ન્યૂયોર્કમાં યુદ્ધ જેવી સ્થિતિ, રોજ નજર સામે લોકો મોતને ભેટે છે, લોકો  વસિયત લખવા માંડ્યા

ન્યૂયોર્કમાં યુદ્ધ જેવી સ્થિતિ, રોજ નજર સામે લોકો મોતને ભેટે છે, લોકો વસિયત લખવા માંડ્યા

  • ડૉક્ટર અને નર્સો ફ્રન્ટ લાઇન પર લડાઇ લડી રહ્યા છે
  • હોસ્પિટલોમાં ક્ષમતાથી ઘણા વધારે દર્દીઓ

ન્યૂયોર્ક. કોરોના વાઇરસ સામે ડૉક્ટર અને નર્સો ફ્રન્ટ લાઇન પર લડાઇ લડી રહ્યા છે. મોત સામે સંઘર્ષ કરતા દર્દીઓની સારવાર કરતા આ ડૉક્ટર્સ અને નર્સોને ખબર છે કે જરા અમથી બેદરકારી થતાં જ આ ઘાતક બીમારી તેમને પણ ઝપટમાં લઇ લેશે. ચીનમાં 3,300, સ્પેનમાં 12 હજાર અને ઇટાલીમાં 5 હજારથી વધુ મેડિકલ સ્ટાફ આ બીમારીની ઝપટમાં આવી ચૂક્યો છે. દુનિયાભરમાં 300થી વધુ ડૉક્ટર્સના મોત થઇ ચૂક્યા છે. અહીંના મેડિકલ સ્ટાફ પાસેથી જાણો કે તેઓ કોરોના સામે કેવી રીતે લડી રહ્યા છે.
15 વર્ષથી અહીં નર્સ છું પણ ડરનો આવો માહોલ પહેલાં ક્યારેય નથી જોયો: કેલ્ડરન
નર્સ ક્રિશ્ચિયન કેલ્ડરન જણાવે છે કે સૂરજ આથમતાં જ આખી રાતની ડ્યુટી કરવા નીકળી પડું છું. દીકરાને અલવિદા કહું છું અને માસ્કથી ચહેરો ઢાંકી લઉં છું. આ માસ્કની આગળ મેં વૉરિયર (યોદ્ધા) લખી દીધું છે, કેમ કે અમે એક યુદ્ધ લડી રહ્યા છીએ. અમે એક અજ્ઞાત, અદ્રશ્ય દુશ્મન સામે લડી રહ્યા છે. બધા જ યુદ્ધ જેવા મોડમાં છે. ડૉક્ટર, નર્સ સહિત સૌ કોઇ. હું 15 વર્ષથી ન્યૂયોર્કની પ્રેસ્બિટેરિયન હોસ્પિટલના આઇસીયુમાં કામ કરું છું પણ ડરનો આવો માહોલ પહેલાં ક્યારેય નથી જોયો. મને લાગે છે કે હું કોઇ બીજા દેશમાં છું. અમે શારીરિક અને માનસિક બન્ને રીતે ભાંગી પડ્યા છીએ. મારા યુનિટમાં લોકો રોજ મોતને ભેટી રહ્યા છે. મારા યુનિટમાં 4 દર્દી હતા. એક દિવસ પહેલાં એકનું મોત થયું, આગલી સવારે બીજાનું. અહીં દર્દીઓને ગંભીર હાલતમાં લવાય છે, જેઓ વેન્ટિલેટર પર હોય છે. અહીં ક્ષમતાથી વધુ દર્દીઓ છે. ઘણા લોકોને વેન્ટિલેટરની જરૂર છે પણ નથી મળી રહ્યા. 
બ્રોન્ક્સના જેકોબી મેડિકલ સેન્ટરની નર્સ થોમસ રિલે કોરોનાની ઝપટમાં આવી ચૂકી છે. સુરક્ષા ઉપકરણોની અછત અંગે તે કહે છે- મને લાગે છે કે અમને બધાને મરવા માટે સ્લોટર હાઉસ મોકલાઇ રહ્યા છે. જો અમે કોરોના પોઝિટિવ હોઇશું તો અમને આમ જ છોડી દેવાશે. આ જ સેન્ટરની નર્સ કેલી કૈબરેરા કહે છે- એવું લાગે છે કે જાણે અમને કોઇ સૂસાઇડ મિશન માટે મોકલાયા છે. અમારી સાથે કામ કરતી એક નર્સનું ગયા અઠવાડિયે મોત થયું. અમે અમારી તબિયત બગડતી જોઇ રહ્યા છીએ. અમને કોણ રિપ્લેસ કરશે? નોંધનીય છે કે જેકોબી મેડિકલ સેન્ટર સહિત ન્યૂયોર્કની ઘણી હોસ્પિટલોનો મેડિકલ સ્ટાફ એન-95 માસ્ક , ગાઉન, આંખોની સુરક્ષા સહિતના અંગત સુરક્ષા ઉપકરણોની અછત અનુભવી રહ્યો છે. 
ન્યૂયોર્કની સર્જન કહે છે- કામ પર જતાં ડર લાગે છે
ન્યૂયોર્કમાં સર્જન ડૉ. કોર્નેલિયા ગ્રિગ્સ કહે છે- પહેલી વાર મને કામ પર જતાં ડર લાગી રહ્યો છે પણ અમને દર્દીનો જીવ બચાવવા તાલીમ અપાઇ છે અને અમે તે જ કરી રહ્યા છીએ. પહેલાં મેં અને મારા પતિએ વસીયત લખવાનું ક્યારેય વિચાર્યું નહોતું પણ હવે તે જરૂરી થઇ ગયું છે. 
દહેશત એવી કે ગર્ભવતી મહિલાઓ ન્યૂયોર્ક સિટી છોડી રહી છે
ન્યૂયોર્ક સિટીમાં બધા જ ભયભીત છે. પ્રેગ્નન્ટ મહિલાઓ અન્ય સુરક્ષિત શહેરો તરફ ભાગી રહી છે. એરીલા ટૈબિક 8 મહિનાની ગર્ભવતી છે. તે ન્યૂયોર્કથી કોલોરાડો જતી રહી છે. તેણે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપવાનું વિચાર્યું હતું પણ હવે તેને તે ખૂબ ડરામણું લાગી રહ્યું છે. તે કહે છે કે ન્યૂયોર્ક છોડવું યોગ્ય નિર્ણય છે. પ્લેને ઉડાન ભરતાં જ તે સખત રડવા લાગી હતી. તેને તેનું ઘર છોડવાનું દુ:ખ હતું પણ અહીંની હોસ્પિટલોમાં સુરક્ષાના ઉપકરણો અને વેન્ટિલેટર બચ્યા જ નથી. ડૉક્ટર્સ અને નર્સો પણ ચેપગ્રસ્ત છે. સાથે જ તે હોસ્પિટલ પર બોજ બનવા પણ નહોતી ઇચ્છતી. ગયા અઠવાડિયે જ ન્યૂયોર્કની બે અગ્રણી હોસ્પિટલ પ્રેસ્બિટેરિયન અને માઉન્ટ સિનાઇએ લેબર રૂમ અને ડિલીવરી રૂમમાં સહાયક વ્યક્તિઓ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેનો ઘણી ગર્ભવતી મહિલાઓ, દાયણોએ વિરોધ કર્યો છે.