CAAનાં વિરોધમાં આખો દેશ સળગાવવાનો પ્લાન છે ?

CAAનાં વિરોધમાં આખો દેશ સળગાવવાનો પ્લાન છે ?

તા. ૨૪ અને ૨૫મીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતની મુલાકાતે હતા. તે અરસામાં જ દિલ્હીમાં તોફાનો થયાં. ગુજરાતનાં ખંભાતમાં તોફાનો થયા. આ એક સંયોગ છે, પ્રયોગ છે કે પછી સોચી સમજી તોફાનો કરાવવાની રણનીતિ છે તે હવે પોલીસ અને સરકારને શોધવાનો વિષય છે.

દિલ્હીમાં શાહીનબાગની જેમ યમુનાપારના મુસ્લિમ વિસ્તાર જાફરાબાદમાં છેલ્લાં દોઢ મહિનાથી રસ્તાની બાજુ પર ફૂટપાથ પર તંબુ લગાવીને મહિલાઓ સિટીઝન એક્ટનાં વિરોધમાં દેખાવો કરવા બેઠી હતી. દિલ્હીનો જાફરાબાદ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં સિટીઝન એક્ટનાં વિરોધમાં લોકો ખૂબ ગુસ્સામાં છે. જો કે છેલ્લાં દોઢ મહિનાથી આ વિસ્તારમાં શાંતિથી ધરણાં ચાલતાં હતાં. શનિવારે જેવું અમેરિકાના પ્રેસિડેન્ટનું પ્લેન એરફોર્સ -૧ અમેરિકાથી ઊડાન ભરીને અમદાવાદ આવવા માટે રવાના થયું તેવું જ શનિવારે રાત્રે જાફરાબાદ વિસ્તારમાં દેખાવો કરનાર મહિલાઓએ ફૂટપાથ છોડીને રસ્તો જામ કરી દીધો. આના કારણે જાફરાબાદથી મૌજપુર અને સિલમપુર જવાના રસ્તા બંધ થઇ ગયા હતાં. એકતરફ દિલ્હીમાં મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આગમન થવાનું હતું એટલે દિલ્હી પોલીસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના બંદોબસ્તમાં વ્યસ્ત હતી. બરોબર આ ટાણેજ શનિવારના રાતની આ હલચલથી પોલીસ ચોંકી ગઇ. શનિવારે રાત્રે મોટાપ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત જાફરાબાદનાં રસ્તા પર ગોઠવી દીધો. રવિવારે સવારે પોલીસ અધિકારીઓએ દેખાવકારો સાથે વાતચીત કરીને મૌજપુરથી સિલમપુર જવાવાળો એક રસ્તો ખુલ્લો કરાવ્યો પરંતુ સિલમપુરથી મૌજપુર આવવાનો રસ્તો તો બંધ જ રહ્યો. તેના પરથી ઊઠવાની દેખાવકારોએ ના પાડી.

દિલ્હી ભાજપનાં નેતા કપિલ મિશ્રા શનિવાર અને રવિવાર સવારે જાફરાબાદમાં થયેલી આ હલચલથી વાકેફ હતાં. કપિલ મિશ્રાએ ૨૩ ફેબ્રુઆરી રવિવારની સવારે ટ્વિટ કર્યું, જાફરાબાદ મેં અબ સ્ટેજ બનાયા જા રહા હૈ, એક ર ઇલાકા જહાં અબ ભારત કા કાનૂન ચલના બંધ હોગા, સહી કહા થા મોદીજીને, શાહીનબાગ એક પ્રયોગ થા. એક એક કરકે સડકો, ગલીઓ, બાજારો, મહોલ્લે ખોને કે તૈયાર રહીયે, ચૂપ રહીયે, જબ તક આપકે દરવાજે તક ના આ જાયે, ચૂપ રહીયે.

