સરકારી અને ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ વિના મૂલ્યે કરવા સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

સરકારી અને ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ વિના મૂલ્યે કરવા સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

। નવી દિલ્હી ।

દેશમાં નાગરિકોનો કોરોના ટેસ્ટ મફત કરવામાં આવે તેવો નિર્દેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. બુધવારે કોરોના ટેસ્ટને લગતા એક કેસની સુનાવણી વખતે કોર્ટે કહ્યું કે સરકારે એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેથી લોકો ખાનગી લેબમાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવી શકે અને તેનો ખર્ચો સરકાર દ્વારા ચૂકવવામાં આવે. ખાનગી લેબને ટેસ્ટમાં પૈસા વસૂલવાની કોર્ટ છૂટ આપી શકે નહીં.

સરકાર તમામ માન્યતા ધરાવતી લેબને કોરોના ટેસ્ટ મફતમાં કરવા આદેશ આપે.   NABL, WHO કે  ICMR દ્વારા માન્યતા ધરાવતી લેબોરેટરી દ્વારા જ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે.

જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટની બેન્ચે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ માટે કોઈ મિકેનિઝમ બનાવવું જોઈએ જેથી ખાનગી લેબમાં કરાયેલા ટેસ્ટનાં પૈસા સરકાર લોકોને પાછા આપી શકે. બેન્ચે કહ્યું કે અમે આ સંદર્ભમાં ટૂંકમાં આદેશ જારી કરીશું. ગયા મહિને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે રૂ. ૪,૫૦૦નો ચાર્જ વસૂલવા છૂટ અપાઈ હતી. જેમાં રૂ. ૩,૦૦૦ ટેસ્ટનાં અને રૂ. ૧,૫૦૦ સ્ક્રીનિંગનાં સામેલ કરાયા હતા.

યોદ્ધાની જેમ લડતા ડોક્ટરો અને નર્સોને રક્ષણ આપવા કોર્ટનો આદેશ

કોર્ટે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં ડોક્ટરો એ નર્સો યોદ્ધાની જેમ લડી રહ્યા છે આથી તેમનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે સરકારે તેમને અને તેમનાં પરિવારને રક્ષણ આપવું જોઈએ. ડોક્ટરો અને નર્સોને સુરક્ષા આપવાની માગણી કરતી અરજીનાં સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ઉપર મુજબ જણાવ્યું હતું. તુષાર મહેતાએ કહ્યું કે સરકાર કોર્ટનાં નિર્દેશો પર વિચારણા કરશે. ડોક્ટરો અને નર્સોનાં રક્ષણ માટે સરકાર દ્વારા પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અરજદાર શશાંક દેવ સુઢીએ તેમની અરજીમાં કહ્યું હતું કે દેશનાં ટેસ્ટ માટે આટલો મોટો ચાર્જ ચૂકવવો પરવડી શકે તેમ નથી.

દરરોજ ૧૧૮ લેબમાં ૧૫,૦૦૦ ટેસ્ટ

સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે દેશમાં ૧૧૮ લેબમાં દરરોજ ૧૫,૦૦૦ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સરકાર ૪૭ ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવા પરવાનગી આપવાની છે. અમને ખબર નથી કે લોકડાઉન ક્યાં સુધી ચાલુ રહેશે અને કેટલી લેબની જરૂર પડશે. PPE કિટ સહિત અન્ય તમામ મેડિકલ સાધનોની ખરીદીને તેની ગોઠવણ કરાઈ રહી છે. પોઝિટિવ લોકો અન્યોને પરેશાન ન કરે તેનો ખ્યાલ રખાય છે. ડોક્ટરોનાં વેતનમાં કાપ મૂકવાનાં અહેવાલોને તેમણે ખોટા ગણાવ્યા હતા.