એક્ઝામમાં પેપર બગડ્યું હોય તો માત્ર વિષય જણાવો, પાસ કરવાની ગેરન્ટી આપી આ બાબા સિઝનમાં રૂ. 25 લાખ કમાય છે

એક્ઝામમાં પેપર બગડ્યું હોય તો માત્ર વિષય જણાવો, પાસ કરવાની ગેરન્ટી આપી આ બાબા સિઝનમાં રૂ. 25 લાખ કમાય છે

  • રાજ્યનાં મોટાં શહેરોમાં ઢોંગી બાબાઓ સક્રિય, ભાસ્કરના રિપોર્ટરે વિદ્યાર્થીના ભાઈ બનીને સુરતમાં શોધ્યા 5 બાબા
  • પાસ કરાવી આપવા 50 હજાર વસૂલે છે, 50 ગ્રાહકની યાદી મળી, રિઝલ્ટ સુધી ગોરખધંધા ચાલે છે
  • એક્ઝામ બાબાના સકંજામાં અંધવિશ્વાસુ પરીક્ષાર્થી
  • પાખંડ: બાબાએ કહ્યું, વિધિ માટે મારે આબુ-અંબાજી જવું પડશે. ત્યાં 6 તાંત્રિકોની સાથે વિદ્યાર્થીનો ફોટો રાખીને તંત્ર વિધિ થશે.
  • સુરતના બાબાએ કહ્યું- એક વિષયના 11 હજાર લઉં છું, તમારી પાસે માત્ર 8 હજાર જ માગ્યા છે
  • બેનર-જાહેરાત-મેસેજ દ્વારા પ્રચાર, કોઈ એકવાર આવે એટલે ફસાવી દેવાની પૂરી વ્યવસ્થા છે

અનુપ મિશ્રા, સુરતઃ રાજ્યના વિવિધ શહેરોમાં બોર્ડની એક્ઝામમાં પાસ કરાવી આપવાની ગેરન્ટી આપીને ઢોંગી બાબાઓ તંત્ર વિદ્યાના નામે લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી લે છે. ભાસ્કરના રિપોર્ટરે વિદ્યાર્થીના ભાઈ બનીને એકલા સુરત શહેરમાં આવા 5 બાબાઓનો સંપર્ક સાધ્યો ત્યારે તેમના દાવા જાણીને અમે ચોંકી ગયા હતા. આ બાબાઓ તેમની શરતો પૂરી કરવામાં આવે તો પરીક્ષા પાસ કરાવવાની ગેરન્ટી આપે છે. આ બાબાઓ પ્રત્યેક વિષયમાં પાસ કરાવવા માટે જે તંત્ર-વિદ્યા કરવી પડે તેમાં એક-એક ગ્રામ કસ્તુરી જરૂરી હોવાનું જણાવે છે. અને આ કસ્તુરી માટે રૂપિયા વસુલે છે. કસ્તુરી માટે પ્રતિ ગ્રામ આઠ-આઠ હજાર રૂપિયા વસુલવામાં આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને હરિયાણાથી આવતા આ બાબાઓ પોતે ધોરણ 7થી 12 સુધી ભણેલા હોય છે. તેઓ કામચલાઉ હાટડી ઉભી કરીને માર્ચના અંત સુધી રહે છે તથા ઠગી લીધા બાદ જગ્યા બદલે છે. ઘણા કેસમાં પરીક્ષામાં પાસ કરાવવાના નામે 50 હજારથી એક લાખ રૂપિયા પડાવી લેવાઈ છે. ભાસ્કરને બતાવવામાં આવેલી 50 ગ્રાહકની યાદી સાચી માનવામાં આવે તો એક બાબા એક સિઝનમાં 25 લાખ રૂપિયા સુધી કમાઈ લે છે.

