નિર્મલાએ કહ્યું- 3 મહિના સુધી કોઈ પણ ATM માંથી પૈસા કાઢવાનો ચાર્જ નહીં – ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પણ જરૂરી નહીં

નિર્મલાએ કહ્યું- 3 મહિના સુધી કોઈ પણ ATM માંથી પૈસા કાઢવાનો ચાર્જ નહીં – ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પણ જરૂરી નહીં

  • TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યું છે
  • નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે
  • નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- સંકટમાં ઘેરાયેલા ઉદ્યોગો માટે રાહત પેકેજ પર કામ ચાલુ, ઝડપથી જાહેરાત કરાશે

નવી દિલ્હી: દેશ કોરોનાવાઈરસના સંક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન સરકારે મંગળવારે આમ આદમીને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે હાલની સ્થિતિ પર ચર્ચા બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે રાહત પેકેજની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. આમ આદમી માટે રાહતના સમાચાર આપતા નાણાં મંત્રીએ જણાવ્યું કે અગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ આપવો પડશે નહિ. આ સિવાય બેન્કોના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની શરતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સીતારમણે કહ્યું કે ITR ફાઈલ કરવા અને પાન-આધાર લીન્ક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

રાહત માટે સરકારની જાહેરાત

  • TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યું છે
  • નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી છે.
  • વિવાદથી વિશ્વાસ સ્કીમની મુદત પણ 30 જૂન સુધી લંબાવાઈ છે. આધાર અને પાન લીન્ક કરવાની તારીખને પણ વધારવામાં આવી છે.
  • 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાળી કંપનીઓને લેટ જીએસટી ફાઈલ કરવા પર કોઈ વ્યાજ, પેનલ્ટી અને લેટ ફી લાગશે નહિ. માર્ચ-એપ્રિલ-મેમાં ફાઈલિંગની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી.
  • એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરનારાઓને પણ રાહત, કસ્ટમ ક્લિયરન્સ હવે 30 જૂન સુધી જરૂરી સેવાઓમાં સામેલ. 24 કલાક કામ કરીશું.
  • આ વર્ષે કંપનીઓના ડાયરેક્ટરોને 182 દિવસ દેશમાં રહેવાની અનિવાર્યતામાંથી રાહત આપવામાં આવી છે.
  • એક કરોડથી ઓછાનો કારોબાર કરનારી કંપનીઓની વિરુદ્ધ દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સંક્રમણના કારણે મંદી તરફ અર્થવ્યવસ્થા

કોરોનાવાઈરસ ફેલાતા પહેલા જ દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તી હતી, જોકે હવે કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે તે મંદી તરફ જશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ઘણા રાજ્યોમાં કર્ફ્યુ અને લગભગ સમગ્ર દેશમાં લોકડાઉન જેવી હાલતે ઈન્ડસ્ટ્રીયલ ગતિવિધિઓને ઠપ કરી દીધી છે.

ટ્વિટ કરીને નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફોરન્સની માહિતી આપી

કોરોનાવાઈરસ ફેલાવવાના કારણે થતા નુકસાનની ભરપાઈ રોકવા માટે સરકાર એક આર્થિક પેકેજ લાવવાની યોજના બનાવી રહી છે. નાણં મંત્રીએ એક ટ્વીટમાં પેકજ તરફ સંકેત આપ્યો હતો. નાણાંમંત્રીએ કહ્યું વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા તે નિયમો પર પ્રેસ કોન્ફોરન્સ કરશે. કોરોનાવાઈરસ ફેલાતા પહેલા દેશની અર્થવ્યવસ્થા સુસ્તીમાં જઈ ચુકી હતી. કોવિડ 19 ફેલાયા બાદ અર્થવ્યવસ્થાની સામે મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. નાણાં મંત્રાલય અને આરબીઆઈ લિક્વિડિટી વધારવા માટે ઘણાં પગલાઓ ભરી રહ્યાં છે. સંક્રમણ વધવાને કારણે દેશના લગભગ તમામ રાજ્યોમાં લોક ડાઉન લાગી ચુક્યુ છે અને કેટલાક રાજ્યોમાં કર્ફ્યુ પણ લાગ્યો છે. આ કારણે ઈન્ડસ્ટ્રીની ઉપર ખરાબ અસર પડી રહી છે.