે સાબિત કરવું પડશે કે તેઓ માન્ય રકમ કરતા વધુ પ્રમાણમાં કોઈ સરકારી યોજનાના લાભ લેતા નથી. પોતાનું ગુજરાન ચલાવવા તેઓ આર્થિક રીતે સક્ષમ છે અને તેટલી આવક ધરાવે છે. આવી ખાતરી આપનારને જ યુએસમાં વધુ સમય રહેવા કે પરમેનન્ટ રેસિડન્સી આપવા વિચારાશે.