ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

। નવી દિલ્હી ।

માનવજાત પર ભારે પડી રહેલો કોરોના વાઇરસ દરરોજ હજારોેને મોતના મુખમાં ધકેલી રહ્યો છે. મંગળવારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસ ૯૪,૦૬૪ના વધારા સાથે ૧૯,૪૬,૩૨૧ પર પહોંચી ગયાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં ૭,૫૦૯ મોત સાથે કુલ મોતનો આંકડો ૧,૨૧,૭૦૪ પર પહોંચ્યો હતો. વિશ્વની મહાસત્તા અમેરિકા પણ કોરોના વાઇરસ સામે લાચાર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોનાના કારણે ૧,૫૪૯ મોત નોંધાતાં મોતનો કુલ આંકડો ૨૩,૬૫૪ પર પહોંચ્યો હતો. એકલા ન્યૂયોર્કમાં કોરોનાના કારણે ૧૦,૦૦૦થી વધુ લોકોનાં જીવ ગયાં છે. ન્યૂયોર્કમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખ નજીક પહોંચવા આવી છે. અમેરિકામાં કૂદકે અને ભૂસકે પોઝિટિવ કેસ વધતાં કુલ કેસની સંખ્યા ૫,૮૭,૮૧૫ પર પહોંચી હતી. અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના કારણે થયેલાં કુલ મોતમાંથી ૭૦ ટકા મોત યુરોપમાં થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં બ્રિટનમાં ૭૧૭, સ્પેનમાં ૫૪૭, ઇટાલીમાં ૫૬૬, ફ્રાન્સમાં ૫૭૪, બેલ્જિયમમાં ૩૦૩ અને જર્મનીમાં ૧૭૨ મોત થયાં હતાં.

દરમિયાન અમેરિકામાં લોકડાઉન ખોલવા અંગે પ્રમુખ ટ્રમ્પ અને રાજ્યોના ગવર્નરો વચ્ચે ગજગ્રાહ ફાટી નીકળ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, દેશમાંથી નિયંત્રણો હટાવવા અને બિઝનેસ ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારી પાસે છે. ત્યારબાદ અમેરિકામાં લદાયેલા નિયંત્રણો ક્યારે હટાવવા એ નક્કી કરવાની યોજના માટે ગવર્નરોએ બે ગ્રૂપની રચના કરી છે.

બીજીતરફ ફ્રાન્સમાં ૧૧મી મે સુધી દેશવ્યાપી લોકડાઉન લંબાવી દેવાયો છે. ફ્રાન્સમાં ૧૭ માર્ચથી લોકડાઉન અમલમાં છે. ૧૧મી મે પછી શાળા અને બિઝનેસ તબક્કાવાર ખોલવામાં આવશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ જણાવ્યું હતું કે, મહામારીનં જોર ઘટી રહ્યું છે. આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ફ્રાન્સ ૧૧મી મેથી નવા ચરણનો પ્રારંભ કરશે.

કોરોનાના ભય મધ્યે સ્પેનમાં લાખો કર્મચારીઓ કામ પર પરત ફર્યાં

કોરોના મહામારી ફરી ઉછાળો મારે તેવા ભય મધ્યે સ્પેનમાં રોજિંદા મોત અને કેસની સંખ્યામાં ઘટાડો થતાં સરકારે લોકડાઉનના નિયમો હળવા કરતાં સોમવારથી લાખો બિનઆવશ્યક સેવાઓના કર્મચારીઓ પોતાની ફરજ પર પાછા ફર્યાં હતાં. સ્પેનમાં કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામકાજ શરૂ થઈ ગયું છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ૩ લાખ કર્મચારીઓ પોતાના કામ પર પરત ફર્યાં છે. સ્પેનમાં સરકાર દ્વારા બે સપ્તાહનો લોકડાઉન લાગુ કરાયો હતો.

ઇરાનમાં એક મહિનામાં પહેલીવાર મોતનો આંકડો ૧૦૦થી નીચે ગયો

ઇરાનની સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં પહેલીવાર કોરોનાના કારણે દેશમાં મોતનો પ્રતિદિન આંકડો ૧૦૦થી નીચે ચાલ્યો ગયો હતો. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કારણે ૯૮નાં મોત થયાં હતાં. ઇરાનમાં અત્યાર સુધીમાં ૪,૬૮૩નાં મોત થયાં છે.

જાપાનની હોસ્પિટલોમાં સેનિટાઇઝર ખૂટી પડયું જાપાનમાં સેનિટાઇઝરની તીવ્ર અછત સર્જાતાં હવે સ્પિરિટ જેવાં સ્ટ્રોંગ આલ્કોહોલનો ઉપયોગ શરૂ કરાયો છે. હોસ્પિટલોમાં સ્પિરિટને ૭૦ ટકા જેટલું માઇલ્ડ બનાવીને હાથને સ્ટરીલાઇઝ કરવા માટે ઉપયોગામાં લેવાઈ રહ્યું છે.

રશિયામાં એક જ દિવસમાં ૨,૭૭૪ કેસ નોંધાયા

રશિયામાં કોરોનાનો પ્રસાર ઉગ્ર બની રહ્યો છે. અત્યાર સુધી દેશમાં ૨૦,૦૦૦ કરતાં પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. મંગળવારે રશિયામાં સૌથી વધુ ૨,૭૭૪ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. દેશમાં મોતનો કુલ આંકડો ૧૭૦ થયો.

કોરોના વર્લ્ડવાઇડ

  • તુર્કી ૯૦,૦૦૦ કેદીઓને જેલોમાંથી મુક્ત કરશે
  • તાઇવાનમાં પહેલીવાર આખા દિવસમાં એકપણ પોઝિટિવ કેસ ન આવ્યો
  • જર્મનીમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો
  • ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનમાં રાહતનો સરકારનો ઇનકાર