બિલ ગેટ્સે પત્ર લખી મોદીની પ્રશંસા કરી, કહ્યું – લોકડાઉનનો નિર્ણય યોગ્ય, ડિજીટલ ક્ષમતાનો પૂરો ઉપયોગ કર્યો

બિલ ગેટ્સે પત્ર લખી મોદીની પ્રશંસા કરી, કહ્યું – લોકડાઉનનો નિર્ણય યોગ્ય, ડિજીટલ ક્ષમતાનો પૂરો ઉપયોગ કર્યો

  • માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પત્ર લખીને મોદી સરકારના પગલાની પ્રશંસા કરી
  • બિલ ગેટ્સે કહ્યું- મોદી સરકારના નિર્ણયોથી સંક્રમણનો દર વધતો અટકાવવામાં મદદ મળી

નવી દિલ્હી. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઈરસ સામેની લડાઈમાં પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયોની પ્રશંસા કરી છે. મોદીને લખવામાં આવેલી એક ચિઠ્ઠીમાં ગેટ્સે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં તમારી સરકારે ડિજીટલ ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે.માઈક્રોસોફ્ટના સ્થાપકે મોદી દ્વારા લોકડાઉન અંગે જે નિર્ણય લેવામાં આવ્યો તેને યોગ્ય ગણાવ્યો છે.

ગેટ્સે લખ્યું- અમે તમારા નેતૃત્વ અને તમારી તથા તમારી સરકારના સક્રિય પગલાંની પ્રશંસા કરી છીએ. આ પગલાને લીધે ભારતમાં કોવિડ-19 સંક્રમણના દરને વધતો અટકાવવામાં સફળતા મળી છે. તેમા નેશનલ લોકડાઉન, હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવું, ક્વોરન્ટીન સુવિધાઓ સહિત સ્વાસ્થ્ય  સુવિધાઓ વધારવા જેવા પગલાનો સમાવેશ થાય છે. તેને મજબૂત કરવા અંગે જે અનેક પગલાં ભરવામાં આવ્યા તે પ્રશંસાનેપાત્ર છે. તેનાથી રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ તથા ડિજીટલ ઈનોવેશનને પણ ઉત્તેજન મળ્યુ છે. એ જોઈને ખૂબ જ સારું લાગ્યુ છે કે તમે તમામ ભારતીય નાગરિકોની સામાજીક સુરક્ષા તથા તેમના આરોગ્યની સુરક્ષા કરી રહ્યા છો. કોવિડ-19 સામે લડવામાં ડિજીટલ ક્ષમતાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આરોગ્ય સેતુ ડિજીટલ એપ તેનું ઉત્તમ ઉદાહણ છે, જેનાથી તમે કોરોના વાઈરસ સંક્રમણને ટ્રેક કરી રહ્યા છો અને સામાન્ય લોકો સાથે જોડાી રહ્યા છો.

કોરોનાની દવાનો સંપૂર્ણ ખર્ચ વહન કરવાની જાહેરાત કરી ચુક્યા છે ગેટ્સ

બિલ ગેટ્સ કોરોના વાઈરસ સામેની લડાઈ માટે રૂપિયા 750 કરોડ રૂપિયાનું દાન આપી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે અલગ-અલગ દેશોને કરોડો રૂપિયાની આર્થિક સહાયતા પણ કરી છે. ગેટ્સે ગયા સપ્તાહે કોરોનાની વેક્સીન (દવા) બનાવવા સંપૂર્ણ ખર્ચ વહન કરવાની જાહેરાત કરી હતી. ”ધ ડેઈલી શો”ના હોસ્ટ નૂહને આપેલી એક મુલાકાતમાં તેમણે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાઈરસની સાત વેક્સીન તૈયાર કરવામાં આવશે અને તે પૈકી સર્વશ્રેષ્ઠ વેક્સીનનો ટ્રાયલ કરવામાં આવશે. વેક્સીન તૈયાર કરનારી તમામ કંપનીઓને બિલ ગેટ્સ ફંન્ડિંગ કરી રહ્યા છે.