સવારે કપિલ મિશ્રાએ આ પ્રકારનું ટ્વિટ કરીને બપોરે ૧:૨૨ મિનિટે ફરી ટ્વિટ કર્યું અને લોકોને લખ્યું કે, જાફરાબાદના જવાબમાં હવે આપણે પણ રસ્તા પર ઊતરવાનું જરૂરી થઇ ગયું છે. કપિલ મિશ્રાએ ૩:૦૦ વાગે મૌજપુર ચોક પર સિટીઝન એક્ટનાં સમર્થનમાં લોકોને બોલાવ્યાં. ૩:૦૦ વાગે કપિલ મિશ્રાના સેંકડો સમર્થકો મૌજપુર ચોક પર આવી ગયાં અને ત્યાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ભાજપના કપિલ મિશ્રાએ કહ્યંો કે, એ લોકો એવું જ ઇચ્છે કે દિલ્હીમાં આગ લાગેલી રહે. એ લોકો રસ્તા બંધ કર્યા અને તોફાનો જેવો માહોલ બનાવી રહ્યાં છે. અમારી તરફથી એકપણ પથ્થર ફેંકાયો નથી. ડીસીપી સાહેબ તમારા સહુની સામે ઊભા છે. હું તમારા સૌના વતી એક વાત કહું છું કે ટ્રમ્પ જાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું. પરંતુ ત્યારબાદ અમે તમારું પણ સાંભળીશું નહીં, જો જાફરાબાદનો રસ્તો ખાલી નહીં કરાવો તો. ટ્રમ્પ જાય ત્યાં સુધી જાફરાબાદ અને ચાંદબાગ ખાલી કરાવી દો એવી તમને વિનંતી કરીએ છે. ત્યારબાદ અમારે રોડ પર આવવું પડશે. ભારત માતા કી જય, વંદે માતરમ્. કપિલ મિશ્રાનું આ ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું અને ત્યાર પછી બપોરે ૪:૦૦ વાગ્યા બાદ મૌજપુર ચોકડી પર સિટીઝન એક્ટનાં સમર્થન માટે બેઠેલાં લોકો પર કબીરનગર તરફથી આવેલા ટોળાંએ પથ્થરબાજી શરૂ કરી. જોતજોતામાં તો મૌજપુર ત્રણ રસ્તા અને બાબરપુર બસ ટર્મિનલ પર એક મોટું ટોળું તલવારો અને પથ્થરો સાથે રસ્તા પર ઊતરી પડયું. ભીડ એટલી બધી હતી કે પોલીસ પણ લાચાર હતી. ૩૦ મિનિટ સુધી સતત પથ્થરમારો અને તોફાનો ચાલ્યાં. પોલીસે ટિયરગેસના ૧૦૦ સેલ છોડયાં, પરંતુ પથ્થરમારો ચાલુ જ રહ્યો.

૨૩મીને રવિવારે આ રીતે તોફાનોની શરૂઆત થઇ અને ૨૪મીએે સોમવાર પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં ભાષણ કરતાં હતાં ત્યારે જાફરાબાદ, ચાંદબાગ, કબીરનગર જેવા મુસ્લિમ વિસ્તારોમાં ટોળાં પર રસ્તા પર ઊતરી આવ્યાં અને ભયંકર તોફાનો ચાલુ થયાં. ભજનપુરા વિસ્તારમાં આવેલ એક પેટ્રોલપંપ સળગાવવામાં આવ્યો. ટોળાઓ તરફથી સરેઆમ ખાનગી ગોળીબાર શરૂ થયાં. કબીરનગર વિસ્તારમાં ઘરોની અગાશીઓ પરથી પથ્થરો અને કાચની બોટલો ફેંકવામાં આવી. પોલીસના બેરીકેટ અને રોડ ડિવાઇડર પણ તોડવામાં આવ્યાં. પોલીસના સંખ્યાબંધ જવાનો ઘાયલ થયાં. રતનલાલ નામના એક ૪૨ વર્ષના હેડકોન્સ્ટેબલના માથામાં એટલા જોરથી પથ્થર વાગ્યો કે તેમનું મોત નીપજ્યું. બ્રહ્મપુરીના ૫૩ વર્ષીય વિનોદ અને કરાલનગરના ૨૩ વર્ષના રાહુલ સોલંકીનું તોફાનીઓની ભીડ દ્વારા કરાયેલા ગોળીબારમાં મોત નિપજ્યું. પોલીસ સામે પથ્થર ચલાવનારા હવે પોલીસ સામે ગોળીબાર પણ કરતાં હતાં. ૨૪મીએ પોલીસ સામે ખુલ્લેઆમ ઊભા રહીને એક શખસ પિસ્તોલથી ગોળી ચલાવતો હતો. પોલીસે આ શખસને પકડયો છે તેનું નામ શાહરુખ છે. પોલીસે તેની પાસેથી પિસ્તોલ પણ કબજે કરી છે. સોમવાર સુધી ચાલેલા આ તોફાનોમાં ૭ લોકોનાં મોત નીપજ્યાં છે, ૧૫૦ લોકો ઇજાગ્રસ્ત છે જેમાં ૫૦ જેટલાં તો પોલીસવાળા છે. ડીસીપી અમિત શર્મા, એસીપી અનુજકુમાર જેવા અધિકારીઓ પણ પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયાં છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સવાલ એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનાં આગમન સાથે શરૂ થયેલાં આ તોફાનો શું દેશમાં સિટીઝન એક્ટનો વિરોધ કરનારાઓ દ્વારા એક સંદેશ છે કે જો સિટીઝન એક્ટ પાછો નહીં ખેંચાય તો દેશને તોફાનની ગર્તામાં ધકેલી દેવામાં આવશે ? ગુજરાતનાં ખંભાતમાં પણ તોફાનો બાદ એક મુસ્લિમ અગ્રણીનો ઓડિયો વાઇરલ થયો છે. તેમાં કહેવાઇ રહ્યું છે કે કોઇએ ખંભાત છોડવાનું નથી, આપણે સૌએ સામનો કરવાનો છે. સામનો કરતા ઇન્સાહલ્લાહ કુરબાન થઇ જવાય તો પણ વાંધો નથી, આપણે પીઠ બતાવવાની નથી. આ પ્રકારનો માહોલ દિલ્હી અને ખંભાતનો છે તે આગામી દિવસોમાં  દેશના બીજા વિસ્તારોમાં પણ ફેલાઇ શકે છે તેવી ઘણી બધી શક્યતાઓ છે.