અમેરિકામાં 14 લાખ ભારતીયો નિર્ણાયક, 2016માં 84%એ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું

અમેરિકામાં 14 લાખ ભારતીયો નિર્ણાયક, 2016માં 84%એ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું હતું

ભારતવંશીઓને આકર્ષવા પહેલી વાર રિપબ્લિકનનું એડ કેમ્પેન

ન્યૂયોર્કથી ભાસ્કર માટે મોહમ્મદ અલી: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય મૂળના અમેરિકી મતદારોને પોતાની તરફેણમાં લાવવા સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભારતના પ્રવાસથી પાછા ફર્યાના તાત્કાલિક પછી ટ્રમ્પે તેમને પ્રભાવિત કરવા માટે 3 ડિજિટલ એડ લોન્ચ કરવાની યોજના બનાવી. આ જાહેરાત બુધવારે ફેસબુક, યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ કરાશે. અમેરિકામાં આવું પહેલી વાર થઇ રહ્યું કે રિપબ્લિકન રાષ્ટ્રપતિની ચૂંટણી કેમ્પેનમાં ભારતીય સમુદાયના લોકો માટે એડ કેમ્પેન ચલાવશે. તેનું કારણ એ છે કે ચૂંટણીમાં 14 લાખ ભારતીય મૂળના અમેરિકીઓ નિર્ણાયક સાબિત થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે 2016ની ચૂંટણીમાં 84 ટકા ભારતીય અમેરિકીઓએ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યુ હતું
22 ભારતવંશીઓને તંત્રમાં સ્થાન, અત્યાર સુધી સૌથી મોટું બિન-અમેરિકી જૂથ
રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ સતત ભારતવંશીઓમાં શાખ જમાવી રહ્યા છે. તે તંત્રમાં 22 ભારતવંશીઓને સામેલ કરી ચૂક્યા છે. આ કોઈ પણ પ્રવાસી સમૂહનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ છે. તેમાં નિક્કી હેલી યુએનમાં અમેરિકી રાજદૂત, સીમા વર્માને મેડિકેર અને મેડિકેટેડ સર્વિસના મેનેજર બનાવ્યાં. રાજ શાહ વ્હાઈટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટર છે, અજિત પાઇ ફેડરલ કમ્યુનિકેશન કમિશનના ચેરમેન છે.
ભારતવંશીઓ પર આટલું ધ્યાન આપવાનાં 3 કારણ

  • 14 લાખ રજિસ્ટર્ડ વોટર, સૌથી વધુ મતદાન ટકાવારી. એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર્સ ડેટા મુજબ 2016ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 12 લાખ ભારતવંશી રજિસ્ટર્ડ વોટર હતા. આ વખતે 14 લાખ હોવાની આશા છે. ગત વખતે પ્રવાસીઓમાં સૌથી વધુ 62% મતદાન ભારતવંશીઓનું હતું.
  • 2016ની ચૂંટણીમાં 84 ટકા ભારતીયોએ ટ્રમ્પનો વિરોધ કર્યો હતો. 62 ટકા ભારતવંશી ખુદને ડેમોક્રેટિક ગણાવે છે. 2016ની ચૂંટણીમાં 80 ટકાથી વધુ ભારતીયોએ ટ્રમ્પના હરીફ હિલેરીને વોટ આપ્યા હતા.
  • હાલ અમેરિકામાં 5 ભારતીય અમેરિકી સાંસદ છે. તે બધા ડેમોક્રેટિક છે. તેમાં રો ખન્ના (કેલિફોર્નિયા), પ્રમિલા (વોશિંગ્ટન), રાજા કૃષ્ણમૂર્તિ(ઈલિનોઈસ), તુલસી ગેબાર્ડ (હવાઈ) અને કમલા હેરિસ (કેલિફોર્નિયા) સામેલ છે.

જાહેરાત કેમ્પેનમાં ટ્રમ્પ, મેલેનિયા અને તાજમહલ

  • ટ્રમ્પ પહેલી જાહેરાતમાં મેલેનિયા સાથે તાજમહલ સામે દેખાય છે. તે કહે છે કે ભારતીય બિઝનેસ અને ઈનોવેશન અને ટેક્નોલોજીની દુનિયામાં માસ્ટર છે. હું તમારે માટે હંમેશા સંઘર્ષ કરતો રહીશ.
  • બીજી જાહેરાતમાં ટ્રમ્પ મોદી સાથે છે. તેમાં કહે છે કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા ભારત સાથે મજબૂત ભાગીદારીની ઈચ્છા ધરાવે છે.

ઈવાન્કાની ટિ્વટર ડિપ્લોમસી
ભારતમાં બનેલા મિમ્સ પર ઇવાન્કાએ યોગ્ય જવાબ આપ્યા. સિંગર દોસાંજે ઈવાન્કાની તાજમહલ મુલાકાતની તસવીરમાં ખુદને ઇવાન્કા સાથે બતાવ્યો હતો. ઈવાન્કાએ લખ્યું કે આભાર, મને શાનદાર તાજમહલ બતાવવા માટે. આ અનુભવ હું ક્યારેય નહીં ભૂલું. હું ભારતીયોના ઉષ્માભર્યા સ્વાગતની પ્રશંસા કરું છું. મેં અનેક નવા મિત્રો બનાવ્યા.
ભારતીયોનું ટ્રમ્પની તરફ આકર્ષણ મુશ્કેલ
ન્યૂજર્સીની ડ્રૂ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન્સ વિભાગમાં પ્રોફેસર સંગેય મિશ્રાના જણાવ્યા અનુસાર 1990ના દાયકામાં ભારતવંશી ક્રમશ: ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનને 60:40 પ્રમાણમાં સમર્થન આપતા રહ્યાં પણ 9/11ના હુમલા પછી અમેરિકામાં પ્રવાસી સમુદાય વિરુદ્ધ હુમલા વધી ગયા. રિપબ્લિકન પાર્ટીએ ખુદને ખ્રિસ્તી ધર્મનું પ્રચાર કરનાર અને અપ્રવાસીઓ પ્રત્યે ઘૃણા રાખતાં સમૂહ સાથે સાંકળી લીધી. ભારતીયોમાં રિપબ્લિકન પાર્ટી તરફ નમતું વલણ જોવા મળ્યું. 2016માં તો 20 ટકાથી ઓછા ભારતીયોએ જ રિપબ્લિકન પાર્ટીનું સમર્થન કર્યુ. આ કારણે જ રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે પ્રચારમાં અપ્રવાસીઓ વિરુદ્ધ કડક નીતિ બનાવવાની વાત મજબૂત રીતે ઉઠાવી હતી.
હાલ તો મોટા પાયે ટ્રમ્પને સમર્થન મળવું સંભવ નથી દેખાતું કેમ કે ઈમિગ્રેશન પર ટ્રમ્પની નીતિઓએ ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ ભારતીય અમેરિકીઓનાં હિતોને આંચકો પહોંચાડ્યો છે. તેમણે એચ-1બી વિઝાની સંખ્યા મયાર્દિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયની આકરી ટીકા કરી છે. ઉપરાંત ટ્રમ્પ સરકારે એચ-1બી વિઝા મેળવનારાના જીવનસાથીની વર્ક પરમિટને રદ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે એવું પણ થઈ શકે કે કેટલાક ભારતવંશી ટ્રમ્પ- મોદી સાથેના સંબંધોના દૃષ્ટિકોણથી જુએ.