20 વર્ષથી આ કામ કરતા હોવાનો દાવો
અમે અડાજણમાં એક ફ્લેટમાં રોકાયેલા બાબાનો સંપર્ક કર્યો હતો. પોતાનું નામ ગોવિંદરાવ દુર્ગાપ્રસાદ જોશી હોવાનો દાવો કરનાર આ બાબાએ પોતે 20 વર્ષથી આ કામ કરતા હોવાનું કહ્યું હતું. ફ્લેટમાં ઘણા દેવી-દેવતાઓના ફોટો, તંત્ર-મંત્રને લગતી ચીજવસ્તુઓ પડી હતી. તેમણે કહ્યું કે જો મારી વાત માનશો તો તમને ગમતા વિષયમાં મનપસંદ માર્ક્સ મળી જશે. સોમવારે બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે બાબાએ વિધિ સમજાવવા માટે અમને બોલાવ્યા. તેમણે પોતાના તંત્ર-મંત્ર અને સાધનાના રૂમમાં આ વાત કરી હતી….

રિપોર્ટર: બાબા મારા ભાઈને 10મા ધોરણમાં પાસ કરાવવો છે એટલે તમારી પાસે આવ્યો છું.
બાબા: હા, થઈ જશે. વિધિ અને સાધના કરાવવી પડશે. કેટલા વિષયમાં પાસ થવું છે?
રિપોર્ટર: 6 વિષયમાં પાસ કરાવવો છે. સૌથી સારા માર્ક્સ આવવા જોઈએ.
બાબા: એક વિષય માટે 1 ગ્રામ કસ્તુરી જોઈશે. એક ગ્રામ કસ્તુરીનો ભાવ 8 હજાર એટલે કુલ 48 હજાર રૂપિયા થશે.
ફેરવી તોળ્યું: બાબાએ ફોન પર વાતચીત દરમ્યાન કહ્યું કે તમારે કસ્તુરી લાવવાની છે. પણ જ્યારે મળ્યા ત્યારે તેમણે ફેરવી તોળ્યું હતું. તેણે કહ્યું કે તમને ખબર નહીં પડે એટલે કસ્તુરી હું લાવીશ. તમે માત્ર પૈસા ચૂકવી દો.
ભાવતાલ કર્યો: બાબાએ કહ્યું કે મારી પાસે એક વિષય માટે 11 હજાર રૂપિયા સુધી ચૂકવી દેનારા આવે છે. પણ હું તમારી સ્થિતિ જોઈને વાત કરું છું. તમે જો થોડા પૈસા લાવ્યા હોય તો આપી દો. બાકીના પૈસા મારા ખાતામાં નાખી દો.

ફસાવવાની પદ્ધતિઃ એવો દાવો કર્યો કે કોઈ પણ વિદ્યાર્થી ક્યાંયથી પણ બેસીને પરીક્ષા પાસ કરી શકે છે. અમને 100થી વધારે બાળકોના ફોટો અને તેમના સ્વજનોનો રેકોર્ડ દર્શાવ્યો હતો જેમને પરીક્ષા પાસ કરાવી હતી. સ્વજનોમાં બેન્ક મેનેજર, પોલીસ અને વેપારીઓ પણ સામેલ છે.

એડવાન્સ બુકિંગ: બાબાએ કહ્યું કે તેણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત બધા શહેરોમાં વિદ્યાર્થીને પાસ કરાવી ચૂક્યાં છે. લખનઉ અને ભોપાલથી પણ લોકો સંપર્ક કરે છે. તેણે રિપોર્ટરને ત્રણ ખાતા નંબર આપીને એડવાન્સ પૈસા માગ્યા.

નોકરીની ગેરન્ટીઃ નોકરી અને કોલેજમાં 100 ટકા એડમિશનની ખાતરી. કહ્યું, બૉસને વશમાં કરી લઈએ છીએ. ઘણા બાળકોને એન્જિનિયર, ડૉક્ટર બનાવ્યા. દાવો કર્યો કે 3 હજાર રૂપિયાનું તિલક કરવાથી પરીક્ષક જાતે જ ઉત્તર જણાવી દેશે.

વિવિધ શહેરોમાં ગોરખધંધા: રાજસ્થાનના કોટા, જયપુર, મધ્ય પ્રદેશના જબલપુર, ભોપાલ, ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરામાં બાબાની શાખાઓ