ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, 30 દિવસમાં જ કોરોનાને કાબૂ કરી લેવાનો કર્યો દાવો

ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, 30 દિવસમાં જ કોરોનાને કાબૂ કરી લેવાનો કર્યો દાવો

ચીનનાં વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયેલો કોરોના વાયરસ દરરોજ હજારો લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થઈને મરનારાઓની સંખ્યા રોજ વધતી જઇ રહી છે. આવામાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ વાયરસનાં ખાત્મા માટે વેક્સિનની શોધમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો છે, જેણે કોવિડ-19ના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી લીધી છે.

ભારતમાં જ કોરોના વાયરસના 84 કેસની પુષ્ટિ

ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી ચુક્યા છે. મહત્વનું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 5 હજારથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 1.35 લાખથી વધુ લોકો તેનાથી ચેપગ્રસ્ત છે. માત્ર ભારતમાં જ કોરોના વાયરસના 84 કેસની પુષ્ટિ થઈ ચુકી છે અને અત્યાર સુધી 2 લોકોનાં મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરનાં વૈજ્ઞાનિક રમન ગંગાખેડકર જણાવે છે કે, “કોરોના વાયરસ સરળતાથી આઇસોલેશનમાં આવતો નથી. તેવામાં તેને આઇસોલેટ કરવામાં જીત મેળવવી મોટી સફળતા છે.”

દવા બનાવવી અને તેનું ટેસ્ટિંગ કરવું સરળ થઈ જશે

તેમણે કહ્યું કે, “તેના કારણે દવા બનાવવી અને તેનું ટેસ્ટિંગ કરવું સરળ થઈ જશે, કારણ કે દરેક દવાનાં ટેસ્ટિંગ માટે તેના વિષાણુની જરૂર હોય છે, જેની વિરુદ્ધ દવા બનાવવામાં આવે છે.” જો સરળ ભાષામાં સમજો તો હવે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસનાં સેમ્પલને માનવ શરીરની બહાર રાખવામાં સફળતા મળી ચુકી છે. આઈસીએમઆરનાં જ ડોક્ટર બલરામ ભાર્ગવ કહે છે કે, “આ મોટી સફળતા છે, કારણ કે તેનાથી દવા, વેક્સિન અને ટેસ્ટિંગ કિટ બનાવવામાં મદદ મળશે.” તેમણે કહ્યું કે, “જો બધું જ નિયંત્રણમાં રહ્યું તો 30 દિવસની અંદર જ આપણે કોરોના વાયરસ પર કાબૂ મેળવી લેશું.”

કોરોના વાયરસની રસી હજુ સુધી બની નથી

તેમણે કહ્યું કે, “કોરોના વાયરસનું આઇસોલેશન મુશ્કેલ હતું, કારણ કે ભારતમાં કોરોનાથી ચેપી લોકોની સંખ્યા ખુબ ઓછી છે.” આઈસીએમઆરના નિષ્ણાંત જણાવે છે કે, “કોરોના વાયરસનાં આઇસોલેશનથી તે પણ માહિતી મેળવવી સરળ થઈ જશે કે તે ઉત્પન્ન કઈ રીતે થયો અને તેની બાયોલોજી પણ સમજી શકાશે.” મહત્વનું છે કે અત્યાર સુધી કોરોના વાયરસની કોઈ સારવાર નથી, ન તો તેની કોઈ રસી અત્યાર સુધી બની છે. એઇડ્સની સારવારમાં એચઆઈવી વિરુદ્ધ ઉપયોગ થતી lopinavir અને ritonavirનો ઉપયોગ કોવિડ-19નાં તમામ દર્દીઓ પર કરવામાં આવ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનાથી કેટલો ફાયદો થયો, તે હજુ કહી શકાય નહીં.

6,500 નમૂનાઓની તપાસ થઈ ચુકી છે

અત્યાર સુધી કોરોના વાયરસની તપાસ માટે દેશભરમાં 65 લેબ કામ કરી રહી છે. એક પ્રયોગશાળાની ક્ષમતા 90 નમૂનાઓની તપાસ કરવાની છે. અત્યાર સુધી 5,900 લોકોનાં 6,500 નમૂનાઓની તપાસ થઈ ચુકી છે. દુનિયાભરમાં અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં આવીને 5,438 લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે 1,45,858 લોકો સંક્રમિત છે.