કોર્પોરેશન 80 ટકા કેસ સામે ચાલીને શોધી રહ્યું હોવાથી કેસની સંખ્યા વધી છે, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથીઃ નહેરા

કોર્પોરેશન 80 ટકા કેસ સામે ચાલીને શોધી રહ્યું હોવાથી કેસની સંખ્યા વધી છે, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથીઃ નહેરા

  • કમિશનર: અમલ પહેલા દિવસથી કર્યો, પણ દિલ્હીથી આવેલાએ ચેપ ફેલાવ્યો
  • કોરોના એક બોમ્બ છે, તેને શોધીને ડિફ્યૂઝ કરવો પડે, નહિતર હજારો લોકોને ચેપ લાગે
  • પ્રોએક્ટિવ વ્યૂહથી કેસ વધ્યા, પરંતુ તેનાથી 6 હજારનાં મોત અને 2.5 લાખને ચેપથી બચાવ્યા

અમદાવાદ. કોરોના વાઇરસની મહામારી અંગે કમિશનર વિજય નહેરા સાથે ખાસ વાતચીત…

પ્રશ્નઃ લક્ષણો દેખાતાં નથી, કદાચ એમની મેતે સાજા થઈ જાય તો મ્યુનિ.શા માટે તેમને કોવિડ સેન્ટર સુધી લઈ જાય છે
કોરોના એક બોમ્બ છે. તેને શોધીને ડિફયુઝ કરવો જ પડશે, આજે નહીં તો કાલે,ગમે ત્યારે આ બોમ્બ ફૂટી શકે છે. લક્ષણો વિનાના લોકો કદાચ એમની જાતે સાજા થઈ જશે અને તેમને કદાચ સારવારની પણ જરૂર નથી. એમને શહેરમાં રહેવા દેવામાં આવે અને આઈસોલેટ કરવામાં ન આવે તો આવા એસિમ્ટોમેટિક એટલે કે લક્ષણ વગરના લોકો સેંકડો લોકોને ચેપ લગાડી શકે છે. જાતે સાજા થઈ જશે પણ બીજાને ચેપ લાગશે તેમને ગંભીર લક્ષણ આવી શકે અને તેમાંથી મૃત્યુ પણ થઈ શકે છે. 

પ્રશ્નઃ ઈન્ફેકશન રેટ વધી રહ્યો છે, કેસ વધી રહ્યા હોવાથી શહેરમાં પેનિક ફેલાય છે. તમારું શું કહેવું છે?
કોઈએ આ માટે પેનિક થવાની જરૂર નથી. 80 ટકા કેસો સામેથી શોધી રહ્યા છીએ. પ્રોએક્ટિવ સર્વેલન્સ સ્ટ્રેટેજી ના અપનાવી હોત તો રેકોર્ડ પર કેસની સંખ્યા 80 ટકા ઓછી થાત. પણ આ બધા કેસો ફરી ફરીને બીજાને ચેપ લગાડી શકયા હોત. એટલે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરી સમજી વિચારીને કેસો શોધી નાખવાની જે સ્ટ્રેટેજી અપનાવી છે તેનાથી કેસ વધશે. આગામી દિવસોમાં આવા શંકાસ્પદ લોકોથી લાગતો ચેપ આપણે ઘટાડી શકીશું. સામેથી કેસ શોધવાની આ સ્ટ્રેટેજીથી અત્યારસુધી જે કેસ મળ્યા તેનાથી 6000 લોકોને મૃત્યુથી અને અઢી લાખ લોકોને ચેપથી બચાવી શકયા છીએ.

પ્રશ્નઃ આ જ સ્ટ્રેટેજી હતી તો પ્રથમ દિવસથી જ કેમ લાગુ કરવામાં આવી ન હતી?
આપણે પહેલા દિવસથી જ આ જ સ્ટ્રેટેજી લાગુ કરી હતી. એક પણ કેસ ન હતો ત્યારથી જ બહારથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઈન કરીને કામ હાથ પર લીધું હતું અને સર્વેલન્સ કરીને શંકાસ્પદોને આઈસોલેટ કરવાની રણનિતી પહેલા દિવસથી અમલમાં મૂકી હતી. પણ દિલ્હીથી અમુક લોકો આવ્યા એ આપણી જાણ બહાર હતું જેના કારણે કોટ વિસ્તારમાં થોડું સંક્રમણ વધુ ફેલાયું છે.

