કોરોનાનો કહેર આવી રીતે જ પ્રસરતો રહ્યો તો દેશમાં વિદેશી હુંડિયામણ થઇ જશે તળિયાઝાટક

કોરોનાનો કહેર આવી રીતે જ પ્રસરતો રહ્યો તો દેશમાં વિદેશી હુંડિયામણ થઇ જશે તળિયાઝાટક

કોરોના વાઇરસને કારણે ભારત સહિત અનેક ઇકોનોમી ઉપર ફટકો પડી રહ્યો છે. આ વાઇરસને કારણે ભારતના વિદેશી હૂંડિયામણમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ 20 માર્ચે પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી હૂંડિયામણમાં 11.98 અબજ ડોલરનો ભારે ફટકો પડયો છે. આ ઘટાડા સાથે દેશનું વિદેશી હૂંડિયામણ હવે 469.909 અબજ ડોલરે પહોંચી ગયું છે.

વિદેશી હૂંડિયામણમાં 2008 પછી આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા છ મહિનામાં પહેલી વખત વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો થયો છે. આ પહેલાં 20 સપ્ટેમ્બર 2019ના પૂરા થતા અઠવાડિયે વિદેશી હૂંડિયામણમાં ઘટાડો નોંધાયો હતો. એ વખતે વિદેશી હૂંડિયામણમાં 38.8 કરોડ ડોલર ઘટીને 428.58 અબજ ડોલરે પહોંચી ગયું હતું. યાદ રહે કે ગઈ 6 માર્ચે પૂરા થતા અઠવાડિયામાં દેશનું વિદેશી હૂંડિયામણ 5.69 અબજ ડોલર વધીને 487.23 અબડ ડોલરે પહોંચ્યું હતું, જે વિક્રમસર્જક ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

શું છે કારણ ?

વાસ્તવમાં ઝડપથી ફેલાતા કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં જે અનિશ્ચિતતા ફેલાયેલી છે, તેને કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે અને એ સંજોગોમાં તેઓ પોતાની મૂડી પાછી ખેંચતા હોય એ આંકડો વધી રહ્યો છે. એ કારણથી ૨૩ માર્ચે રૂપિયાનું મૂલ્ય ડોલર સામે 76.15 રૂપિયાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું હતું. જો કે કોરોના વાઇરસના આર્થિક અસરને ઓછી કરવા માટે સરકાર તમામ પગલાં ભરી રહી છે, એ સંજોગોમાં શુક્રવારે ડોલરની સરખામણીએ રૂપિયો 27 પૈસા મજબૂત થયો હતો અને તેનું મૂલ્ય પ્રતિ ડોલર 74.89 થયું હતું.

વિદેશી હૂંડિયામણ ઓછું થવાના સૂચિતાર્થ

વિદેશી હૂંડિયામણ ઘટવાનું સૌથી મોટું નુકસાન દેશની ઇકોનોમીને થશે. વાસ્તવમાં વિદેશી હૂંડિયામણ ભંડાર કોઈ પણ દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા રખાયેલા નાણાં કે અન્ય પરિસંપત્તિઓ પર આધારિત હોય છે, જેથી જરૂર પડયેથી તે પોતાના લેણાં ચૂકવી શકે.આ ભંડોળ એક કે તેથી વધુ વિદેશી ચલણમાં રખાય છે. સામાન્ય રીતે ભંડોળ ડોલર કે યુરોમાં રખાય છે. યાદ રહે કે આરબીઆઇ સાપ્તાહિક આધાર પર તેના આંકડા રજૂ કરે છે.