અસમાનતા / દુનિયામાં દર 10માંથી 9 લોકો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, ભારતમાં આવું કરનારા 98 ટકા

અસમાનતા / દુનિયામાં દર 10માંથી 9 લોકો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, ભારતમાં આવું કરનારા 98 ટકા

  • યુએને મહિલાઓની સ્થિતિના આકલન માટે પહેલીવાર જેન્ડર સોશિયલ નોર્મ્સ ઈન્ડેક્સ બનાવ્યો
  • દુનિયાની 80 ટકા વસતીવાળા 75 દેશોના આધારે રિપોર્ટ

વોશિંગ્ટન: લૈંગિક સમાનતાના ક્ષેત્રમાં સુધારા છતાં આજે પણ આશરે 90 ટકા લોકો એવા છે જે મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે પૂર્વાગ્રહ રાખે છે. 28 લોકોએ તો પત્ની સાથે મારપીટને પણ યોગ્ય ઠેરવી હતી. તેમાં મહિલાઓ પણ છે. અડધાથી વધુ લોકો માને છે કે પુરુષ શ્રેષ્ઠ રાજનેતા હોય છે જોકે 40 ટકા અનુસાર પુરુષ શ્રેષ્ઠ બિઝનેસ એક્ઝિક્યુટિવ હોય છે એટલા માટે જ્યારે અર્થતંત્ર ધીમું હોય તો આ પ્રકારના કામ કે નોકરીઓ પુરુષોને જ મળવી જોઈએ. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(યુએનડીપી)એ પ્રથમ જેન્ડર સોશિયલ નોર્મ્સ ઈન્ડેક્સમાં કર્યો હતો. તેને દુનિયાની 80 ટકા વસતીવાળા 75 દેશોમાં હાથ ધરાયેલા અભ્યાસના આધારે તૈયાર કરાયો છે. જોકે 30 દેશોમાં મહિલાઓ પ્રત્યે વિચારધારા સુધરી છે.
UNના માનવ વિકાસના પ્રમુખ પેડ્રો કોન્સિકાઓએ કહ્યું કે સ્કૂલોમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ જેટલી થઈ ચૂકી છે. 1990 પછીથી માતૃત્વ સંબંધિત રોગથી મૃતકાંક પણ 45 ટકા ઘટ્યો છે તેમ છતાં લૈંગિક અસમાનતા યથાવત્ છે. ખાસ કરીને એવાં ક્ષેત્રોમાં જ્યાં તાકાત કે પાવર સંબંધિત પદો પર પડકાર મળતા હોય. એક જેવાં કામ માટે તેમને પુરુષોથી ઓછો પગાર મળે છે. વરિષ્ઠ પદો પર પહોંચવાની તક પણ ઓછી મળે છે. યુએનડીપીએ કહ્યું કે પુરુષ અને મહિલાઓ એક જ પ્રકારે મતદાન કરે છે, પણ દુનિયામાં ફક્ત 24 સંસદીય સીટ પર મહિલાઓ ચૂંટાઈ છે. 193માંથી ફક્ત 10 દેશોમાં સત્તા પ્રમુખ મહિલાઓ છે. પુરુષોની તુલનાએ તે વધારે કલાક કામ કરે છે ઘણું કામ એકસમાન હોય છે જેનું તેમને વળતર મળતું નથી.
ઘરેલુ કામમાં પગાર મળે તો ગત વર્ષે 774 લાખ કરોડની કમાણી કરી હોત
ઓક્સફેમ અનુસાર મહિલાઓને બાળકોની દેખરેખ, ખોરાક રાંધવા જેવા ઘરેલુ કામ માટે ન્યૂનતમ પગાર મળે તો તે ગત વર્ષે 774 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી હોત. આ ફોર્ચ્યૂન 500માં સામેલ દુનિયાની સૌથી મોટી 50 કંપીનઓની કમાણી જેટલું છે. તેમાં એપલ, વોલમાર્ટ, ગૂગલ જેવી કંપનીઓ પણ સામેલ છે.
આ દેશોમાં સૌથી વધુ ભેદભાવ

પાકિસ્તાન99.81%
કતાર99.33%
નાઇજિરિયા99.33%
મલેશિયા98.54%
ઈરાન98.54%
ભારત98.28%

30 દેશોમાં મહિલાઓ પ્રત્યે વિચાર બદલાયા છે. સૌથી ઓછો ભેદભાવ સ્વિડન(30%) નેધરલેન્ડ્સ (39%)માં થાય છે.