વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા

વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા

। વોશિંગ્ટન ।

કોરોના સામે અદૃશ્ય લડાઇ લડી રહેલા વિશ્વ માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે એવા રસાયણની ઓળખ કરી લીધી છે કે જે કોરોના વાઇરસનો ફેલાવો રોકી શકે. તે રસાયણની ઓળખ થઇ ગયા પછી કોરોનાની રસી તૈયાર કરવાનો માર્ગ મોકળો થઇ શકે છે. કોરોનાએ વિશ્વભરના વિજ્ઞાનીઓ સામે એવો પડકાર મૂક્યો છે કે જેનું સમાધાન હજી મળ્યું નથી તે બાબતનું સમાધાન શોધવાનું છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના આજે લગભગ વિશ્વના તમામ ખૂણે પહોંચી ચૂક્યો છે. આ વાઇરસનો વધી રહેલો પ્રસાર વિશ્વ સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ IMBના સુપર કમ્પ્યૂટર સમિટે એવા રસાયણની ઓળખ કરી લીધી છે.

કોરોનાનાં આ લક્ષણોથી વિજ્ઞાનીઓની ચિંતા વધી  

કોરોના વાઇરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂક્યો છે. લોકોને જુદા જુદા પ્રકારની સાવધાનીઓ રાખવા કહેવામાં આવ્યું છે. તેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ છે. જર્મનીની જાહેર આરોગ્ય એજન્સીનું કહેવું છે કે આ સંકટ બે વર્ષ સુધી રહી શકે છે. જર્મનીમાં કોરોના વાઇરસના ૭૦૦૦ કેસ સામે આવ્યા છે અને ૪૪ના મૃત્યુ થયા હતા. ગળામાં ખારાશ, સૂકી ખાંસી અને માંસપેશીઓમાં દર્દ તેનાં લક્ષણ છે. પરંતુ હવે કેટલાક નવા લક્ષણ પણ સામે આવી રહ્યાં છે. નવાં લક્ષણોના અહેવાલોએ વિજ્ઞાનીઓને ચિંતામાં નાખી દીધા છે. વાઇરસને કારણે દર્દીઓની સૂંઘવાની અને સ્વાદ ક્ષમતા પણ ખરાબ થઇ ચૂકી છે.