કોરોનાની દહેશત, ટ્રમ્પથી લઇને પ્રિન્સ ચાર્લ્સ સુધીનાં દુનિયાભરનાં નેતાઓએ કર્યું ‘નમસ્તે’

કોરોનાની દહેશત, ટ્રમ્પથી લઇને પ્રિન્સ ચાર્લ્સ સુધીનાં દુનિયાભરનાં નેતાઓએ કર્યું ‘નમસ્તે’

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખૌફ એટલો વધ્યો છે કે મોટા મોટા નેતાઓ હવે હાથ મિલાવવાની જગ્યાએ ભારતીય સંસ્કૃતિનો સહારો લઇને એકબીજાને નમસ્તે કરી રહ્યા છે. આનું ઉદાહરણ હાલમાં જ ત્યારે જોવા મળ્યું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને પ્રિંસ ચાર્લ્સ સુધી આવું કરતા જોવા મળ્યા. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયરલેન્ડના વડાપ્રધાન લિયોવરાડકર સાથે હાથ મિલાવવાની જગ્યાએ તેમને નમસ્તે કરીને અભિવાદન કર્યું.

ટ્રમ્પે પણ હાથ જોડીને નમસ્તે કર્યા

પશ્ચિમ દેશોમાં હાથ મિલાવીને અભિવાદન કરવામાં આવે છે, પરંતુ કોરોના જેવી મહામારીથી બચવા માટે હવે ત્યાંના લોકોએ પણ હાથ મિલાવવાનું બંધ કરી દીધુ છે. ત્યાં હાજર ભારતીય મૂળનાં વરાડકરે હાથ જોડીને નમસ્તે કર્યા અને પત્રકારોને બતાવ્યું કે તેમણે કેવી રીતે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું. ત્યારબાદ ટ્રમ્પે પણ હાથ જોડીને નમસ્તે કર્યા. મીડિયાએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે તમે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કેમ કર્યું? તો તેમણે પોતાની ગત મહિનાની ભારત યાત્રાની યાદ અપાવતા કહ્યું કે, “હું હાલમાં જ ભારતથી પાછો આવ્યો છું અને મેં ત્યાં કોઈની પણ સાથે હાથ મિલાવ્યાં નથી. નમસ્તે કરવું ખુબ સરળ હોય છે. તમે પણ નમસ્તે કરવાનું પસંદ કરશો. ભારતનાં લોકો આ મામલે ઘણા આગળ છે.”

ઈઝરાયલનાં વડાપ્રધાન નેતન્યાહૂએ પણ નમસ્તે કરવાનું કહ્યું

ઈઝરાયલનાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ફ્રાન્સનાં વડાપ્રધાન ઈમેનુએલ મેક્રોન, અને બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ પણ નમસ્તે કરતા જોવા મળ્યા. ઈઝરાયલનાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ નમસ્તેનાં વખાણ કરતા કહ્યું હતું કે, “હાથ મિલાવવાનું બંધ કરો. તેની જગ્યાએ તમે ભારતીય સંસ્કૃતિનું નમસ્તે પણ કરી શકો છે કે પછી શલોમ કરી શકો છે કે પછી બીજુ ગમે તે કરો પરંતુ હાથ ન મિલાવો.” ઈઝરાયેલમાં અભિવાદન માટે શલોમ કરે છે.

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ પણ નમસ્તે કરતા જોવા મળ્યા. 11 માર્ચનાં લંડનમાં તેમણે નમસ્તેથી લોકોનું અભિવાદન કર્યું. આ પહેલા અભિનેતા સલમાન ખાને પણ પોતાના ફેન્સને કોરોના વાયરસનાં કારણે નમસ્તે કરવાની સલાહ આપી હતી.