અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં કુદરતી ફૂલોમાંથી રંગ બનાવીને ધૂળેટી ઉજવાય છે, આ મંદિર 198 વર્ષ જૂનું છે

અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં કુદરતી ફૂલોમાંથી રંગ બનાવીને ધૂળેટી ઉજવાય છે, આ મંદિર 198 વર્ષ જૂનું છે

ગયા વર્ષે 10 હજાર લોકોએ અહીં હોળી રમી હતી અને 2000 કિલો ફૂલોમાંથી રંગ બનાવવામાં આવ્યો હતો

ધર્મ દર્શન ડેસ્ક- હોળી ઉમંગ અને ઉલ્લાસની સાથે ભાઈચારાની ભાવનાથી જીવનમાં રંગ વિખેરનાર તહેવાર છે. આખા દેશમાં હોળીને લઈને વિશેષ ઉત્સાહ રહેતો હોય છે. આ અવસરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોમાંથી રંગ બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી હોળી મનાવે છે.

રંગોનો વરસાદ કરાય છે:-

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ફૂલોના રંગોમાંથી હોળી રમવામાં આવે છે. મંદિરના પૂજારી લોકો પર એકસાથે રંગોનો વરસાદ કરે છે. ગયા વર્ષે અહીં 2020 કિલો ફૂલોમાંથી રંગ બનાવવામાં આવ્યો હતો અને ધૂળેટીના ઉત્સવમાં લગભગ 10,000 લોકો સામેલ થયા હતાં. આ વર્ષે પણ ધૂળેટીના દિવસે આવા જ ભવ્ય આયોજનની તૈયારી કરવામાં આવી છે. મંદિરના આંગણામાં ગુલાલ-અબીરની સાથે

જ નૃત્ય, ગીત અને સંગીતના રંગ પણ જોવા મળશે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું ધાર્મિક માહાત્મ્ય:-

અમદાવાદના કાલુપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર એ શ્રી નરનારાયણદેવ ગાદીનું વડુંમથક છે. અહીં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી નર અને નારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. બ્રિટિશકાળમાં નિર્મિત આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર છે.

ઐતિહાસિક માહાત્મ્ય:-

વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધાયેલું આ સૌપ્રથમ શિખરબંધ મંદિર છે, જેનો મેખ શુદ્ધ બર્મા-સાગનો છે અને તેની પર બેનમૂન નક્શીકામ કરાયેલું છે, જેમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વાર્તાઓ કંડારાયેલી છે.

સ્વયં ભગવાન સ્વામિનારાયણની અંગત વપરાશની ચીજવસ્તુઓની પ્રસાદી અક્ષર ભવનમાં સાચવીને રખાયેલી છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિને રંગ મહેલમાં પધરાવાયેલી છે, જે સ્થળે અમદાવાદની મુલાકાત દરમિયાન સ્વયં સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા. આ મંદિરના નિર્માણ માટે બ્રિટિશ શાસકોએ મહારાજશ્રીને 5000 એકર જમીન ભેટમાં આપી હતી.

અહીં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ મંદિરનું નિર્માણકાર્ય સંભાળ્યું હતું અને તેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ વિક્રમ સંવત 1878ના ફાગણ માસની સુદ ત્રીજ (સોમવાર, 24 ફેબ્રુઆરી, ઈ.સ. 1822)ના રોજ સ્વયં ભગવાન સ્વામિનારાયણે મંદિરમાં પોતાના હસ્તે ભગવાન નરનારાયણ દેવની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને પધરાવી હતી. તે દિવસે 50 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

નિર્માણ:-

ઈ.સ. 1822, નિર્માતાઃ ખુદ ભગવાન સ્વામિનારાયણ. અહીં નરનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા, ઘનશ્યામ મહારાજનાં મંદિર છે. આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર છે

આરતીનો સમય:-

સવારે 5.30 મંગળા,
સવારે 8.05 શણગાર,
સવારે 10.10 રાજભોગ,
સાંજે 7.00 સંધ્યા આરતી,
રાત્રે 8.30 શયન આરતી.

દર્શનનો સમય:-

સવારે 5:15થી બપોરે 12.00,
બપોરે 3.00થી રાત્રે 8.30.

મુખ્ય આકર્ષણો:-

શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મપિતા, શ્રી ભક્તિમાતાજી મંદિર. દર મહિનાની પૂનમ તથા અગિયારસે કાલુપુર ખાતે શ્રી નરનારાયણ દેવના દર્શનનો અનેરો મહિમા છે. દૂર-દૂરથી પૂનમ ભરવા હજારો ભક્તો આવતા હોય છે, તેમાં પણ કાર્તિકી પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમ નિમિત્તે હરિભક્તો માટે દર્શન-ભોજનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

મહિલાઓ માટે વિશેષ ખંડ:-

મંદિરમાં દરેક સ્તંભમાં લાકડાનું નક્શીકામ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે સ્વયં સ્વામિનારાયણજીએ શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ અહીં સ્થાપિત કરી હતી, તેમાં હનુમાનજી અને ગણેશજીની વિશાળ અને ખૂબ જ સુંદર મૂર્તિઓ પ્રવેશ કરતાંની સાથે જ ડાબી અને જમણી બાજુ જોવા મળે છે. તેની સાથે જ અહીં નજીકમાં હવેલીમાં મહિલાઓ માટે એક વિશેષ ખંડ છે અને એક એવું ક્ષેત્ર છે જ્યાં માત્ર મહિલાઓ માટે જ સમારંભ અને શિક્ષણસત્રનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં પાંચવાર પૂજા થાય છે અને પાંચવાર ભગવાનના વસ્ત્ર બદલવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું:-

રેલમાર્ગેઃ મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન એક કિમી જ દૂર છે, જે દેશના મુખ્ય રેલમાર્ગો સાથે જોડાયેલું છે.

સડકમાર્ગઃ- અમદાવાદ શહેર મુંબઈ-દિલ્હી-જયપુર સહિત રાજકોટ-કચ્છના માર્ગો સાથે જોડાયેલું છે.

હવાઈમાર્ગેઃ આ મંદિરથી એરપોર્ટ 10 કિમી દૂર છે, જ્યાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરફ્લાઈટની સુવિધા ઉપલબ્ઘ છે.