અમેરિકામાં કોરોનાથી ડરીને લોકો શહેર છોડી ગામડાં તરફ ભાગી રહ્યા છે, રુરલ પ્રોપર્ટીની સર્ચ 364 ટકા વધી

અમેરિકામાં કોરોનાથી ડરીને લોકો શહેર છોડી ગામડાં તરફ ભાગી રહ્યા છે, રુરલ પ્રોપર્ટીની સર્ચ 364 ટકા વધી

સર્વાઈવલ કોમ્યુનિટીના નામે અમેરિકી કંપનીઓ પ્રોપર્ટી વેચી રહી છે

વોશિંગ્ટન. હાલમાં જ ભારતમાં શહેરોમાંથી હિજરત કરતાં લોકોની ભીડ ચર્ચામાં હતી. કોરોનાના ડરથી આ લોકો ગામ પરત ફરવા શહેરના સીમાડે ભેગા થયા હતા. આવું જ કંઈક અમેરિકામાં પણ થઈ રહ્યું છે.

રિયલ એસ્ટેટ કંપનીઓની ઘરોમાં અંડરગ્રાઉન્ડ બંકર્સ બનાવી આપવાની ઓફર
કોરોનાના ડરને કારણે હવે શહેરમાં રહેતા લોકો અમેરિકી ગામડા તરફ ભાગી રહ્યા છે. આ દરમિયાન રિયલ એસ્ટેટ કંપનીઓ લોકોનો આ ડર પોતાના ધંધા માટે ઉપયોગ કરી રહી છે. ઘણી કંપનીઓ લોકોને શહેરોથી દૂર ગામડામાં સ્વચ્છ અને સુરક્ષિત જગ્યાએ તમામ સુવિધા ધરાવતી પ્રોપર્ટી આપવાનું સપનું બતાવે છે. કંપનીઓ આ ઘરોમાં અંડરગ્રાઉન્ડ બંકર્સ બનાવી આપવાનું વચન પણ આપે છે. તેઓ દાવો કરે છે કે પરમાણુ હુમલાથી પણ બચી શકાશે. સાથેજ આ ઘરોમાં ખાવાપીવા અને જરૂરિયાતનો સામાન જંગી માત્રામાં પહેલેથી જ ભર્યો હશે. કંપનીઓની આ ટ્રીક કામ પણ કરી રહી છે. આ કારણે રુરલ પ્રોપર્ટી સર્ચ કરનારાની સંખ્યા એક મહિનામાં 346 ટકા જેટલી વધી ગઈ છે. કેટલીક કંપનીઓ એવું વચન આપે છે કે કોરોનાના ડરથી દૂરના વિસ્તારમાં તેઓ મકાન આપશે. તેમને સર્વાવાઈલ કોમ્યુનિટી એવું નામ પણ અપાયું છે. કંપનીઓએ પોતાની ટેગલાઈનમાં લખ્યું છે કે ખરાબ સમયની તૈયારી સાથે વર્તમાનનો આનંદ લો. ફોર્ટીટ્યુડ રેન્જ કંપનીના સીઈઓ કહે છે કે કોરોનાને કારણે તેમની કંપનીની પ્રોપર્ટીમાં રસ ધરાવનારાની સંખ્યા 10 ઘણી વધી છે. 
ગામવાળાઓને સંસાધનમાં વહેંચણીનો ડર વધ્યો
જે ગામમાં શહેરના લોકો ઘર કે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે તેમને હવે નવો ડર સતાવે છે. તેમને લાગે છે કે વસ્તી વધવાથી તેમણે નવા લોકો સાથે પોતાના સંસાધનો પણ વહેંચવા પડશે. ઘણા લોકો દૂરના વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી રાખે છે અને વર્ષમાં વેકેશનગાળામાં ત્યાં જાય છે. જોકે કોરોનાસંકટને કારણે હવે પરિસ્થિતિ બદલાય તો નવાઈ નહીં.
કોરોનાના ડરથી ખરીદી
નોર્થ કેરોલિનાના આવી કંપની ધરાવતા જોન હેનેસ કહે છે કે કોરોના સંકટે લોકોને એ વાતનો અહેસાસ કરાવ્યો કે તેમણે બહુ પહેલાથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાની જરૂર હતી. તેઓ કહે છે કે માર્ચમાં મધ્ય ભાગ સુધીમાં તેમણે જેટલી પ્રોપર્ટી વેચી તેટલી 2019ના સમગ્ર વર્ષ દરમિયાન વેચી હતી. ઘણા લોકો વર્ષોથી વિચારતા હતા હવે ખરીદી રહ્યાં છે.