પ્રશ્નઃ આપણી સ્ટ્રેટેજીથી પરિણામ મળી રહ્યું છે તો રાજ્યના બીજા શહેરોમાં હજુ સુધી કેમ લાગુ કરવામાં આવી નથી?
હવે મહદ અંશે બધા લોકો આ સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છે. મોટા ભાગનાં રાજયો અને શહેરોમાં હવે ધીમે ધીમે ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. આ સ્ટ્રેટજીથી ચોક્કસપણે ચેપી લોકોને ઝડપથી અને અસરકારક રીતે શોધી શકાય છે. 

પ્રશ્નઃ શું લક્ષણો વિનાના કેસ મળી રહ્યા છે તે શહેર માટે અત્યારે અને આગામી દિવસોમાં કેટલુ ચિંતાજનક કહી શકાય?
દરેક કેસ શરૂઆતમાં લક્ષણ વગરનો જ હોય છે. સાતથી દસમાં દિવસમાં લક્ષણ ડેવલપ થાય. આ જ કેસ જો અઠવાડિયા પછી પકડવામાં આવ્યા હોત કે તેઓ સામેથી આવ્યા હોત તો તે લક્ષણ સાથે આવ્યા હોત. પણ આપણે શરૂઆતથી જ આવા કેસ શોધીએ છીએ એટલે તે લક્ષણ વિનાના હોય છે. અને ચિંતાજનક એટલે નથી કેમ કે, પહેલા દિવસથી જ તેમની સારવાર એ રીતે શરૂ કરી દેવામાં આવે છે. 

પ્રશ્નઃ લોકડાઉન પછી મ્યુનિ.ની સ્ટ્રેટેજી કારગત હશે પણ બીજે અમલ થયો નથી તો શહેર પર તેની શું અસર વર્તાશે?
આ વાત સાચી છે કે, દેશના કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં નિયંત્રણ લાવવામાં આવે પણ બીજા વિસ્તારમાં ન લાવવામાં આવે તો સંક્રમણ ફેલાવાની શકયતા રહેલી છે. પણ રાજય સરકારને આ બાબતનો ખ્યાલ છે. અને એટલે જ આસપાસના ગ્રામિણ વિસ્તારો અને અન્ય શહેરોમાં કેસો શોધી કાઢવાની વ્યૂહરચના આખા રાજયમાં સરકાર અમલમાં લાવી રહી છે.

પ્રશ્નઃ હજુ શહેરના હોટસ્પોટ વિસ્તારોમાં કેટલા લોકો શંકાસ્પદ હોવાનું અનુમાન છે?
અમારુ અનુમાન છે ત્યાં સુધી હોટસ્પોટ વિસ્તારોમાં 90 ટકાથી વધુ લોકોને અમે કવર કરી લીધા છે. 21 મી સુધી કફર્યું છે ત્યારે 100 ટકા આ વિસ્તારને કવર કરી લેવામાં આવે અને લોકડાઉન છે ત્યાં સુધી શહેરભરમાં વારંવાર તમામ વિસ્તારને કવર કરી લેવામાં આવે જેથી શંકાસ્પદોને શોધી શકાય અને લોકડાઉન ખૂલે ત્યારે સંક્રમણની શકયતા ઓછી કરી શકાય.

પ્રશ્નઃ શહેરની ચાલીઓ અને સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસર્યો છે, તો એ કેટલું ઘાતક ગણી શકાય?
ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાં ચેપ વધુ પ્રસરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. એટલે જ અગમચેતીના ભાગરૂપે ગુલબાઈ ટેકરા, રામાપીરના ટેકરા સહિતના સ્લમ અને ચાલી વિસ્તારમાં પણ સઘન સર્વેલન્સ શરૂ કર્યું અને કેસ પણ શોધી લીધા છે જેથી તેમનો ચેપ વધુ પ્રસરે નહીં.