પાણીના ભાવે મળશે પેટ્રોલ-ડીઝલ, દુનિયામાં ક્યાંય રાખવાની પણ જગ્યા નહીં હોય

પાણીના ભાવે મળશે પેટ્રોલ-ડીઝલ, દુનિયામાં ક્યાંય રાખવાની પણ જગ્યા નહીં હોય

સમગ્ર દુનિયામાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. જેના કારણે હાલ દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન છે. જેને કારણે પેટ્રોલ-ડીઝલની માગમાં ધરખમ ઘટાડો આવ્યો છે. બીજી તરફ સાઉદી અરબ અને રશિયા વચ્ચે માર્કેટ પર આધિપત્ય જમાવવા માટે પ્રાઈઝ વોર ચાલુ છે અને બંને દેશ ઉત્પાદન ઘટાડવાનું નામ લઈ રહ્યા નથી. ઓછી માગ અને સામે વધતી સપ્લાયને કારણે હવે એવી સ્થિતિ ઉદભવી છે કે દુનિયામાં ઓઈલ રાખવાની જગ્યા જ બચી નથી. કાચા તેલની કિંમત પહેલેથી જ 17 વર્ષના ન્યુનતમ સ્તરે પહોંચી ગઈ છે. અને જો આવી જ સ્થિતિ રહી તો આગામી થોડા મહિનાઓમાં તે પાણીના ભાવે મળશે.

હાલની સ્થિતિને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ તો, ભારત સહિત સમગ્ર એશિયા, યુરોપ, અમેરિકા સહિત અનેક દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેન અને પ્લેન સહિતના ટ્રાન્સપોર્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો પોતાના ઘરે જ કેદ છે. આ સ્થિતિ ચારેક અઠવાડિયાથી છે. જેને કારણે ભારત સહિત દુનિયાભરનાં દેશોમાં પેટ્રોલ-અને ડીઝલની માગમાં ધરખમ ઘટાડો આવ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ હાલ તેની માગ ફક્ત 10-20 ટકા જ છે.

તેલ ઉત્પાદનને લઈ OPEC અને ગેર ઓપેક દેશો વચ્ચે 3 વર્ષની ડીલ આજે ખતમ થઈ ગઈ છે. સાઉદીએ સાફ કહી દીધું છે કે, આજથી તે તેલનું એક્સપોર્ટ વધારીને રેકોર્ડ 1.06 કરોડ બેરલ પ્રતિ દિવસ કરી દેશે. ઓઈલ કંપનીઓનું કહેવું છે કે, માગમાં આવેલાં ઘટાડાને કારણે દરેક બેરલને રિફાઈન કરવાથી તેઓનું નુકસાન વધતું જાય છે. આગામી સમયમાં તેઓનું ઓઈલ સ્ટોર પણ ભરાઈ જશે. આ પરિસ્થિતિ દુનિયાની દરેક રિફાઈનરીની છે.

કિંમત પર નજર નાખીએ તો આજે બ્રેંટ ક્રુડ ઈન્ટરનેશનલ માર્કેટમાં 25 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું. 30 માર્ચે તેની કિંમત 21 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. 2 માર્ચે કાચા તેલની કિંમચ 51.90 ડોલર આસપાસ હતા.