નિયમ / ઇન્કમટેક્સના નવા રિટર્ન ફોર્મમાં પાસપોર્ટની વિગત આપવી પડશે

નિયમ / ઇન્કમટેક્સના નવા રિટર્ન ફોર્મમાં પાસપોર્ટની વિગત આપવી પડશે

કરદાતાએ ફોરેન ટૂર, ભાડાની આવક બતાવવી પડશે

અમદાવાદ . ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 2019-20ના પૂરા થતા વર્ષના નવા સુગમ-1 અને સુગમ-4 ઇન્કમટેક્સ આઇટીઆર ફોર્મ જાહેર કર્યા છે. સુગમ-1 ફોર્મ જે વ્યક્તિને પગારની આવક, ભાડાની આવક, ઇન્વેસ્ટમેન્ટ અને વ્યાજની આવક ધરાવતા લોકોએ ભરવાનું રહેશે, જેની છેલ્લી તા. 31 જુલાઇ 2020 છે. જ્યારે સુગમ-4 જે વ્યક્તિ ધંધાની આવક ધરાવતો હોય અને પ્રિઝેન્ટિવ ટેક્સમાં બિન ઇન્કમ બતાવા માંગતા હોય તેવી વ્યક્તિએ અને જેને ઓડિટ ન કરાવવાનું હોય તે વ્યક્તિએ આ રિટર્ન ભરવાનું રહે છે. 
રૂ. 1 લાખથી વધારે વીજળી ખર્ચની વિગત આપવી પડશે
આ બન્ને રિટર્નમાં હવેથી દરેક વ્યક્તિએ પાસપોર્ટની વિગત, રૂ. 1 કરોડથી વધારે ડિપોઝિટ, રૂ. 2 લાખથી વધારે ફોરેન ટ્રાવેલ, રૂ. 1 લાખથી વધારે વીજળી બિલની ડિટેઈલ આપવાની રહેશે. જ્યારે સુગમ-4 રિટર્નમાં રૂ. 1 કરોડથી વધારે ડિપોઝિટની વિગતો, રૂ.2 લાખથી વધારે ફોરેન ટ્રાવેલ્સ ખર્ચની વિગતો, રૂ. 1 લાખથી વધારે વીજળી ખર્ચ, વર્ષ દરમિયાન રોકડ અને બેંકમાં કરેલા વ્યવહારોમાં ઓપનિંગ બેલેન્સ, વર્ષ દરમિયાન મળેલ રકમ, વર્ષ દરમિયાન ચૂકવેલ રકમ અને વર્ષના અંતમાં રહેલા બેલેન્સની વિગત કરદાતાએ રિટર્નમાં બતાવાની રહેશે. જો કોઇ કરદાતાએ પાર્ટનરશિપ ફર્મ હોય તો તેવા કિસ્સામાં પાર્ટનરના નામ, તેના આધારકાર્ડ, નફા-નુકસાનનો રેસીયો, વર્ષ દરમિયાન મૂડી, આપેલ પગારની વિગતો, અલગથી બતાવવું પડે છે. આ રિટર્ન ભરવાની છેલ્લી તા. 31 જુલાઇ 2020 છે. કરદાતા આ રિટર્ન ભરીને તાત્કાલિક રિફંડ મેળવી શકશે. 
સીએ રચના ખંધારે જણાવ્યું છે કે, ઇન્કમટેક્સના સુગમ-4 રિટર્ન ભરવા માટે જે રીતે વિગતો માંગવામાં આવી છે. તેને ધ્યાનમાં લેતા દરેક કરદાતાએ એકાઉન્ટ તૈયાર કરવા પડશે.